Comments

જેમના માટે લખીએ તેના માટે મનમાં દ્વેષ અને ઘૃણા હોય તો પત્રકારત્વ અપવિત્ર થઈ જાય

સામાન્ય રીતે આપણે તેવા મિત્રો પસંદ કરીએ છીએ, જેઓ આપણને ગમતી વાત કરે છે અને તેમને ગમતી વાત આપણે કરીએ છીએ. આવી મિત્રતા બહુ લાંબી ચાલે છે કારણ કોઈ એકબીજાની મર્યાદાઓ ઉપર આંગળી મૂકતાં નથી, પરંતુ મારા સદ્દનીસબે મને એક સમવયસ્ક ,કેટલાંક વડીલ અને કેટલાંક મારા કરતાં ઉંમરમાં નાના મિત્રો મળ્યા, જેમણે મારી મારા મગજ, મારી સમજ , મારા પૂર્વગ્રહો સહિત મારા વ્યવહાર ઉપર સમયાંતરે ચઢતી ધૂળને ખંખેરવાનું કામ કર્યું છે. આજે જેવો હું છું તેવો દસ વર્ષ પહેલાં ન્હોતો, આપણે જેવા છીએ તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.

ખાસ કરી આપણા મિત્રો અને પરિચિતો તેમનો પ્રભાવ આપણી ઉપર અજાણપણે છોડી જતા હોય છે, જેમ શેરબજારમાં કરેકશન આવે તેવું જ કરેકશન આપણા જીવનમાં પણ જરૂરી છે. મારી સમજ અને વ્યવહારને મને કહ્યા વગર અનેક મિત્રો સુધારતા રહ્યા છે જેમાં હું ઉર્વિશ કોઠારી, કિરણ કાપુરે અને દીપક સોલીયાનો આભારી છું.બ કિરણ અને હું તો છેલ્લાં પાંચ વર્ષથી સાથે કામ કરીએ છીએ,એટલે અમે રોજ મળીએ છીએ, કિરણ મારા કરતાં લગભગ દસ વર્ષ નાનો છે, પણ કહીશ તેની સમજ ખાસ્સી પાકટ છે, કિરણે ગાંધીને ખૂબ વાંચ્યા છે તેના કરતાં એવું કહીશ કે કિરણ ગાંધીને સારી રીતે સમજી શકયો છે.

કિરણની ગાંધી અંગેની જે સમજ અને ગાંધી સંસ્થામાં કામ કરતાં બહુ ઓછાં લોકોમાં જોવા મળે છે .કિરણ ઉંમરમાં મારા કરતાં નાનો હોવા છતાં તેને જે કહેવું હોય તે બહુ સરળતાથી મને કહી શકે છે. તે સારી વાતની સાથે સાચી વાત બહુ સહજતાથી મારી સામે મૂકે છે,ઉર્વિશ અને હું અભિયાન સાપ્તાહિક કાળથી મિત્રો છીએ. બન્ને પ્રકૃતિગત બહુ જુદા માણસો છીએ, પણ અમારી અંદર એવી કંઈક બાબત છે, જેમણે અમને અતૂટ રાખ્યા છે.કદાચ બીજા માટેની નિસ્બત અમારી એક છે. દીપક પણ અભિયાન સમયનો જ મિત્ર. જો કે તે મુંબઈમાં રહેતો હોવાને કારણે વર્ષે એકાદ વખત મળવાનું થાય, છતાં અમે રોજ મળતાં હોઈએ તેવું લાગે.

દીપકની એક ખાસિયત છે. તે પોતાની વાત હોય કે બીજાની, તે કુંડાળાની બહાર ઊભો રહી વિચારી શકે છે.દીપક પણ ગાંધીને ખૂબ સમજયો છે, એટલું જ નહીં ગાંધીના જીવનમાં પણ આપણા ખોવાયેલા જવાબ કેવી રીતે શોધવા તે મને શીખવ્યું છે. સમયાંતરે મારું પત્રકારત્વ પોતાના પ્રવાહ બદલતું રહ્યું છે, કારણ હું કોઈ એક બીબામાં ઢળી જવાનું પસંદ કરતો નથી. છેલ્લા છ મહિનાથી હું જે પ્રકારનું પત્રકારત્વ કરી રહ્યો છું તેના કારણે મારી નજીકના મિત્રોનો મત છે કે હું પહેલાં જેવું આક્રમક લખતો નથી. ખરું કારણ મનમાં એક દ્વંદ્વ ચાલી રહ્યું હતું, કારણ નવજીવનમાં કામ કરતાં કરતાં એક સમજ સ્પષ્ટ થઈ કે આપણે જે કંઈ કામ કરીએ તે પરિણામમાં પરિવર્તિત થવું જોઈએ, પણ આક્રમકતાને નામે હું જે લખી રહ્યો છું,તેમાં એક ગુસ્સો,નારાજગી અને કોઈના માટે ઘૃણા છે. મારી નિસ્બત તો દરેક માણસના જીવનમાં સારું થાય તેવી હોવી જોઈએ, પણ આક્રમકતાની લડાઈમાં નિસ્બત તો બાજુ ઉપર મુકાઈ જાય છે.

