Columns

ફિલ્મ ‘આદિપુરુષ’માં હનુમાનજીના મોઢે સડકછાપ ડાયલોગ – જનતાએ ફિલ્મમેકરની લંકામાં આગ લગાડી દીધી!

બહુચર્ચિત ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ તેનું મોટા પાયે પ્રમોશન કર્યું હતું. હવે ફિલ્મનું આખા દેશમાં ભયંકર ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. ખાસ કરીને લોકો તેના ડાયલોગ્સ (સંવાદો) પર ગુસ્સે થયા છે. રામકાળનાં પાત્રો દ્વારા બોલાતી ભાષા સામે જનતાને વાંધો છે. સંવાદલેખક મનોજ મુંતશિર આજે લોકોના નિશાન પર ચડી ગયા છે. તમે જ કહો હનુમાનજીના મોઢે સડકછાપ ડાયલોગ્સ સાંભળીને આ દેશમાં કોનું મગજ ના ફરે? હદ એ વાતની થઈ હતી કે એક તો એવું કામ કર્યું અને ઉપરથી ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિર એવું કહી રહ્યા હતા કે, ‘‘લોકોને સમજાય એવું લખ્યું છતાં મને ભાંડી રહ્યા છે.

લોકોમાં જ બુદ્ધિ નથી.’’ લો, બોલો? આ રીતે તે પોતાનો બચાવ તો કરતા રહ્યા સાથે સાથે પોતાને જસ્ટિફાય કરવાની કોશિશ ચાલુ રાખી હતી પણ જનતા જનાર્દન પાસે કોનું ચાલ્યું છે? આખરે એ પાંચ ડાયલોગ્સ બદલવાનો નિર્ણય લેવો પડ્યો હતો!  આખી વાતને શરૂઆતથી સમજીએ. ‘આદિપુરુષ’ સામેના વિરોધનાં ઘણાં કારણો છે. સૌથી પહેલાં તો લોકોને તેની કાસ્ટિંગ પસંદ નથી આવી રહી. ઉપરાંત લોકોને પાત્રોનો લુક પસંદ નથી આવી રહ્યો અને આ બધાની વચ્ચે હવે લોકોને ફિલ્મના ડાયલોગ્સ સામે વાંધો પડ્યો છે. વાસ્તવમાં આવા પાંચ-છ ડાયલોગ્સ છે જેના કારણે હંગામો મચ્યો છે. સૌથી વધુ હોબાળો હનુમાનના ડાયલોગ પર છે. હનુમાનજી જાનકીને મળવા લંકા જાય છે. તેમને રામની વીંટી આપી ખાતરી કરાવે છે પોતે રામના દૂત છે. રાવણની સેના હનુમાનને પકડી લે છે. એ પછી મેઘનાથ પૂંછડીમાં આગ લગાવીને હનુમાનને પૂછે છે ‘‘જલી?’’ આના જવાબમાં હનુમાનજી કહે છે ‘‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’’

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાઈટર મનોજ મુંતશિરે આ કુમાર વિશ્વાસના ડાયલોગ કોપી કર્યા છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કુમાર વિશ્વાસ કહે છે કે મેનેજમેન્ટે પાઠ હનુમાનજી પાસેથી શીખવા જોઈએ. હનુમાન પોતાના એમ્પ્લોયરને ક્યારેય તકલીફ નથી આપતા. તેઓ આગળ કહે છે, MBA તમને મિનીમમ ઇનપુટમાંથી મેક્સિમમ આઉટપુટ કાઢવાનું શીખવે છે. હનુમાન આનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાને (રામ) તેમને લંકા મોકલ્યા હતા અને કહ્યું હતું કે, જાઓ અને મારું વિઝિટિંગ કાર્ડ આપી આપો. તેની પૂંછડી પર કપડું બાંધવામાં આવ્યું, કપડું કોનું હતું, રાવણનું? કેરોસીન કોનું હતું? અને છેવટે બળ્યું કોનું?

લોકોનું કહેવું છે કે મનોજ મુંતશિરે આ ‘જલી’વાળો ભાગ અહીંથી ઉઠાવ્યો છે. આટલું જ નહીં, ફિલ્મના બીજા અમુક ડાયલોગ્સ પણ વિવાદ ઊભો કરી રહ્યા છે. હનુમાન લંકાથી પાછા ફરે છે ત્યારે રાઘવ એટલે કે રામ તેમને પૂછે છે કે ‘‘શું થયું?’’ જવાબમાં હનુમાનજી કહે છે ‘‘બોલ દિયા, જો હમારી બહેનો કો હાથ લગાયેંગે, ઉનકી લંકા લગા દેંગે.’’ વાત આટલેથી પૂરી નથી થતી! ફિલ્મમાં હજુ આવા ટપોરીછાપ બીજા ડાયલોગ્સ છે! એક જગ્યાએ રાક્ષસ હનુમાનને કહે છે ‘‘યે લંકા ક્યા તેરી બુઆ કે બગીચા હૈ, જો હવા ખાને ચલા આયા.’’ લક્ષ્મણ પર હુમલો કરતી વખતે ઈન્દ્રજીત બોલે છે ‘‘મેરે એક સપોલે ને તુમ્હારે ઈસ શેષનાગ કો લંબા કર દિયા. અભી તો પૂરા પીટારા ભરા પડા હૈ.’’ વધુ એક સીનમાં વિભીષણ રાવણને કહે છે ‘‘ભૈયા આપ અપને કલ કે લિયે કાલિન બિછા રહે હૈ.’’

