Columns

હિંદુ પુરુષો બે સ્ત્રીઓ સાથે લગ્ન કરી પછી ત્રણેય સાથે રહી શકે? ભારતમાં લગ્ન કાયદાઓ પર એક નજર…

એક વિચિત્ર ઘટનામાં મહારાષ્ટ્રના એક વ્યક્તિએ એક જ સમારંભમાં જોડિયા બહેનોની સાથે લગ્ન કર્યા હોવાનાં વીડિયો વાયરલ થયાં પછી પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.જો કે કન્યા અને વરરાજાના પરિવારોએ આ વિવાદાસ્પદ લગ્ન માટે સંમતિ આપી હતી.આ લગ્ન પછી ઘણાં સવાલો ઊભાં થાય છે,કાયદો આ લગ્નને માન્ય રાખશે? આ કિસ્સામાં બંને બહેનોએ દેખીતી રીતે એક જ પુરૂષ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓ લગ્ન પછી એકબીજાથી દૂર રહી શકતા ન હતા!એટલે પરિવારમાં આ બાબત કોઈ મતભેદ નથી. અતુલ ઉત્તમ ઓતાડે નામનાં વરરાજા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ સ્થાનિક રહેવાસી રાહુલ ભરતે નોંધાવી હતી.વરપક્ષ જે સોલાપુરનાં મ્હલુંગનાં રહેવાસી છે, તેણે બપોરે રિંકી પાડગાંવકર સાથે તેનાં પ્રથમ લગ્ન કર્યા અને પછી ગલાન્ડે હોટેલમાં યોજાયેલા તે જ લગ્ન સમારોહ દરમિયાન બહેન પિંકી પાડગાંવકર સાથે લગ્ન કર્યા, અહેવાલમાં પોલીસ અધિકારીઓને ટાંકવામાં આવ્યા હતા. પાડગાંવકર પરિવાર મુંબઈનાં ચાંદીવલી વેસ્ટમાં રહે છે.

ફરિયાદી આ કેસમાં ત્રીજો વાદી બને છે! સોલાપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક શિરીષ સરદેશપાંડેના જણાવ્યા અનુસાર ફરિયાદ નોંધાવનાર વ્યક્તિને લગ્ન વાંધાજનક જણાયા હતા. પોલીસ આ કેસમાં આગળ વધવા માટે કોર્ટની પરવાનગી લેશે.આ બાબત પોલીસને પણ સમજવું પડશે કે આ વિચિત્ર દંપતી જેમાં એક પુરૂષ એક જ સમયે બે સ્ત્રીઓને પરણ્યો છે તેને કાયદો કઈ રીતે મૂલવે છે! એક અજ્ઞાનપાત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોર્ટની પરવાનગી લઈ અને આગળની તપાસ વધારશે. કાયદો સીધી વાત કહે છે કે વ્યક્તિ એક સમયે એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે.

અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે બંને બહેનો નજીક છે અને સાથે રહેવા માંગતી હતી. વધુ તપાસ ચાલી રહી છે.આ કાનૂની ગૂંચ કરતાં વધારે સામાજિક દાખલો બની જવાની ભીતિ છે.કારણ કે પરિવાર વિરૂધ્ધમાં ન હોય મામલો નરમ પડવાની શકયતા વધારે છે! કાનૂની નિષ્ણાતો કહે છે કે લગ્નની કાયદેસરતા મેરેજ એક્ટ પર આધારિત છે. લગ્ન કાયદેસર છે કે નહીં તે મેરેજ એક્ટ મુજબ તપાસવું પડશે. આ પ્રકારના લગ્ન સામે વાંધો પહેલી પત્ની તરફથી આવવાનો હોય છે. પહેલા એ શોધવાની જરૂર પડશે કે લગ્ન સંબંધિત બધી વિધિઓ થઈ કે નહીં. પાડગાંવકર બહેનોનાં મુદ્દે કોઈ આપસમાં મતભેદ નથી,કોઈ ફરિયાદ નથી! પણ ભારતીય દંડ સંહિતાની કલમ 494 હેઠળ બિન-સંવેદનશીલ ગુના માટે ગુનો નોંધવામાં આવ્યો છે જે પતિ અથવા પત્નીના જીવનકાળ દરમિયાન પુનર્લગ્નને દંડ કરે છે.

