NEET પેપર લીક મુદ્દે થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન “BitChat” નામની એક ચેટ એપ અચાનક ચર્ચામાં આવી હતી. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઇન્ટરનેટ અથવા મોબાઇલ નેટવર્ક વગર પણ બ્લૂટૂથ દ્વારા નજીકના લોકો સાથે સંદેશા, ફોટા અને વીડિયો શેર કરવાની સુવિધા આપે છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન આ એપનો ઉપયોગ થવાના અહેવાલો બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારની એક એજન્સીએ આ એપ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમ છતાં ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે જો એપ પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, તો તે હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી કેવી રીતે ડાઉનલોડ થઈ રહી છે?
સાયબર સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ એપ પર પ્રતિબંધ લાગુ કરવો દેખાય તેટલું સરળ નથી. એપને માત્ર એક જ પ્લેટફોર્મ પરથી દૂર કરવાથી તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ જતો નથી. જો એપનો સોર્સ કોડ અથવા તેની અન્ય આવૃત્તિઓ અલગ-અલગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય, તો તેને ફરીથી ડાઉનલોડ કરી શકાય છે અથવા નવા સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. સાયબર ક્રાઇમ તપાસ નિષ્ણાત શ્રીકાંત અર્ધપુરકરના જણાવ્યા મુજબ, BitChat જેવી એપ્સનો આધાર માત્ર એપ સ્ટોર સુધી મર્યાદિત નથી. તેમણે સમજાવ્યું કે GitHub જેવા પ્લેટફોર્મ પર ડેવલપર્સ પોતાના સોર્સ કોડ અને પ્રોજેક્ટ્સ સાચવી રાખે છે. GitHub માઇક્રોસોફ્ટનું એક લોકપ્રિય પ્લેટફોર્મ છે, જ્યાં લાખો ડેવલપર્સ વિવિધ પ્રકારના સોફ્ટવેર અને એપ્લિકેશનના કોડ શેર કરે છે અને તેમાં સુધારા કરે છે.
તેમના જણાવ્યા પ્રમાણે BitChat એક હળવી અને સરળ એપ છે, જે બ્લૂટૂથ ટેક્નોલોજી દ્વારા લગભગ 150થી 200 મીટરના વિસ્તારમાં આવેલા અન્ય વપરાશકર્તાઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે. આ માટે મોબાઇલ ડેટા, Wi-Fi અથવા ઇન્ટરનેટની જરૂર પડતી નથી. નજીકમાં રહેલા બે અથવા વધુ લોકો આ એપ દ્વારા એકબીજાને સંદેશા મોકલી શકે છે તેમજ ફોટા અને વીડિયો પણ શેર કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી એપ્સનું એક વધુ મહત્વનું પાસું એ છે કે તેમાં ઘણી વખત સંદેશાઓનો કાયમી ડેટા સંગ્રહ થતો નથી. જો વપરાશકર્તા એપ કાઢી નાંખે અથવા તેમાં રહેલો ડેટા ડિલીટ કરે, તો અગાઉની ઘણી માહિતી પણ ઉપલબ્ધ રહેતી નથી. જેના કારણે ડિજિટલ ફૂટપ્રિન્ટ ખૂબ ઓછો રહે છે. આ કારણસર તપાસ એજન્સીઓ માટે આવી એપ્સની પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરવું મુશ્કેલ બની શકે છે.
શ્રીકાંત અર્ધપુરકરે વધુમાં જણાવ્યું કે BitChat એકમાત્ર આવી એપ નથી. ઇન્ટરનેટ પર આવી અનેક મેશ અથવા બ્લૂટૂથ આધારિત મેસેજિંગ એપ્સ પહેલાથી જ ઉપલબ્ધ છે. આજે ઓપન સોર્સ ટેક્નોલોજીના કારણે ડેવલપર્સ સરળતાથી નવી એપ્સ બનાવી શકે છે. તેમના કહેવા મુજબ, આધુનિક AI ટૂલ્સની મદદથી પણ પ્રોગ્રામિંગ જાણનાર વ્યક્તિ આવી પ્રકારની એપ્લિકેશનનું મૂળભૂત કોડ તૈયાર કરી શકે છે. એટલે માત્ર એક એપ પર પ્રતિબંધ મૂકવાથી સમગ્ર સમસ્યાનો અંત આવતો નથી. તેમણે જણાવ્યું કે જો કોઈ સરકારી એજન્સી કોઈ એક રિપોઝિટરી અથવા સોર્સ કોડને દૂર કરાવવા માટે કાર્યવાહી કરે, તો પણ તેની અન્ય નકલ અથવા ફેરફાર કરેલી આવૃત્તિઓ અલગ-અલગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહી શકે છે. આ જ કારણ છે કે આવા સોફ્ટવેરને સંપૂર્ણપણે રોકવું કાયદા અમલીકરણ એજન્સીઓ માટે મોટો પડકાર બની જાય છે.
નિષ્ણાતોના મતે, ટેક્નોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી તેનો જવાબદાર ઉપયોગ પણ જરૂરી બની ગયો છે. કોઈપણ ટેક્નોલોજીનો ઉપયોગ સારા કે ખરાબ બંને હેતુ માટે થઈ શકે છે. તેથી માત્ર કાનૂની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ વપરાશકર્તાઓમાં જાગૃતિ અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વપરાશકર્તાઓએ કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલાં તેની વિશ્વસનીયતા, સુરક્ષા અને ઉપયોગનો હેતુ સમજવો જોઈએ. અજાણી એપ્સનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત માહિતી અને ગોપનીયતા અંગે સાવચેત રહેવું જરૂરી છે. જો કોઈ એપનો ઉપયોગ કાયદાનો ભંગ કરવા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવે, તો તેના ગંભીર કાનૂની પરિણામો પણ આવી શકે છે.
તાજેતરમાં BitChatનું નામ વિરોધ પ્રદર્શનો સાથે જોડાતા તેની ચર્ચા વધી છે. જોકે કોઈપણ ટેક્નોલોજી વિશે અંતિમ મત બનાવતાં પહેલાં તેની કાર્યપદ્ધતિ, ઉપયોગ અને કાનૂની સ્થિતિ સમજવી જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્નોલોજીને રોકવા કરતાં તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ વધુ મહત્વનો છે. સરકાર અને તપાસ એજન્સીઓ પોતાની રીતે જરૂરી પગલાં લઈ રહી છે, પરંતુ બદલાતી ટેક્નોલોજી વચ્ચે સંપૂર્ણ નિયંત્રણ મેળવવું સરળ નથી. તેથી ભવિષ્યમાં આવા પડકારોનો સામનો કરવા માટે કાનૂની વ્યવસ્થા, ટેક્નિકલ સુરક્ષા અને વપરાશકર્તાઓમાં જાગૃતિ, ત્રણે બાબતો પર એકસાથે કામ કરવાની જરૂર રહેશે.