Business

જો ખરેખર લોહશાહી જીવંત રાખવી હોય તો પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ

ભારત દેશને જ્યારે લોકશાહી દેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને દરેક વ્યક્તિ દ્વારા આવકારવામાં આવ્યો હતો. લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન ગણાવવામાં આવ્યું હતું. ભારતમાં પ્રતિનિધિઓને પસંદ કરવા માટે મતદાનની પ્રણાલી પણ નક્કી કરવામાં આવી. જ્યારે આ પ્રણાલી અમલમાં આવી ત્યારે કોઈને પણ એવો ખ્યાલ નહોતો કે ચૂંટણીની આ પ્રક્રિયાની ભવિષ્યમાં મજાક ઉડશે. એટલે કે દેશની લોકશાહીની રાજકારણીઓ દ્વારા મજાક ઉડાડવામાં આવશે.

જ્યારથી આઝાદ ભારતમાં ચૂંટણી શરૂ થઈ ત્યારથી લોકશાહી ઢબે પ્રતિનિધિ પસંદ કરવાની આ પદ્ધતિમાં સ્હેજેય મતદારોનું વર્ચસ્વ રહ્યું નથી. ભારતમાં ચૂંટણી વખતે મતદાન કરવાની અને મતગણતરીની જે સિસ્ટમ છે તેમાં બહુમતિ મતદારો જેને પસંદ કરે તેને પ્રતિનિધિ બનાવવાની જોગવાઈ છે પરંતુ સામે ખાટલે મોટી ખોડ એ પણ છે કે જે ઉમેદવારને બહુમતિ ઉમેદવારો ઈચ્છતા નથી તે પણ ચૂંટાઈને આવે છે. દાખલા તરીકે એક બેઠક પર થયેલા મતદાન પૈકી કોઈ એક ઉમેદવારને 30 ટકા અને અન્ય ચાર ઉમેદવારને જો 70 ટકા મત મળે તો 30 ટકા મત મેળવનાર ઉમેદવારને જીતેલો ગણવામાં આવે છે.

હકીકતમાં આ એવો ઉમેદવાર છે કે જેને 70 ટકા મતદારો પોતાના પ્રતિનિધિ તરીકે ઈચ્છતા જ નથી. હવે જેને 70 ટકા મતદારો પોતાના પ્રતિનિધિ તરીકે ઈચ્છતા નથી તો તે કેવી રીતે પ્રતિનિધિત્વ કરી શકે?? લોકશાહીમાં આ પ્રશ્નનો હજુ સુધી કોઈ ઉત્તર મળતો નથી. જોકે, જ્યારે રાજ્યસભાના સભ્યની ચૂંટણી હોય કે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી હોય ત્યારે દેશમાં મતદાનની આ પદ્ધતિ અપનાવવામાં આવતી નથી. ત્યારે પ્રેફરેન્શિયલ વોટિંગ કરવામાં આવે છે. એટલે કે મતદાનમાં પણ પસંદગીના ક્રમ આપવાના હોય છે અને તેના આધારે પ્રતિનિધિ નક્કી થાય છે. એટલે કે ખરી લોકશાહી ચૂંટણીની આ પ્રક્રિયામાં છે.

છેલ્લી કેટલીક ચૂંટણીથી ભારતમાં મતદાન થકી પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયાનો રાજકારણીઓ દ્વારા મોટાપાયે ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષો દ્વારા હરીફ ઉમેદવારના મત તોડવા માટે અનેક અપક્ષોને ઉમેદવાર તરીકે ઊભા રાખી દેવામાં આવે છે. આ અપક્ષો જીતતા નથી પરંતુ જે ઉમેદવારને બહુમતિ મતદારો પસંદ કરતા હોય છે તે ઉમેદવારને હરાવવાનું કામ જરૂરથી કરે છે. હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જો માત્ર ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં આ વખતે 118 અપક્ષો મેદાનમાં છે.

લોકસભાની ચૂંટણીમાં મતવિસ્તાર એટલો મોટો હોય છે કે અપક્ષોની હાજરી એટલી મહત્વની હોતી નથી પરંતુ આ અપક્ષો માત્ર મત તોડવાનું કામ કરે છે. જો 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો તે સમયે ગુજરાતમાં 197 અપક્ષો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને તમામની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. આ વખતે પણ એકપણ અપક્ષ જીતે તેવી સ્થિતિ નથી પરંતુ લોકશાહીની ફરી એક વખત મજાક ઉડશે તે ચોક્કસ છે.  ખરેખર દેશમાં લોકસભાથી માંડીને છેક ગ્રામ પંચાયતની ચૂંટણી સુધી પ્રેફરેન્શિયલ વોટિંગ કરાવવાની જરૂરીયાત છે. પ્રેફરેન્શિયલ વોટિંગ એટલે કે મતદાતાઓએ ઉમેદવારોને પસંદગીના ક્રમ પ્રમાણે મત આપવાના રહે છે.

એટલે કે જેટલા ઉમેદવાર ઊભા હોય તે પૈકી તમામ કે જેને આપવાની ઈચ્છા હોય તે ઉમેદવારને મત આપી શકાય છે. બાદમાં મતગણતરી વખતે જે ઉમેદવારના સૌથી ઓછા મત હોય તે બાકાત થઈ જાય અને તેના મતને પસંદગીના ક્રમ પ્રમાણે અન્ય ઉમેદવારોને વહેંચવામાં આવે છે. આ રીતે છેલ્લે માત્ર બે જ ઉમેદવાર બચે છે અને જેને સૌથી વધુ મત મળે તે જીતે છે. આ વોટિંગ દ્વારા એ વાત ચોક્કસ થાય છે કે જે જીતે છે તેને બહુમતિ મતદારો પસંદ કરે છે. નહીં કે અત્યારની જેમ અન્ય ઉમેદવારોમાં સૌથી વધુ મત મળે તે જીતી જાય. જો આમ થશે તો બની શકે છે કે અત્યાર સુધી જે પક્ષ જીતતો આવ્યો તે હારી જાય. આવું થશે તો જ દેશમાં આગામી દિવસોમાં લોકશાહી બચશે તે નક્કી છે.

Most Popular

To Top