અલબત્ત, આખી ફિલ્મમાં આવા તો બીજા ઘણા સંવાદો છે, જેના પર લોકો ‘આદિપુરુષ’ અને તેના નિર્માતાઓને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હનુમાન કે અન્ય પાત્રો દ્વારા બોલવામાં આવતી ભાષા યોગ્ય નથી. ભાષા ખૂબ જ છીછરી, ટપોરી ટાઈપ છે. ફિલ્મના ડાયલોગ્સ લખનાર મનોજ મુંતશિરે આ અંગે સ્પષ્ટતા કરીને પોતાનો બચાવ કરતા કંઈક નવી વાત કહી છે. તેણે કહ્યું હતું ‘‘આ કોઈ ભૂલ નથી. બજરંગ બલીના ડાયલોગ્સ ખૂબ જ સમજીવિચારીને લખવામાં આવ્યા છે. અમે સંવાદોને જાણીજોઈને સરળ બનાવ્યા છે કારણ કે ફિલ્મના તમામ પાત્રો એક જ ભાષા બોલી શકતા નથી. આમાં વિવિધતા હોવી જોઈએ.’’

દુઃખ એ વાતનું છે કે આજના જનરેશનમાં જેની વાહવાહી થઈ રહી છે એવા ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે આવી છીછરી કક્ષાની ટપોરી ભાષામાં ડાયલોગ લખ્યા છે! હનુમાન જેવા પાત્ર પાસે આવા સડકછાપ ડાયલોગ બોલાવીને આ વ્યક્તિ શું સાબિત કરવા માંગે છે, એ સમજાતું નથી! દેશભરમાંથી વિરોધ શરૂ થયો છે, એમાં કાંઈ ખોટું નથી. ફિલ્મમાં પ્રભાસ જેવો સૌથી મોંઘો એક્ટર છે. હવે આ ફિલ્મના ડાયલોગ્સને કારણે તેની સૌથી વધુ ટીકા થાય તો એ કેવી રીતે પોસાય? લોકો ડાયલોગની સડકછાપ ભાષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. તેઓ કહી રહ્યા છે કે હનુમાન અને રામ જેવા શ્રદ્ધાના વિષયોમાં આવી હળવી ભાષાનો ઉપયોગ કરે એ કોણ સહન કરી શકે? આટલી બબાલ પછી પણ ડાયલોગ રાઈટર મનોજ મુંતશિર શુક્લા પોતાનો કક્કો ખરો કરીને એવું કહી રહ્યા છે કે, ‘આદિપુરુષ’ના ડાયલોગ જાણીજોઈને એવી રીતે લખવામાં આવ્યા છે કે લોકો તેને સમજી શકે.

વિવાદ વધતા તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં મનોજને પૂછવામાં આવ્યું હતું કે ‘‘લોકો કહે છે કે ફિલ્મના ડાયલોગ્સ ખૂબ સડકછાપ છે. હનુમાન જેવા પાત્ર માટે ડાયલોગ્સ બોલિવૂડની સામાન્ય ફિલ્મની જેમ લખવામાં આવ્યા છે, આવું કેમ?’’ આ અંગે મનોજ મુંતશિરે ખુલાસો કરતા એવું કહ્યું કે ‘‘શા માટે માત્ર હનુમાનજીની જ વાત કરવામાં આવે છે? ભગવાન શ્રી રામના ડાયલોગ્સ વિશે પણ વાત કરવી જોઈએ. માતા સીતાના ડાયલોગ્સની પણ વાત કરવી જોઈએ. જ્યાં તે અશોક વાટિકામાં રાવણને પડકારે છે, એવું કહે છે – રાવણ, જાનકીનો પ્રેમ ખરીદવા માટે તારી લંકામાં એટલું સોનું નથી. તેના વિશે કેમ વાત કરવામાં આવી રહી નથી? જ્યારે રામ કહે છે, – આજે મારા માટે લડશો નહીં. તે દિવસ માટે લડવું જ્યારે આજથી હજારો વર્ષો પછી, માતાઓ પોતાના પુત્રોને તમારી વાર્તાઓ કહીને મોટા કરી રહી હોય.’’

