Columns

અનામતની જોગવાઈ કેવી રીતે નક્કી કરવી?

આર્થિક રીતે પછાત (ઇકોનોમિકલી વીકર સેક્શન) સવર્ણોને 10 ટકાની અનામત આપવાનો સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ગેરબંધારણીય અને સામાન્ય બુદ્ધિથી ચકાસો તો પણ ટકી ન શકે એવો વાહિયાત છે. પણ આ યુગ જીહજૂરીનો છે એટલે શાસક પક્ષની વિચારધારાને અનુકુળ થવાનો સર્વત્ર પ્રયાસ થઈ રહ્યો છે એનું આ ઉદાહરણ છે. આ આઘાતજનક ઘટના એટલા માટે છે કે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેચનો આ ચુકાદો છે. બંધારણીય બેચનું કામ માત્ર બંધારણનું અર્થઘટન કરવાનું નથી પણ તે દ્વારા બંધારણીય જોગવાઈઓનું અને બંધારણીય ભારતનું જતન કરવાનું છે.

1970 ના દાયકાના પ્રારંભમાં મૂળભૂત અધિકારને લગતા કેસોમાં પણ આવી જ રીતે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચ પાણીમાં બેસી ગઈ હતી. ત્યારે પણ સર્વોચ્ચ અદાલતના કેટલાક ન્યાયમૂર્તિઓએ એ વખતના શાસકોના વલણને (વલણને,અત્યારના શાસકોની જેમ વિચારધારાને નહીં) અનુકુળ થવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એ.એન.રાયે કહ્યું હતું કે રાજ્યએ દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે એટલે રાજ્ય મૂળભૂત અધિકાર પાછા પણ લઈ શકે અને તે સંકોરી પણ શકે. જે આપે તે પાછા લે પણ ખરા અને ઘટાડે પણ ખરા.

દેશમાં સેકડો-હજારો વર્ષ જૂની પરંપરાગત અન્યાયી વ્યવસ્થાને કારણે કેટલીક પ્રજાને સામાજિક સીડી ઉપર ચડવા નહોતું મળતું અથવા ચડવા દેવામાં નહોતા આવતા. આને કારણે દેશની ઘણી મોટી સંખ્યામાં ચોક્કસ પ્રજા માનવીય વિકાસ અને ગરિમાના માપદંડોથી ચકાસવામાં આવે તો હાંસિયામાં જીવતી આવી છે તેમને હાંસિયામાંથી બહાર કાઢવી હોય અને અન્ય વિકસિત પ્રજાની સમકક્ષ બનાવવી હોય તો તેમને થોડા સમય માટે વિશેષ તક આપવી જોઈએ. જેમ લાગણીવાળી જવાબદાર મા બીમાર કે નિર્બળ બાળકને વધુ શીરો ખવડાવે અને સગવડ ન હોય તો બીજા બાળકને ઓછો શીરો આપે એમ. બંધારણમાં આવી જોગવાઈ કરનારા મોટાભાગના સભ્યો સવર્ણ હતા, પણ તેમનું હ્રદય મા નું હતું. આવી જોગવાઈ વિશ્વના અનેક દેશોમાં છે અને તેને પોઝિટિવ ડિસ્કીમિનેશન અથવા અફરમેટીવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે ત્યાં તેને અનામત તરીકે ઓળખાવવામાં આવે છે.

પણ આની સામે સવર્ણનો એક વર્ગ એવો હતો જેને શરૂઆતથી જ પછાત પ્રજાને વિશેષ તક આપવામાં આવે એ જોઇને પેટમાં દુઃખતું હતું. રાજ્ય લાગણીશીલ જવાબદાર માતાની ભૂમિકા ભજવે એ તેમને પહેલેથી જ ગમતું નહોતું. તેમને સામાજિક-આર્થિક (મુખ્યત્વે સામાજિક) સરસાઈ જતી રહેશે અને દલિતો અને અન્ય પછાત કોમ સાથે સમાન ધોરણે જીવવું પડશે એ વાતનો ડર લાગતો હતો. હવે તેઓ એમ તો કહી શકે નહીં કે જે પછાત છે એ પાછલા જનમમાં તેમણે કરેલાં પાપની સજા ભોગવી રહ્યા છે એટલે તેમની દયા ખાવાની જરૂર નથી. તેમણે આ ભવમાં સારાં કર્મો કરીને હવે પછી બ્રાહ્મણના ઘરે જન્મ મેળવવો જોઈએ. હકીકતમાં તેઓ આવું જ માને છે, પણ બોલતા શરમાતા હતા.

