Columns

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની ફજેતી થઈ છે

ભારતના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે હિન્ડનબર્ગ મામલામાં અદાણી જૂથને ક્લિન ચીટ આપી તે પછી તેમની નબળી પડી રહેલી શાખને સુધારી લેતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કોર્ટ શરૂ થવાની સાથે મહત્ત્વનો નિર્ણય સંભળાવતા ગુજરાત રમખાણોનાં પીડિતા બિલ્કીસ બાનો ગેંગરેપના આરોપીઓને છોડવાની વાત ફગાવી દીધી છે. આ કેસમાં ગુજરાત સરકારે ગુનેગારોની સજામાં ઘટાડો કરીને તેમને મુક્ત કર્યા હતા. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં ગોધરા કાંડના પગલે કોમી રમખાણો થયાં હતાં. તે દરમિયાન બિલ્કીસ બાનો પર નિર્દયતાથી સામૂહિક બળાત્કાર કરીને તેમના પરિવારના સાત સભ્યોની પણ તેમની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી. આ પછી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ૨૦૦૮માં આ કેસમાં ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને મંજૂરી આપી હતી.

ગુજરાત સરકારે ૨૦૨૨માં સ્વતંત્રતા દિવસના અવસરે આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ ૧૧ ગુનેગારોને મુક્ત કર્યા હતા. આ મુક્તિ ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ કરવામાં આવી હતી, જેણે દેશભરમાં ચકચાર જગાવી હતી. આ સામે વિવિધ સ્થળોએ દેખાવો પણ થયા હતા. હકીકતમાં આજીવન કેદની સજા પામેલા કેદીને ઓછામાં ઓછાં ૧૪ વર્ષ જેલમાં પસાર કરવા પડે છે. આ ફાઇલની ૧૪ વર્ષ પછી ફરી સમીક્ષા કરવામાં આવે છે.  ગુનેગારની ઉંમર, ગુનાની પ્રકૃતિ, જેલમાં વર્તન વગેરેના આધારે તેની સજા ઘટાડી શકાય છે.

ઘણી વખત ગંભીર રીતે બીમાર હોવાના કારણે કેદીને છોડી દેવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ માત્ર નાના ગુનાના આરોપી કેદીઓને જ મુક્ત કરવામાં આવે છે, પણ ગંભીર ગુનાના કિસ્સાઓમાં આવું થતું નથી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને કહ્યું છે કે ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર જ નહોતો. આ અધિકાર માત્ર મહારાષ્ટ્ર સરકાર પાસે હતો, કારણ કે આ ઘટના ગુજરાતમાં બની હતી, પરંતુ આ કેસની સમગ્ર સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.

તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા પાસે કાર સેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસના કેટલાક કોચમાં આગ લાગી હતી, જેમાં ૫૯ લોકોનાં મોત થયાં હતાં. તેના જવાબમાં ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. તોફાનીઓથી બચવા માટે પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કીસ બાનો તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાલેહા અને ૧૫ લોકો સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. તા. ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ બિલ્કીસનો પરિવાર છાપરવાડ ગામે પહોંચ્યો હતો. ત્યાં તે ખેતરોમાં સંતાઈ ગયો હતો, પરંતુ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

લગભગ ૩૦ લોકોએ બિલ્કીસ બાનો અને તેના પરિવાર પર લાકડીઓ અને સાંકળોથી હુમલો કર્યો હતો. બિલ્કીસ બાનો અને ચાર મહિલાઓને પહેલા માર મારવામાં આવ્યો હતો. તેમાં બિલ્કીસની માતા પણ સામેલ હતી. ત્યાર બાદ બિલ્કીસ પર બળાત્કાર ગુજારાયો હતો. હુમલાખોરોએ તેમની નજર સામે બિલ્કીસના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં બિલ્કીસની પુત્રી પણ સામેલ હતી. આ ઘટના બાદ બિલ્કીસ ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી બેભાન રહી હતી. જ્યારે તેને હોશ આવ્યા ત્યારે બિલ્કીસે એક આદિવાસી મહિલા પાસેથી કપડાં માંગ્યા હતા. ત્યાર બાદ તે એક હોમગાર્ડને મળી, જે તેને લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ ગયો હતો.

