Dakshin Gujarat

‘તારી અને તારા પિતાની માથાકૂટ વધી ગઈ છે’ કહી પુત્રને ઢોર માર માર્યો

કામરેજ: કઠોરના (Kathor) છીપવાડમાં રહેતા યુવાનને ફળિયામાં રહેતા સમાજના ત્રણ ઈસમે તારી અને તારા પિતાની માથાકૂટ વધી ગઈ છે તેમ કહીને રાત્રે લાકડાંના સપાટા મારી બેભાન (Unconscious) કરી દીધો હતો.

કામરેજ (kamrej) તાલુકાના કઠોર ગામે છીપવાડ ફળિયામાં સજ્જાદ હુસેન ઈરસાદઅલી મોમીન (ઉં.વ.27) રહે છે. જે કામરેજ ચાર રસ્તા ખાતે સન ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં નોકરી કરે છે. પિતા ઈરસાદઅલી મોમીન સમાજના કમિટી સભ્ય છે. સોમવારે સમાજની મીટિંગ છીપવાડ ફળિયામાં ચાલતી હતી. બપોરે 12 કલાકે ફળિયામાં જ રહેતા આબીદઅલી જાહિદઅલી મોમીનએ સજ્જાદ હુસેનને જણાવ્યું કે, તારા પિતાનું કામ બરાબર નથી અને પિતાને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈ જઈ સજ્જાદ હુસેન સાથે મારામારી કરવા લાગ્યા હતા.

સમાજના લોકો વચ્ચે પડતાં તે પોતાના ઘરે જતો રહ્યો હતો. બાદ રાત્રિના આશરે 11 કલાકે પોતાની મોપેડ નં.(જીજે 05એફવાય 0148) લઈને ઘરે આવતાં મસ્જિદ પાસે આબીદઅલી, અબ્બાસઅલી તાલેબઅલી મોમીન, અલ્તાફઅલી મોહમ્મદઅલી મોમીને મોપેડ સાઈડમાં લેવડાવી અને આબીદઅલીએ જણાવ્યું કે, તારી અને તારા પિતાની માથાકૂટ વધી ગયેલી છે તેમ કહી ગાળો આપતા સમજાવવા જતાં તમામ ભેગા મળી લાકડાંના સપાટા મારવા લાગ્યા હતા. બૂમાબૂમ કરતાં ફળિયામાં રહેતા લોકો આવી જતાં ત્રણેય નાસી છૂટ્યા હતા. સજ્જાદહુસેનને માથામાંથી લોહી નીકળતું હોવાથી બેભાન હાલતમાં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હાલ તે પણ સારવાર હેઠળ છે. જે અંગે કામરેજ પોલીસમથકમાં ત્રણેય ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

તું કેમ અહીંથી ટ્રક લઈને ધૂળ ઉડાડતો આવે છે’ કહી ચાલકને માર માર્યો
હથોડા: લીમોદરા ગામે પંચાયતની સામે રોડ પરથી પસાર થતી ટ્રક દ્વારા ધૂળની ડમરીઓ ઊડતાં લીમોદરા ગામની એક વ્યક્તિએ ટ્રક રોકાવી ટ્રકચાલકને ટ્રકમાંથી ખેંચી કાઢી માર મારીને અપમાનિત કરતાં દસ દિવસ બાદ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

નાની નરોલી ખાતે રહેતા ટ્રકચાલક બળવંત દેવજી વસાવા પોતાની જીજે 16 ડબલ્યૂ 0103 નંબરની ટ્રક લઈ કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લીમોદરા ગામે તળાવમાં ખોદાતી માટીનો ફેરો ભરવા તા.27-2-2022ના રોજ ગયો હતો. અને ટ્રક લઈ લીમોદરા ગ્રામ પંચાયતની કચેરી સામેના રોડ પરથી પસાર થતો હતો. ત્યારે લીમોદરા ગામે રહેતા રાહુલ હરકિશન પટેલે ટ્રક રોકાવી ચાલકનું નામ પૂછતાં ટ્રકચાલકે પોતાનું નામ બળવંત દેવજી વસાવા હોવાનું જણાવ્યું હતું. ત્યારે ટ્રકચાલકને રાહુલે તું કેમ અહીંથી ટ્રક લઈને ધૂળ ઉડાડતો આવે છે તેમ કહી ટ્રકમાંથી ખેંચી કાઢીને માર મારી જાતિવિષયક અપમાનજનક ગાળો બોલી અપમાનિત કર્યો હતો. આ બનાવના દસ દિવસ બાદ આખરે કોસંબા પોલીસમાં ભોગ બનનારે ફરિયાદ આપતાં કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top