Madhya Gujarat

લુણાવાડામાં ભૂમાફિયાઓએ પર્યાવરણનો ખો કાઢી નાંખ્યો

લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા આસપાસ રળિયામણા ડુંગરોથી ઘેરાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓની કુદ્રષ્ટિ આ ડુંગરો પર પડી અને વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વન વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. લુણાવાડાથી ચરેલ જવાના માર્ગ પાસે આવેલા બાવાના ડુંગર તરીકે ઓળખાતા વન વિભાગ હસ્તકની સરકારી જંગલમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે સ્થળે ખોદકામ થાય છે તેને અડકીને વનવિભાગનો ગુના કામના માલસામાન રાખવાનો ડેપો આવેલો છે. જ્યાં 24 કલાક વૉચમેનની હાજરી હોય છે. તેમ છતાં પ્રતિબંધિત સાગ, વૃક્ષો સહિતના સંખ્યાબંધ વૃક્ષો કપાઈ ગયા અને હજારો મેટ્રિક ટન માટી ગેરકાયદેસર ઉલેચાઈ ગઇ છે.

આ અંગે જાગૃત નાગરિકે નાયબ વનસંરક્ષક એન.વી. ચૌધરીને જાણ કરતાં તેમણે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. લુણાવાડા આર.એફ.ઓના રિપોર્ટ બાદ વનવિભાગ આ અંગે કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. વનવિભાગની જમીનને અડકી સરકારી જમીન પણ આવેલી છે. આ સરકારી જમીનમાં ખોદકામ અને ગેરકાયદેસર વૃક્ષ છેદન હોય તો લુણાવાડા મામલતદાર કક્ષાએ કાર્યવાહી કરવાની થાય છે તેમ તેઓએ જણાવ્યું છે. બીજી તરફ જવાબદાર ખાણ ખનીજ વિભાગ નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છેે.

વૃક્ષારોપણ કરાયું ત્યાં જ ખોદકામ કર્યું
લુણાવાડામાં જે સ્થળે ગેરકાયદેસર માટી ખોદકામ અને વૃક્ષ છેદન કરવામાં આવ્યું છે. તે સ્થળે થોડા વર્ષો અગાઉ વનઅધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક તરફ પર્યાવરણની જાળવણી માટે વધુ વૃક્ષ વાવોનું અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ લુણાવાડા નગરની શાન સમા ડુંગરોને નષ્ટ કરવાના સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ખનીજ અને જમીન માફિયાઓ ગેરકાયદેસર માટી ખોદકામ કરી રહ્યા છે.

Most Popular

To Top