World

ઇંગ્લેન્ડમાં હીટ વેવનો ભય: યુકેમાં રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી: યુકે(UK)ના હવામાન વિભાગની કચેરીએ લંડન(London) સહિત ઇંગ્લેન્ડ(England)ના વિવિધ ભાગો માટે સખત ગરમી(Heatwave)ની રેડ વૉર્નિંગ(Red Warning) જાહેર કરી છે. જે તેની અત્યાર સુધીના સૌપ્રથમ રેડ વૉર્નિંગ છે. જે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહેવાની ધારણા છે.

  • ગરમીના મોજાથી યુરોપ અને આફ્રિકામાં અનેક સ્થળે દાવાનળ
  • લંડન સહિતના વિસ્તારોમાં સોમ અને મંગળવારે તાપમાન 40 ડીગ્રી પર પહોંચવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ વૉર્નિંગ કે રેડ એલર્ટ એ તેમની એલર્ટ સિસ્ટમની સૌથી ઉંચી ચેતવણી છે અને તેનો અર્થ થાય છે કે લોકોના જીવને જોખમ છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. યુકેમાં આજ સુધી હવામાન માટે ક્યારેય રેડ વૉર્નિંગ જારી કરવામાં આવી નથી. આ અભૂતપૂર્વ પ્રકારની ચેતવણી તમામ વય જૂથના લોકોના જીવનને જોખમ હોવાની ચેતવણી આપે છે અને તેને રાષ્ટ્રીય કટોકટી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હવામાન કચેરીના પ્રવકત ગ્રેહામ મેજે જણાવ્યું હતું કે, અમે હાલમાં જ સોમવાર અને મંગળવાર માટે અત્યંત ગરમીની રેડ વૉનિંગ જાહેર કરી છે, જે અત્યાર સુધી જાહેર કરવામાં આવેલ આવી પ્રથમ વૉર્નિંગ છે

આઉટડોર પ્રવૃતિઓ બંદ, ટ્રેનો પણ રદ કરાઈ
આ રેડ વૉર્નિંગમાં લંડનથી માન્ચેસ્ટર સુધીનો વિસ્તાર અને ત્યારબાદ વેલ ઓફ યોર્ક સુધીનો વિસ્તાર આવરી લેવાયો છે. જો આપણે 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચીશું તો તે ઘણી સીમાચિન્હરૂપ મર્યાદા હશે અને તે દર્શાવે છે કે હવામાન પરિવર્તન હવે આપણી સાથે છે. આ હવામાન પરિવર્તનને કારણે જ થઇ રહ્યું છે તેવી ઘણી શક્યતા છે એ મુજબ તેમણે કહ્યું હતું. દરમ્યાન, અધિકારીઓેએ જણાવ્યું છે કે સખત ગરમીના સોમવાર અને મંગળવારના દિવસે શાળાઓ બંધ કરવાની કોઇ જરૂર નથી. જો કે કેટલીક શાળાઓ રજા આપવાની વિચારણા કરી રહી છે તો કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સના પીરીયડ રદ કર્યા છે અને આઉટડોર પ્રવૃતિઓ આ દિવસોમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ રેલવે પણ કેટલીક ટ્રેનો રદ કરી રહી હોવાનું જાણવા મળે છે. સોમવાર માટે ગેટવિક એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ હોવાના અહેવાલ છે.

ગરમીનાં કારણે હજારો લોકોનું સ્થળાંતર
યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં સખત ગરમીનું મોજું ચાલી રહ્યું છે અને આ બંને ખંડોના વિવિધ દેશોમાં જંગલની આગના અનેક બનાવો બન્યા છે. દાવાનળોને કારણે યુરોપના પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ દેશોમાં અને આફ્રિકાના મોરોક્કોમાં હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે. પોર્ટુગલમાં ગયા સપ્તાહે જંગલની આગથી 135ને ઇજા થઇ છે અને એકનું મોત થયું છે. રવિવારથી ત્યાં કટોકટી જાહેર કરવામાં આવી છે. પોર્ટુગલમાં આવી આગના 28 બનાવો બન્યા છે.

Most Popular

To Top