Surat Main

સુરતમાં ગટરમાં સોનું અને હીરા શોધવા ઉતરેલા બે યુવકોનાં ગુંગળામણથી મોત

સુરત: સુરતનાં ભાગળ વિસ્તારમાં ગટરમાં કામ કરી રહેલા બે યુવાનોના ગુંગળામણથી મોત થયાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ યુવાનો પહેલા બેભાન થઇ ગયા હતા. અને ત્યારબાદ તેને ફાયરબ્રિગ્રેડના જવાનોએ ગટરમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેર ખસેડયા હતા. જો કે ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

  • ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે યુવકોનાં મોત
  • યુવકોને બેભાન હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
  • બંને યુવાનો વેસ્ટ સોનું અને ડાયમંડ શોધવા ગટરમાં ઉતર્યાની આશંકા

સુરતનાં અંબાજી રોડ પર આવેલા મહાલક્ષ્મીના ખાંચામાં વહેલી સવારે 4 વાગે ઘર નજીકે આવેલી ગટરની સફાઈ કરવા બે કામદાર ઉતર્યા હતા. સફાઈની કામગીરી દરમિયાન ગેસ ગૂંગળામણ થઇ હતી. જેના પગલે બંને સફાઈ કામદારો બેભાન થઇ ગયા હતા. સફાઈ કામદાર બેભાન થતા સ્થાનિક રહેવાસી વિધાન મલિકે સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી નવસારી બજાર ફાયરની ટીમ અને ઘાંચી શેરી ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી અને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા.

બંનેને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબોએ બંને સફાઈ કામદારોને મૃત જાહેર કર્યા હતા. ફાયર વિભાગની પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિની ઉંમર 3૦ વર્ષ તથા બીજા વ્યક્તિની ઉંમર 40 વર્ષની હતી. આ સમગ્ર ઘટના ગુરુવારના રોજ વહેલી સવારે બની હતી.

બંને યુવાનો ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા માટે ઉતર્યા હતા
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બંને યુવાનો પાલિકાના સફાઈ કર્મચારીઓ કે કોન્ટ્રાકટરના માણસો ન હતા. આ બંને વ્યક્તિઓ અજાણી હતી. અહીં નજીકમાં સોનાના ઘરેણાં બનાવવાના કારખાનાઓ આવેલા છે. જેમાંથી નીકળતો સોનાનો વેસ્ટ અને ડાયમંડ જેવી કિંમતી વસ્તુઓ ઘણીવાર ગટરમાં જતી હોય છે. તે શોધવાની લાલચમાં આ બંને વ્યક્તિઓ ગટરમાં ઉતર્યા હતા. જેથી સ્થાનિક વ્યક્તિઓ પૈકી વિધાન મલિક નામના ઇસમે સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગે તેમને બહાર કાઢી સારવાર આપવામાં આવી હતી. પણ સારવાર દરમિયાન તેમના મોત થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સોનાનાં દાગીના બનાવવાની અનેક દુકાનો આવેલી છે અને આ કામ મોટાપાયે ચાલી રહ્યું છે. સોનાંને પિગાળ્યા બાદ તેના અંશો ગટરમાં જતા રહે છે. જેને કાઢવા માટે યુવકો જોખમી કામગીરી કરતા હોય છે.

Most Popular

To Top