Dakshin Gujarat

નવસારી-વલસાડના આરોગ્ય કર્મચારીઓની ચીમકી: રસી લેશે નહીં અને આપશે પણ નહીં

નવસારી, વલસાડ: (Navsari, Valsad) રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકસીનેશન (Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તે અગાઉ જ ફાર્માસિસ્ટ અને નર્સના પે ગ્રેડ સુધારવા સહિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા રાજ્ય સંઘના આદેશ મુજબ નવસારી- વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા 12 જાન્યુ.થી કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે વલસાડના આરોગ્ય મંડળે સીડીએચઓને અને નવસારીમાં કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-3ના 714 કર્મચારીઓ અને વલસાડ જિ.પં.આરોગ્ય વિભાગના 767 કર્મચારીઓ મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઊતરી ગયા હતા. જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ (Health workers) રાજ્યવ્યાપી હડતાળ પાડી ગત 27મી ફેબ્રુઆરી અને ગત 25મી ડિસેમ્બર-2019માં જડબેસલાક કાર્યક્રમ આપી લડત લડ્યા હતા. જેના પ્રત્યાઘાત રૂપે સરકારે તેમની પડતર માંગણી અંગે સકારાત્મક વલણ અપનાવી તબક્કાવાર નિરાકરણ લાવવા માટે બાંયધરી આપી હતી. પરંતુ સરકારે આપેલી બાંયધરીનો યોગ્ય પ્રતિસાદ નહી આપી તેમની માંગણી અંગે કોઇપણ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. જેથી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઊતરી જતાં કોરોના વેક્સિનની તડામાર તૈયારીને અસર પહોંચવાની શક્યતા વધી ગઇ છે.

માંગ નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું : યોગેશ પટેલ
નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા આપેલા સૂચન મુજબ આજથી આરોગ્ય વિભાગના વર્ગ-3ના 714 કર્મચારી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. અને સરકાર દ્વારા ગ્રેડ-પેના વધારા સાથેની માંગો ન સ્વીકારે ત્યાં સુધી જિલ્લામાં હડતાળ ચાલુ રાખીશું. જેને લઇને મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

કર્મચારીઓ વેકસીનશન કરાવશે નહીં, અને કાર્યક્રમમાં જોડાશે નહિ : પ્રમુખ કેતન પટેલ
ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમ અંગેનો પ્લાન, અને કોવિડ.19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન આરોગ્ય કર્મચારીઓ વેકસીનશન કરાવશે પણ નહીં, અને કાર્યક્રમમાં પણ જોડાશે નહિ તેમ વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું.

સરકાર દ્વારા જે આદેશ મળશે તે મુજબ કાર્યવાહી કરાશે
વલસાડ જિલ્લાના સી.ડી.એચ.ઓ ડો.અનિલ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. શુ વેકસીનેશન કાર્યક્રમમાં અસર પહોંચશે તે અંગે તેમણે જણાવ્યું કે સરકાર અને વિભાગ દ્વારા જે આદેશ મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top