Gujarat

ગમે તેવા પડકારોમાં હું પાછો પડ્યો નથી, કે પડવાનો પણ નથી : નીતિન પટેલ

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમા છેક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અગાઉની જેમ છેલ્લી ઘડીએ આનંદીબેન પટેલની નજીકના મનાતા ધાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઇ હતી. જોકે તેનાથી નીતિન પટેલ નારાજ હોવાનું મનાય છે. આજે સાંજે મહેસાણા પહોંચેલા નીતિન પટેલે તેનો છેદ ઉડાડતા મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી જનતાના હદયમાં હું રહેવાનો છું, ત્યાં સુધી મને કોઈ કાઢી શકવાનું નથી. નવા મુખ્યમંત્રી આપણા જ છે, મારા મિત્ર છે.

મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું ક્યારે પણ સત્તાના લોભ લાલચની પાછળ ખેંચાયો નથી કે, તેની પાછળ પડયો નથી. મેં હંમેશા પક્ષમાં જે જવાબદારી સોંપવામાં આવી તેને ઈમાનદારીથી નિભાવી છે. રાજકીય કારકિર્દીમાં મે અનેક પડકારો જોયા છે, ગમે તેવા પડકારોમાં હું ક્યારેય પણ પાછો પડ્યો નથી કે, પડવાનો પણ નથી. હું ખમી ખમીને આટલે સુધી પહોંચ્યો છું. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપણા જ છે અમદાવાદમાં તેમના કાર્યાલયનું મેં ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ મારા મિત્ર છે.

હું હંમેશા પાર્ટી નેતાગીરીની ઢાલ બનીને બીજાના ધા સહન કર્યા છે, પરંતુ ક્યારે પણ મેં સામો ઘા કર્યો નથી. ઘણી વખત લોકો કહે છે કે આટલા વર્ષોથી રાજકારણમાં હોવાથી નીતિનભાઈની ખુબ વહીવટમાં સંગઠનમાં સારી પકડ છે, પરંતુ સ્પષ્ટ બોલવાની તેમની વાત સારી નથી, તો શું કોઈ ખોટું કરે તો મારે ખોટું કરવા દેવાનું, મારે તો નિર્ણય લેવા પડે પ્રજાની તિજોરીનો સદુપયોગ થાય વિકાસલક્ષી, પ્રજાલક્ષી કામો થાય તેવા નિર્ણયો લેવા પડે છે. હુ જે બોલું છું તે કરું છું. મેં આખા ગુજરાત માટે કામો કર્યા છે. જો વધુ ઠીક થાક ચાલશે તો આગામી દિવસમાં વાસદ તારાપુર સિક્સલેન ધોરીમાર્ગનું પણ હું ઉદ્ઘાટન કરીશ.

Most Popular

To Top