આ વિષયને લઈ હમણાં જ દીપક સાથે મારે લંબાણપૂર્વક વાત થઈ.દીપકે મને ગાંધીએ કરેલા પત્રકારત્વને બહુ સારી સમજાવ્યું. દીપક સાથે વાત કરતાં મને સમજાઈ ગયું કે આક્રમકતાના ઘોડાપૂરમાં લોકો આપણને બહાદુર સમજે છે તેવો એક છૂપો આનંદ ઘોડાને દારૂ પીવડાવી પાગલ કરવા જેવો છે. ખરેખર તો લોકો આપણને ડરપોક સમજે કે બહાદુર, તેનાથી જો કોઈ સામાન્ય માણસના જીવનમાં કોઈ ફેર પડતો નથી તો આપણે જે પત્રકારત્વ કરીએ છીએ તેનો કોઈ અર્થ નથી. ગાંધીએ એકસો વર્ષ પહેલાં નવજીવન દ્વારા પત્રકારત્વનો પ્રારંભ કર્યો.ગાંધીજી આઝાદીની લડાઈ નવજીવન મારફતે સામાન્યજન સુધી લઈ જવા માગતા હતા. ગાંધી અંગ્રેજો સામે ખૂબ લખતા હતા.

ગાંધીના શબ્દમાં આક્રોશ જરૂર હતો, પણ અંગ્રેજો માટે ઘૃણા અને દ્વેષ ન્હોતો. આપણે જેમની વિરુધ્ધમાં લખીએ તેમના માટે આપણા મનમાં કોઈ પ્રકારનો દ્વેષ અને ધિક્કાર આવવો જોઈએ નહીં. નહીંતર આપણું પત્રકારત્વ અપવિત્ર થઈ જાય. દીપકે મને કહ્યું, મારી સાથે પણ આવું અનેક વખત બને છે.કોઈક ઘટના પછી હું જયારે લખવા બેસું ત્યારે મનમાં ખૂબ ગુસ્સો આવે છે. ઘટના માટે જે કોઈ જવાબદાર હોય તેમને હું ધિક્કારવા લાગું છું, પણ ત્યારે તરત હું દસ વખત ઊંડા શ્વાસ લઈ મારા મન અને વિચારને નિયંત્રિત કરું છું. કારણ મારા લખાણમાં હું મારા દ્વેષ અને ધિક્કારને સામેલ કરી શકું નહીં.

દીપક સાથે અગાઉ પણ અનેક વખત આ જ પ્રકારના વિષયની વાતો થઈ છે. આપણને બધા જ માણસો ગમે અને બધાને જ આપણે ગમીએ તેવું કયારેય થવાનું નથી, પણ દીપકે મને સમજાવ્યું હતું કે જે માણસો આપણને ગમતાં નથી અથવા તેમનો વ્યવહાર આપણને પસંદ નથી તેવા માણસો આપણા જીવનમાં હોવા ખૂબ જરૂરી છે કારણ આવા જ માણસો આપણા જીવનનું ઘડતર કરવામાં અજાણપણે આપણને મદદ કરતા હોય છે. દીપક ઈશ્વરમાં પણ માને છે. તે કહે છે, આપણે જેમને નક્કામા ગણીએ છીએ તેમને ઈશ્વરે પૃથ્વી ઉપર મોકલ્યા છે તો ઈશ્વરનું પણ કંઈક આયોજન હશે, નહીંતર તેમને પૃથ્વી ઉપર મોકલતો જ શું કામ. હું લખતો રહીશ, કારણ મને લખવું ગમે છે, પણ જેમના માટે પણ લખીશ તેમના માટે મનમાં દ્વેષ અને ધિક્કાર ના આવે તેની જરૂર કાળજી રાખીશ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top