Columns

મારે પણ ગુરુ બનવું છે

એક દિવસ આશ્રમમાં નવા નવા આવેલા શિષ્યે પોતાની નાદાનીમાં ગુરુજીને કહ્યું ,”ગુરુજી ,મારા મનમાં એક ઈચ્છા જાગી છે કે અહીં બધા તમને કેટલું માન આપે છે, મારે પણ ગુરુ બનવું છે અને તમારી જેમ ઘણા બધા શિષ્યોને દીક્ષા આપવી છે ,જ્ઞાન આપવું છે અને બધા શિષ્યો તરફથી માન પણ મેળવવું છે.આપ મને તે બધું કયારે મળશે અને કઈ રીતે મળશે તે કહો.” ગુરુજીએ સ્મિત કરતાં કહ્યું,”હા વત્સ, તું પણ ગુરુ બની શકીશ …વર્ષોની જ્ઞાનપ્રાપ્તિ પછી વર્ષોની સાધના બાદ પોતાની સંપૂર્ણ યોગ્યતા સિદ્ધ કર્યા બાદ તને પણ ગુરુપદ પ્રાપ્ત થઇ શકશે અને તારા શિષ્યો તને માનપાન આપશે.”  શિષ્યે કહ્યું ,”આટલાં બધાં વર્ષો? ગુરુજી આટલાં વર્ષો પછી નહિ મારે તો આજે જ ગુરુ બનવું છે. તમે મને કોઈ રસ્તો બતાવો.”ગુરુજી શિષ્યની નાદાની પર મનમાં ને મનમાં હાસ્યા, પછી બોલ્યા ,”જો વત્સ ,એક રસ્તો છે. હું જે કાર્ય કહું તે તું શરતો મુજબ પૂરું કરી શકીશ તો તું આજે જ ગુરુ બની શકીશ.”

શિષ્યે તરત કહ્યું,”હા ,ગુરુજી તમે કાર્ય કહો હું તે હમણાં જ પૂરું કરીશ.ગુરુજી શિષ્યને આશ્રમમાં ઉપર જવાનાં પગથિયાં પાસે લઇ ગયા.શિષ્યને જ્યાં પગથિયાની શરૂઆત થતી હતી ત્યાં લઇ ગયા અને પોતે પાંચ પગથિયાં ઉપર ઊભા રહ્યા અને પછી શિષ્યને કહ્યું,’વત્સ, હવે તારું કાર્ય એ છે કે તું જ્યાં છે ત્યાં ઊભો રહે. એક પણ પગથિયું ઉપર ચઢ્યા વિના મારો હાથ ઝાલીને મને છેક ઉપરના પગથિયે પહોંચાડી દે.” ગુરુજીની શરત સાંભળી શિષ્ય વિચારમાં પડી ગયો. પછી બોલ્યો ,”ગુરુજી, આ કેવી વાત છે, હું નીચે ઊભો છું અને તમે એક પણ પગથિયું ઉપર ન ચઢવાની શરત મૂકી છે તો પછી હું તમને હાથ ઝાલીને છેક ઉપર કઈ રીતે લઇ જઈ શકું? તેમ કરવા પહેલાં મારે ઉપર આવવું પડશે.” હવે ગુરુજીએ સ્મિત સાથે કહ્યું,”બરાબર છે તારી વાત.કોઈને ઉપર લઇ જવા આપણે ઉપરના સ્તરે હોવું જરૂરી છે.ગુરુનું પ્રથમ કર્તવ્ય છે કે તે પોતાના શિષ્યને આંગળી ઝાલીને જીવનમાં એક એક પગલું આગળ લઇ જવું.તો પછી જો તું ગુરુ બનવા માંગે છે તો તારે શિષ્યોને ઉપર લઇ જવા પડશે અને તેના માટે પહેલાં તારે ઉચ્ચ સ્તરે પહોંચવું પડશે.” શિષ્ય ગુરુજીની વાત સમજી ગયો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top