બિલ્કીસને રાહત શિબિરમાં લઈ જવામાં આવી હતી અને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે જ્યારે તેની તપાસ શરૂ કરી તો પુરાવાના અભાવે કેસને ફગાવી દીધો હતો. ત્યાર બાદ આ મામલો માનવ અધિકાર પંચમાં ગયો હતો. તે બાબતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ દ્વારા નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈની ચાર્જશીટમાં ૧૮ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પાંચ પોલીસકર્મી અને બે ડોક્ટર પણ સામેલ હતા.

પોલીસ અને ડોક્ટર પર પુરાવા સાથે છેડછાડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન બિલ્કીસ બાનોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેણે બે વર્ષમાં ૨૦ વખત મકાનો બદલ્યાં હતાં. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેનો કેસ ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં ખસેડવામાં આવે. આ મામલો મુંબઈ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. સીબીઆઈની વિશેષ અદાલતે જાન્યુઆરી ૨૦૦૮માં ૧૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા પણ સાતને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા, જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈ કોર્ટે પણ સજાને યથાવત્ રાખી હતી. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ દોષિતોએ ૧૮ વર્ષથી વધુની સજા ભોગવી હતી. ત્યાર બાદ એક દોષિત રાધેશ્યામ શાહીએ કલમ ૪૩૨ અને ૪૩૩ હેઠળ સજા માફ કરવા માટે ગુજરાત હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈ કોર્ટે અરજી ફગાવી દેતા  કહ્યું હતું કે તેમની માફી અંગે નિર્ણય લેવા માટે યોગ્ય મહારાષ્ટ્ર સરકાર છે, ગુજરાત સરકાર નહીં. ત્યાર બાદ રાધેશ્યામ શાહી નામના ગુનેગારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે તે ૧ એપ્રિલ ૨૦૨૨ સુધી કોઈપણ છૂટ વિના ૧૫ વર્ષ ૪ મહિના જેલમાં રહ્યો છે, માટે તેને મુક્તિ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૯ જુલાઈ, ૧૯૯૨ ની માફી નીતિ અનુસાર અકાળે મુક્તિ માટેની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે બે મહિનામાં નિર્ણય લઈ શકાય છે. ગુજરાત રાજ્યની માફી નીતિ હેઠળ ગુજરાત સરકારે તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ગોધરા સબ-જેલમાંથી તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા, જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

ગુનેગારોના છૂટા થવાના ત્રણ મહિનાથી વધુ સમય પછી બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટના મે ૨૦૨૨ના આદેશને પડકાર્યો હતો. બિલ્કીસ બાનોની અરજી પહેલી વાર ડિસેમ્બર ૨૦૨૨માં લિસ્ટ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધાં હતાં. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુનેગારો દ્વારા આચરવામાં આવેલા અપરાધને ભયાનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ લાગણીઓમાં વહી જશે નહીં. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી જાણવા માંગ્યું કે તેણે ગુનેગારોને છોડવાની મંજૂરી કેમ આપી?

ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે જે રીતે ગુનો આચરવામાં આવ્યો હતો તે વિકરાળ હતો. બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તે ગર્ભવતી હતી. શું ગુજરાત સરકારે આ છૂટછાટ આપતા પહેલા કેન્દ્રની સલાહ લેવાની જરૂર હતી? શું ગુજરાત સરકારે દોષિતોને સામૂહિક માફી આપવાને બદલે દરેક માફીની અરજી પર અલગથી વિચાર કરવાની જરૂર હતી? મુક્તિમાં છૂટછાટનો લાભ માત્ર બિલ્કીસના દોષિતોને જ કેમ આપવામાં આવ્યો? અન્ય કેદીઓને આવી મુક્તિ કેમ ન મળી?

આ પહેલા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે ‘‘શું તમે નારંગી અને સફરજનની સરખામણી કરશો? શું તમે એક વ્યક્તિની હત્યાને ૧૦ થી વધુ લોકોની હત્યા સાથે સરખાવશો?’’ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે ‘‘બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા બાદ એક ગુનેગારને કાયદાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હોવાથી સુપ્રીમ કોર્ટ સામે છેતરપિંડીનું કૃત્ય આચરવામાં આવ્યું છે. સજા માફી માટેની અરજીમાં હકીકત છુપાવીને માફીનો આદેશ આપવાની માંગણી કરવામાં આવી હતી.’’
 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top