માટે તેઓ અનામતના વિરોધમાં એક દલીલ એવી કરતા હતા કે માની લો કે પછાતો સાથે અન્યાય થયો પણ છે તો એ અમારા બાપદાદાઓએ કર્યો છે અને તેમની સજા આજે અમને શા માટે? એકની સજા બીજાને કરવી એ અન્યાય નથી? તેમની બીજી દલીલ એવી હતી કે બંધારણમાં કહ્યું છે કે ભારતનાં પ્રત્યેક નાગરિક સમાન હશે અને રાજ્ય કોઈ દેશના કોઈ નાગરિક સાથે તેનાં ધર્મ, ભાષા, જ્ઞાતિ કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ નહીં કરે. બંધારણમાં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં પછાતો અને સવર્ણો વચ્ચે ભેદભાવ કરવો એ ખોટું નથી? તેમની ત્રીજી દલીલ એવી હતી કે અનામતની જોગવાઈ ક્યાં સુધી?

અનામતની જોગવાઈ આપી તેને 25  વરસ થયાં, એ પછી 50 વરસ થયાં અને હવે 75 વરસ થયાં તેનો કોઈ અંત ખરો કે નહીં? તેમની ચોથી દલીલ એવી હતી કે અનામતના કારણે ગુણવત્તા (મેરિટ) જોખમાઈ રહી છે. કોઈ દેશ મેરિટ વિના આગળ કઈ રીતે વધી શકે? દુનિયાની આપણે બરોબરી કરવાની છે, હરીફાઈનો યુગ છે વગેરે. તેમની પાંચમી દલીલ એવી હતી કે અમે પણ પછાત છીએ. એવું થોડું છે કે પછાતો માત્ર પછાત કોમની યાદીમાં સ્થાન પામેલી જ્ઞાતિઓમાં જ છે, અમે પણ પછાત છીએ. પાટીદારો, મરાઠાઓ, જાટો વગેરે જ્ઞાતિના લોકો આવી દલીલ કરવા લાગ્યા હતા. તેમની (ખાસ કરીને બ્રાહ્મણોની) છઠ્ઠી દલીલ એવી હતી સવર્ણોની અંદર જે આર્થિક રીતે પછાત છે તેને પણ અનામતનો લાભ મળવો જોઈએ.

છેલ્લા 5 દાયકાથી અનામતનો વિરોધ કરનારાઓ આદુ ખાઈને અનામતની જોગવાઈની પાછળ લાગ્યા છે. તેઓ કોઈ પણ ભોગે તેને ખતમ કરવા માંગે છે પણ વીતેલા યુગની એક વિશેષતા હતી અને એ વિરોધ કરનારાઓને કનડતી હતી. મીડિયામાં મોટાભાગના પત્રકારો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. ન્યાયતંત્રમાં મોટાભાગના જજો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. વીતેલા યુગમાં પત્રકારો વિવેકનો, સભ્યતાનો અને ન્યાયનો પક્ષ લેતા હતા અને અનામતનો બચાવ કરતા હતા. એવું નથી કે તેઓ અનામતની જોગવાઈમાં રહેલી મર્યાદાઓ નહોતા બતાવતા, પણ અનામતની જોગવાઈને ટેકો આપતા હતા.

સ્વાર્થપરક વાહિયાત દલીલોની ત્યારે ઠેકડી ઉડાડવામાં આવતી હતી. અદાલતોમાં અનામતની જોગવાઈની સામે અનેક અરજીઓ કરવામાં આવી હતી અને દરેક વેળાએ જજો અનુકંપા, ન્યાય, વિવેક અને બંધારણનાં આત્માની પડખે ઊભા રહેતા હતા, બ્રાહ્મણ અને સવર્ણ હોવા છતાં. અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ અને સાચું પૂછો તો સ્થિતિ બદલવામાં આવી છે. મીડિયામાં અને અદાલતોમાં એવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે જેઓ સ્થાપિત હિતોના પક્ષકાર બનવામાં શરમ ન અનુભવે. એવા લોકો છે જેઓ ન્યાય, વિવેક, બંધારણનો આત્મા, અનુકંપા વગેરેને કિનારે કરી આપે.