કાયદેસર રીતે હિન્દુની બીજી પત્ની રખાત હશે, જો કે ધાર્મિક અને સામાજિક રીતે તે પત્ની ગણાય છે,કાયદાની દ્રષ્ટિએ તે ન્યાયિક નથી. હિંદુ મેરેજ એક્ટ મુજબ, બહુપત્નીત્વ પ્રતિબંધિત છે, એટલે કે બહુપત્નીત્વ ધરાવતા હિંદુ લગ્ન એ તમામ કાનૂની હેતુઓ માટે રદબાતલ છે. બહુપત્નીત્વ ભારતમાં 1956માં મુસ્લિમો સિવાય તમામ નાગરિકો માટે સમાન રીતે ગેરકાયદેસર બન્યું, મુસ્લિમોને ચાર પત્નીઓ રાખવાની મંજૂરી છે. ભારતમાં લગ્નનાં ચાર કાયદા છે. હિન્દુ લગ્ન કાયદો, ખ્રિસ્તી લગ્ન કાયદો, મુસ્લિમ લગ્ન કાયદો અને વિશેષ લગ્ન કાયદો.

લગ્નનું પ્રમાણપત્ર એ એકમાત્ર કાનૂની ઘોષણા હોવાનું જણાય છે જે પુષ્ટિ કરે છે કે બે પુખ્ત ભારતીય નાગરિકો પરિણીત છે. 1948માં ભારતીય બંધારણની કલમ 21 અને માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાનો આર્ટિકલ 16 જે અપનાવવામાં આવ્યો હતો, બંને લગ્ન કરવાના વ્યક્તિના અધિકારને સ્વીકારે છે. ભારતમાં લગ્નને નિયંત્રિત કરવા માટે કોઈ એક સમાન કાયદાની સંહિતા નથી. તેના બદલે વિવિધ ધર્મો કાયદાના જુદાં જુદાં વર્ગ કે પથનું પાલન કરે છે. હિંદુઓ માટે 1955થી હિંદુ મેરેજ એક્ટ, મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ 1937, ખ્રિસ્તીઓ માટે ભારતીય ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 અને પારસીઓ માટે પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936 છે. સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954 પસાર કરવામાં આવ્યો હતો જેથી કોઈ ખાસ કે ચોક્કસ ધાર્મિક પરંપરા સાથે ઓળખવામાં ન આવતાં હોય તેવાં લોકો વચ્ચેનાં લગ્નોનું નિયમ પાલન કરવામાં આવે.

હિંદુઓ માટે વૈવાહિક કાયદો 1955માં હિંદુ મેરેજ એક્ટ પસાર થતાં કોડીફાઈડ કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના ધર્મોને અનુસરતા લોકોને લાગુ પડે છે. કાયદો અધિનિયમ લગ્ન કરવાની ક્ષમતા જણાવે છે,તે અંગે આ શરતોનો ઉલ્લેખ કલમ 5 માં કરવામાં આવ્યો છે, જે કહે છે કે લગ્ન સમયે કોઈ જીવનસાથી ન હોવો જોઈએ.જેનો અર્થ એ થયો કે હિંદુ સંસ્કૃતિ દ્વિપક્ષીય પ્રથાને માન્યતા આપતી નથી! લગ્ન સમયે વર અને કન્યાએ સ્વસ્થ મનથી તૈયાર હોવાં જોઈએ, તેમની સ્વતંત્ર સંમતિ હોવી જોઈએ, અને ગંભીર માનસિક બીમાર ન હોવા જોઈએ.

