Charchapatra

જૂનાગઢમાં છ દસકાથી આરાધના કરતા હિન્દુ-મુસ્લિમ

આગામી રવિવારથી કુમકુમના પગલા પડયા માંડીના હેત ઢળ્યા, ના 10 દિવસ આપણી બહેન-દિકરીઓ યુવાઓના ગરબા રમવા થનગનાટ જોવા મળી રહ્યો છે ને શાસ્ત્રોકત વિધિથી માતાજીની આગવી આરાધના થવાની છે ત્યારે નરસૈયાની નગરી જૂનાગઢે હિન્દુ મુસ્લિમો જગત જનની માતાજીની નવરાત્રિ દરમ્યાન આરાધના કરી કોમી એકતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડયું છે. આજથી છ દસકા પહેલા સ્વ. છોટાલાલ ડુંગરશીભાઇ ચાવડા નામક સજ્જને અહીં મુસ્લીમ વિસ્તારમાં આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા ચોરાની ગરબીની સ્થાપના કરી હતી. તેમાં ન્યાતજાતના ભેદભાવ છોડી હિન્દુ મુસ્લિમો સાથે મળી નવલી નવરાત્રિનું આયોજન કરેલ જે આજે પણ ચાલુ છે. પુત્ર પ્રવિણભાઇએ એ પરંપરા જાળવી રાખી છે.

આયોજકો, સહયોગીઓ, સાજિંદાઓ અને દીકરીઓ પચાસ પચાસ ટકા હિન્દુ મુસ્લિમ પ્રાચીન ગરબા રમતી હોવાના તાજેતરમાં અહેવાલ આવ્યા છે તે આવકારદાયક છે. નરસિંહ મહેતાની ચોરાની પ્રાચીન ગરબીમાં 70 બાળાઓ છે જેમાં 35 બાળાઓ મુસ્લિમ હોંશે હોંશે શકિત સ્વરૂપ માતાજીની આરાધના કરે છે. ગરબીમાં સળગતી ઇંધોણી, ભુવા રાસ આગવું આકર્ષણ જમાવે છે. સામાન્યત: હિંદુ ભાઇઓ પોતાનો અને મુસ્લિમ બિરાદરો પોતપોતાના તહેવાર પર્વો ઉજવી જીવનને ઉજાગર કરે છે ત્યારે જૂનાગઢે કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડયું છે. સનાતન ધર્મમાં નારીને શકિતરૂપે નારી તું નારાયણી પૂજવામાં આવે છે. ગરબો એ માત્ર માટીનું પાત્ર નથી. ગરબો એ સંસ્કૃતિ, ભકિત અને પ્રકૃતિની સુંદરતા વચ્ચેનું સનાતન અતૂટ બંધન છે. બહેનો ગરબે ધુમી સાદા વસ્ત્રોમાં સજ્જ થઇ વર્ષ ભરનો ઉત્સાહ, સ્ફૂર્તિ, શકિત જોમ મેળવે એવી શુભેચ્છાઓ.
સુરત- ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top