મનોજ મુંતશિરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમે જાણીજોઈને આવા ડાયલોગ્સ લખ્યા છે જેથી લોકો સમજી શકે? તો તેમણે કહ્યું ‘‘હા ચોક્ક્સ. આ કોઈ ભૂલ નથી. બજરંગબલીના ડાયલોગ્સ ખૂબ જ સમજીવિચારીને લખવામાં આવ્યા છે. અમે ડાયલોગ્સને જાણીજોઈને સરળ બનાવ્યા છે કારણ કે ફિલ્મનાં તમામ પાત્રો એક જ ભાષા બોલી શકતા નથી. આમાં વિવિધતા હોવી જોઈએ.’’ એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે ‘‘શું હનુમાન ક્યારેય આવી ભાષાનો ઉપયોગ કરે ખરા?’’ આના પર મનોજનો જવાબ હતો કે, ‘‘આપણે બધા રામાયણને કેવી રીતે જાણીએ છીએ? આપણે ત્યાં વાર્તા કહેવાની પરંપરા છે. હું એક નાનકડા ગામમાંથી આવું છું. મારાં દાદીમા જ્યારે રામાયણની વાર્તા સંભળાવતા ત્યારે આવી ભાષામાં સંભળાવતા હતા. તમે જે સંવાદનો ઉલ્લેખ કર્યો છે, આ દેશના મહાન કથાકારો અને સંતો આ રીતે બોલે છે. આ ડાયલોગ લખનાર હું પહેલી વ્યક્તિ નથી.’’

લોકોના રોષને કારણે પાછળથી લાઈન પર આવેલા મનોજ મુંતશિરે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યા હતા, જેમાં લખ્યું હતું કે ‘‘રામકથામાંથી પહેલો પાઠ એ શીખવો જોઈએ કે દરેકની લાગણીઓને માન આપવું. સાચું કે ખોટું, સમય બદલાય છે, લાગણી રહે છે. મેં ‘આદિપુરુષ’માં 4000 થી વધુ લીટીના સંવાદો લખ્યા છે, 5 લીટીઓ પર કેટલીક લાગણીઓને ઠેસ પહોંચી છે. એ સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રીરામની સ્તુતિ કરવામાં આવી હતી, માતા સીતાની પવિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમની પ્રશંસા પણ મળવાની હતી, જે ખબર નહીં કેમ ન મળી?’’

આગળ મનોજ મુંતશિરે લખ્યું હતું કે ‘‘લોકો તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમના માટે અપશબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. મારા પોતાના ભાઈઓએ સોશ્યલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા! શક્ય છે કે 3 કલાકની ફિલ્મમાં, મેં 3 મિનિટ માટે તમારી કલ્પના કરતાં કંઇક અલગ લખ્યું હોય પરંતુ તમે મારા કપાળ પર સનાતન-દ્રોહી લખવાની આટલી ઉતાવળમાં કેમ છો તે હું સમજી શક્યો નહીં. શું તમે ‘જય શ્રી રામ’, ‘શિવોહમ’, ‘રામ સિયા રામ’ ગીત સાંભળ્યાં નથી? આદિપુરુષમાં સનાતનની આ સ્તુતિઓ પણ મારી કલમમાંથી જ જન્મી છે. ‘તેરી મિટ્ટી’ અને ‘દેશ મેરે’ પણ મારા દ્વારા જ લખાઈ છે. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. જો આપણે એકબીજાની સામે ઊભા રહીશું તો સનાતન હારી જશે. અમે સનાતન સેવા માટે ‘આદિપુરુષ’ની રચના કરી છે જે તમે મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો અને મને ખાતરી છે કે તમે આગળ પણ જોશો.’’

ખેર, આ બધું લખતી વખતે તેણે જે ઉપયોગી વાત લખી છે તે એ છે કે ફિલ્મમાંથી કેટલાક સંવાદો કાઢી નાખવામાં આવશે. મનોજ મુંતશિર શુક્લાએ લખ્યું હતું ‘‘શા માટે આ પોસ્ટ? કારણ કે મારા માટે તમારી લાગણીઓ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. હું મારા સંવાદોની તરફેણમાં અગણિત દલીલો આપી શકું છું પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે અમે તમને નુકસાન પહોંચાડતા કેટલાક સંવાદોને સુધારીશું અને આ અઠવાડિયે તેમને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.’’

હદ એ વાતની થઈ હતી કે એક તો એવું કામ કર્યું અને ઉપરથી મનોજ મુંતશિર એવું કહી રહ્યા હતા કે લોકોને સમજાય એવું લખ્યું છતાં ભાંડી રહ્યા છે. લોકોમાં જ બુદ્ધિ નથી. લો, બોલો? આ રીતે તે પોતાનો બચાવ તો કરતા જ રહ્યા સાથે સાથે પોતાને જસ્ટિફાય કરવાની કોશિશ ચાલુ રાખી હતી. પરિણામે લોકોનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. અહીં એટલું સ્પષ્ટ છે કે, આ દેશના લોકો જાગૃત છે. કોઈ પણ દેશના ધરમ અને લોકોની શ્રદ્ધા સાથે રમવાની કોશિશ કરશે તો આ જનતા તેને છોડશે નહીં. જે દેશભક્તિના સવાંદો માટે આ જનતાએ મનોજ મુંતશિરને માથે ચઢાવ્યો હતો એ જ જનતાએ આજે હનુમાન અને રામ માટેના આવા સડકછાપ સંવાદોને કારણે તેને જમીન પણ દેખાડી દીધી છે.

Most Popular

To Top