Dakshin Gujarat

નવસારીમાં ભાજપનો વિરોધ કરનારાઓને જ પક્ષમાં મોટા હોદ્દા અપાયા

નવસારી : વિધાનસભાની ચૂંટણી(Assembly election)ના વાજા વાગી રહ્યા છે, ત્યારે નવસારી(Navsari) શહેર ભાજપ(BJP)ના ગ્રુપમાં જુનો વિડીયો અને તેની સાથે કેટલાક સંનિષ્ઠ કાર્યકરોની કોમેન્ટ પોસ્ટ થઇ રહી છે, જે પક્ષના મોવડીઓની આંખ ખોલનારી છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભુરાભાઇ શાહે નવસારી બેઠક પરથી એ વખતના સીટીંગ ધારાસભ્ય પીયૂષ દેસાઇ સામે ટિકિટ માંગી હતી. ભુરા શાહનો એ અધિકાર હતો, પરંતુ એ વખતે ‘પિયૂષ દેસાઇ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના નારા લગાવીને ભુરા શાહે ગાંધીનગરના મોવડીઓની ઉંઘ ઉડાડી મૂકી હતી. એ વખતે પિયૂષ દેસાઇનો વિરોધ કરનારાઓને શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ઉંચા હોદ્દા આપી દઇને સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી કરી નાંખી હતી !

  • નવસારીમાં ધારાસભ્ય પિયુષ દેસાઇનો વિરોધ કરનારાઓને સંગઠનના મોટા પદોની લ્હાણી
  • મોટા વિરોધી ભુરા શાહને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવી દીધા
  • ‘પિયૂષ દેસાઇની તાનાશાહી નહીં ચલેગી’ના નારા લગાવનારા શીતલ સોનીને પ્રદેશમંત્રી બનાવાયા
  • પક્ષ વિરોધી કામ કરનારાઓને મોટા પદ મળતા હોવાથી પક્ષના શિસ્તનો એકડો જ નીકળી ગયો

ચૂંટણીમાં ટિકિટ માંગવાનો તમામને અધિકાર હોય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પિયૂષ દેસાઇ ટીકીટના દાવેદાર હતા, તો તેમની સામે ભુરા શાહે ટિકિટ માંગી હતી. એ વખતે તેમનું અને તેમના ટેકેદારોનું વલણ એટલું કટ્ટર થઇ ગયું હતું કે એ સમયે આખા રાજ્યની બેઠક ઉપર ઉમેદવારો જાહેર થઇ ગયા હતા, છતાં નવસારી બેઠક પરના ઉમેદવારનું નામ સૌથી છેલ્લે અને છેલ્લી ઘડીએ જાહેર થયું હતું. પક્ષને છેલ્લે સુધી બાનમાં લેનારા ભુરા શાહને તેમના એ કામ માટે શિસ્તબદ્ધ પક્ષે દરવાજા દેખાડી દેવા જોઇએ, તેને બદલે ભુરા શાહને જિલ્લા ભાજપના પ્રમુખ બનાવી દઇને તેમની ટોળાંશાહીને શાબાશી આપી હતી, એમ કહીએ તો ચાલે. ભુરા શાહ જ નહીં તેમના બીજા અનેક ટેકેદારોને પણ મોટા પદની નવાજેશ કરી દેવાઇ હોવાની બુમરાણ તો આજે પણ મચી જ રહી છે. ભાજપમાં પણ અસંતોષીઓને જ મોટા પદ મળે એવી વ્યાખ્યા કાર્યકરો કરતા થઇ ગયા છે.

‘પિયૂષ દેસાઇ તેરી તાનાશાહી નહીં ચલેગી’ વિડીયો ફરી વાઇરલ
‘પિયૂષ દેસાઇ તેરી તાનાશાહી નહીં ચલેગી’ એવો વિડીયો ફરી વાઇરલ થવા સાથે એક સંનિષ્ઠ કાર્યકર પરસોત્તમ દાસે પ્રદેશ અધ્યક્ષને સંબોધીને એવી કોમેન્ટ કરી હતી કે આપને જે વિડીયો મોકલાવ્યો છે, એ જુવો. આ 2017ની વિધાનસભા વખતે હાલના ધારાસભ્ય વિરૂદ્ધ જાહેરમાં નારા લગાવી પક્ષનો માહોલ બગાડવાની પૂરી મહેનત કરી હતી એ લોકો આજે પક્ષના સારા સારા હોદ્દા પર બિરાજમાન છે. બીજી બાજુ 2017ના નાજુક ઇલેક્શનમાં પક્ષ માટે રાતદિવસ કામ કરનારા આજે ઘર ભેગા થયા છે. આવનારી પેઢી આમાંથી શું બોધપાઠ લેશે એ વીચારવું રહ્યું.

પક્ષ વિરોધમાં કામ કરનારાઓને પદની લ્હાણી : પરસોત્તમ દાસ
જનસંઘ વખતના નવસારીના કાર્યકર પરસોત્તમ દાસ, તાલુકાના મંત્રી પણ બન્યા અને છેલ્લે જિલ્લા કારોબારીમાં પણ હતા. તેઓ સતત સક્રિય કાર્યકર રહ્યા છે. 1990માં અયોધ્યા આંદોલન વખતે 15 દિવસ જેલમાં વિતાવ્યા હતા, પરંતુ એવા સંનિષ્ઠ કાર્યકરનો આજે ભાવ નવી પેઢીના અને એક સમયે પક્ષમાં ક્યાંય દેખાતા ન હતા, એવા આજના પદાધિકારીઓ આપતા નથી, એ પક્ષની વક્રતા ગણાય. તેમણે ‘ગુજરાતમિત્ર’ને ટેલિફોનિક વાતચીતમાં પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરી ન હોવાનું કહેતા જણાવ્યું હતું કે, ભુરાભાઇ તેમના ખાસ હોય દીવાલ સાથે માથુ અફાળવાનો કોઇ અર્થ નથી. તેમણે પિયૂષ દેસાઇ સામે ટિકિટ મેળવવા માટે રણશીંગું ફૂંકનારા ભુરા શાહને જિલ્લા ભાજપ પ્રમુખપદ મળ્યું, તો વિડીયોમાં નારા લગાવતા જોવા મળે એવા શીતલ સોનીને પ્રદેશ મંત્રી, મુકેશ અગ્રવાલને શાસક પક્ષનો નેતા, રાજુ સાબુએ એ વખતે પિયૂષ દેસાઇને હરાવવા નીકળેલા હોવાનું કહેવાય છે, તેને પણ સંગઠનમા મંત્રી બનાવી દેવાયા છે. જો પક્ષની સામે પડીને દેખાવો કરનારા કે ટિકિટ વહેંચણી માટે મોવડીમંડળને બાનમાં લેનારાઓને પદની લ્હાણી ભુરા શાહે જિલ્લા ભાજપના પ્રમુખ બનતા જ કરી દીધી છે. પક્ષમાં પોતાના માણસોને ગોઠવી દઇને ભુરા શાહે પોતાની બાજી તો ગોઠવી દીધી છે, પરંતુ તેના પડઘા ખરાબ પડ્યા છે. પક્ષ સામે પડનારાઓને મોટા પદ મળે એ વાત સંનિષ્ઠ કાર્યકરોને ગળે ઊતરતી નથી.

Most Popular

To Top