ઉપર જે 6 દલીલો બતાવવામાં આવી એમાંની છેલ્લી 2 દલીલો અનામતની જોગવાઈનો પ્રાણ હરી લેવા માટેની છે. અનામતની જોગવાઈને હાસ્યાસ્પદ બનાવવા માટેની છે. અમે પણ પછાત છીએ. અનામત આપો અને નહીંતર અમે મત નહીં આપીએ. પટેલો, જાટો, મરાઠાઓ આવી માંગણી કરી રહ્યા છે. તેમને ખબર છે કે બધા જ અનામતમાં ઘૂસી જશે તો ગોકુળ નાનું અને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ થશે અને જોગવાઈ હસ્યાસ્પદ બની જશે. મીડિયામાં અને ન્યાયતંત્રમાં હવે એવા માણસો છે જેનો અંતરાત્મા વેચાઈ ગયો છે.

પત્રકારો પ્રવેશનો બચાવ કરશે અને જજો આપશે. એ પછી હમ ભી પછાત, સામાજિક રીતે નહીં તો આર્થિક રીતે. બોલો તમારે શું કહેવાનું છે? તેમને પણ જાણ છે કે મીડિયામાં અને ન્યાયતંત્રમાં વિવેકહીન અંતરાત્મા વિનાના માણસો બેસી ગયા છે. આમ પાંચમી અને છઠ્ઠા પ્રકારની દલીલ કરનારાઓએ અનામતમાં પ્રવેશ મેળવી લીધો છે. જો આ દલીલમાં દમ હતો તો તેને સ્વીકારવામાં 75 વરસ શા માટે લાગ્યાં? આ કોઈ પહેલીવાર કરવામાં આવેલી દલીલ નથી. શું અત્યાર સુધીના જજો અને પત્રકારો બેવકૂફ હતા? અન્યાય કરનારા હતા? અત્યારે અચાનક જ્ઞાન લાધવાનું શું કારણ? અને બીજું, મેરીટનું શું? બહુ મેરીટની ચિંતા કરતા હતા, દેશનું શું થશે એવું કહીને છાતી ફૂટતા હતા તો હવે મેરીટનું શું થશે? પણ ચિંતા નહીં કરતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ઉચ્ચકુલીન છે માટે સ્વયંસંપૂર્ણ છે, એટલે ભલે એ અનામતવાળો હોય,35 માર્ક્સવાળો હોય, મેરીટ જળવાઈ રહેશે. મેરીટ વિષે કોઈ કાંઈ બોલે તો કહેજો.

અને હા, એક વાત કહેવી રહી. જગત આખામાં કોઈ દેશમાં આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ આપવામાં નથી આવતી. આર્થિક પછાતપણું (ગરીબાઈ) નક્કી કરવું અશક્ય છે, તે બદલાતું રહે છે અને આર્થિક પછાતપણું વિકાસમાં અવરોધરૂપ નથી બનતું. એનું એક પ્રમાણ એ છે કે ભારતને આઝાદી એ લોકોએ અપાવી હતી જેઓ આર્થિક રીતે પછાત ગરીબીમાં જન્મ્યા હતા અને તે બધા (મોટાભાગના) સવર્ણ હતા.

સવર્ણ હોવાને કારણે તેઓ એક પ્રકારની જાગૃતિ ધરાવતા હતા અને દેશને જાગૃત કર્યો હતો. ગરીબ ઘરે જન્મ્યા હોવા છતાં. જે લોકો સંપન્ન હતા તેઓ આઝાદીનો વિરોધ કરતા હતા. અને આજે? વિડંબના જુઓ, દેશને આઝાદી અપાવનારાઓનાં સંતાનો દલીલ કરે છે કે તેઓ ગરીબીને કારણે લાચાર છે અને સર્વોચ્ચ અદાલતના જજો કહે છે કે હા, તેમની વાત સાચી છે, એ દિશાહીન લાચાર બિચારાઓને કાખઘોડીની જરૂર છે. આપણે સર્વોચ્ચ અદાલતના એ 3 જજોને પૂછવું જોઈએ કે જેને કાખઘોડીની જરૂર છે તેણે આઝાદી કેવી રીતે અપાવી? સાહિત્ય, વિજ્ઞાન અને બીજા ક્ષેત્રોમાં તેઓ કેવી રીતે ઝળક્યા? અંગ્રેજોએ તો કોઈ અનામતની જોગવાઈ આપી નહોતી. સર્વોચ્ચ અદાલતના સંખ્યાબંધ જજો એવા હશે જેઓ ગરીબ પછાત પરિવારમાં જન્મ્યા હશે. આખો ખેલ અનામતને હાસ્યાસ્પદ બનાવીને પછાતોને ન્યાયથી વંચિત રાખવાનો છે અને બ્રાહ્મણી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો છે.

Most Popular

To Top