National

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કઇ રીતે થઇ? જુઓ વીડિયો

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) હરદીપ સિંહ નિજ્જરને (Hardeep Singh Nijjar) ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો (Murder) કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને આ મામલો બંને દેશો વચ્ચે વિવાદનું (Controversy) કારણ બની ગયો હતો.

ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના તત્કાલીન પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી તેની પીકઅપ ટ્રકમાં બહાર નીકળ્યા હતા અને બહાર આવતા જ તેમની કારની સામે અચાનક એક સફેદ સેડાન આવીને થંભી ગઈ હતી. જેમાં બે લોકોએ બહાર આવીને હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કર્યું હતું. હાલ કેનેડાના એક મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કારમાં પહેલાથી જ ત્રણ લોકો હતા. તેમજ હુમલાખોરો ભાગી ગયા હતા.

નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા હતા
હરદીપ સિંહ નિજ્જરની હત્યાને નવ મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ શકમંદોના નામ જાહેર કરી શકી નથી. કે આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના પીએમએ આરોપ લગાવ્યો હતો કે આ હત્યામાં ભારત સરકારનો હાથ છે. કેનેડાના પીએમના આરોપોને કારણે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા હતા. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નિજ્જરની હત્યા અંગે કેનેડા દ્વારા હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

Most Popular

To Top