Vadodara

પાલિકાના વોર્ડ નં-14માં સ્વચ્છતાના પોકળ દાવા

વડોદરા: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા.પરંતુ પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે.સાફ-સફાઈ નહીં થતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતાં આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ ચાર્જ સંભાળતાની સાથે જ સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.પરંતુ આજે પણ કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં આવતા વિસ્તારમાં અસહ્ય ગંદકી અને સાફ સફાઈના અભાવે ઉકરડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.

આ વિસ્તારમાં સાફ-સફાઈ થતી જ નથી તે આ દ્રશ્ય પરથી સ્પષ્ટ જણાઈ આવે છે તેના પરથી ફલિત થાય છે કે વોર્ડ ઓફિસરો અને કર્મચારીઓ એસી કેબીનોમાં બેસી રહેતા હોય છે અને અધિકારીઓ ફિલ્ડ પર જતા નથી.બપોર બાદ તો સાફ સફાઈ થતી જ નથી. હાલમાં જ મ્યુનિસિપલ કમિશનરે વહેલી સવારે વિવિધ વહીવટી બોર્ડની કચેરીઓમાં સાયકલ પર સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર ગેરહાજર હોવાનું જણાય આવ્યું હતું.જેને લઇ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારવાની અને ખુલાસો માંગવાની કડક કાર્યવાહી પણ કરી હતી.પરંતુ હજીએ કેટલા વિસ્તારોમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં સ્વચ્છતાને લઈને બેઠક યોજાઈ
વડોદરા મહાનગર પાલિકા વડી કચેરી ખાતે સ્વચ્છતા સંરક્ષણની બેઠક મળી હતી. જે મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં લેવામાં આવી હતી. જેમાં ચારેય ઝોનના ડેપ્યુટી મ્યુ.કમિશનર અને ચારેય ઝોનના એ.એમ.સી., 19 વોર્ડના વોર્ડ ઓફિસરો હાજર રહ્યા હતા.સ્વચ્છતા સંરક્ષણ બાબતે તમામને મ્યુ.કમિશનર તરફથી સૂચના આપવામાં આવી હતી. પરંતુ અહીં નોંધવું જરૂરી છે કે મ્યુ. કમિશનર સાયક્લિંગ કરવા નીકળે છે અને જ્યાં સ્વચ્છતા ના હોય તો જે તે અધિકારીનું ત્વરિત ધ્યાન સુચના આપવામાં આવે છે.

Most Popular

To Top