બંને પક્ષો ઓછામાં ઓછા 21 વર્ષના હોવાં જોઈએ, પ્રતિબંધિત સંબંધની રચના કરતા કોઈપણ સ્તરે એકબીજા સાથે સંબંધિત ન હોવા જોઈએ, અને પિતરાઈ સંબંધની રચના કરે તેવી કોઈ પણ રીતે સંબંધિત નથી, એમ લીગલ સર્વિસિસ ઈન્ડિયાના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અધિનિયમની કલમ 17 મુજબ લગ્નજીવનની સજાનો સમાવેશ થાય છે. ભારતીય કાનૂનના અહેવાલ મુજબ, આ અધિનિયમની શરૂઆત પછી બે હિંદુઓ વચ્ચેના કોઈપણ લગ્ન રદબાતલ ગણાય છે જો આવા લગ્નની તારીખે બંને પક્ષકારો પતિ કે પત્ની રહેતા હોય અને ભારતીય દંડ સંહિતાની કલમ 494 અને 495 (1860 નો 45) ની જોગવાઈઓ તે મુજબ લાગુ થશે.

ભારત સરકારની કેન્દ્રીય કેબિનેટે મહિલાઓ માટે લગ્નની ઉંમર વધારીને 21 કરવાની મંજૂરી આપી છે અને સંસદીય સ્થાયી સમિતિ તેનાં ગુણદોષનું અર્થઘટન કરી રહી છે. ભારતમાં લગ્નોને નિયંત્રિત કરતાં વિવિધ વ્યક્તિગત કાયદાઓ (પર્સનલ લો) સાથે, સરકાર કાયદાને દુરસ્ત કરવા ઈચ્છે છે, કાર્યકરો અને સંગઠનો કહે છે કે ફકત સુધારા બાળલગ્નની પ્રથાને સમાપ્ત કરવા માટે પૂરતા નથી.‘ટ્રિપલ તલાક’ ની ઇસ્લામિક પ્રથા, જેણે મુસ્લિમ પુરૂષને તેની પત્નીને ત્રણ વખત ‘તલાક’ (તલાક) કહીને મિનિટોમાં છૂટાછેડા આપવાની મંજૂરી આપી હતી, તેને 2017માં ભારતની સર્વોચ્ચ અદાલત ( સુપ્રીમ કોર્ટ)દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. ટ્રિપલ તલાક પ્રથાને ભારત સરકાર, મુસ્લિમ મહિલાઓ અને સુધારકોએ ગેરકાયદેસર ઠેરવવાના અભિયાનને સમર્થન આપ્યું હતું.

ગુપ્ત વિવાહ કે કાયદાની ગૂંચ નિવારવા રસ્તાઓ છે,ઘણાં પ્રતિષ્ઠિત લોકોનાં બે લગ્ન થયાં છે પણ તે કાયદેસર નથી.કાનૂની પકડદાવમાં પણ નથી! થોડાં વર્ષો પહેલાં પશ્ચિમ બંગાળમાં બે બહેનોનું એક જ સાજન પર દિલ આવ્યું. બંને બહેનો તેને પ્રેમ કરતી હતી. પ્રેમાળ વરને બંને બહેનો સાથે લગ્ન કરવાં પડ્યાં તે મુદ્દો હજી વિચારાધીન છે! વિગત વર્ષોમાં અનેક કાયદાઓ રદબાદલ કરવામાં આવી છે.ભારતીય લગ્ન બાબત પણ દિશા સાથે એક સમાન કાયદાની હવે તાકીદે જરૂરત છે જેથી આ એક વર અને બે કન્યા જેવા વિવાદો ઊભા ન થાય. સામાજિક સમરસતાના અનેક પ્રશ્નો કાનૂનની શ્રેણીમાં આવે છે!

Most Popular

To Top