Business

હરિ તારાં ગુણ છે હજાર..

કૃષ્ણ એ કંઈ ઐતહાસિક પાત્ર થોડું છે? તે ભારતીય પ્રજાના DNAમાં ઊતરી ગયેલો અંડર કરંટ પાવર સોર્સ છે. ભગવાન કૃષ્ણે  તેમના જીવનમાં આવતા દરેક સંબંધ સાચવી જાણ્યા છે. પછી તે મિત્રતાનો સંબંધ હોય કે પછી પ્રેમી, પતિ, પુત્રનો સબંધ હોય- તેમણે દરેક સંબંધને જીવની જેમ જાળવી રાખ્યો છે. શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં દરેક સંબંધ ખૂબ જ સહજતા અને સારી રીતે નિભાવ્યા છે. કૃષ્ણના જીવનમાં જેટલી વિવિધતા અને શીખ છે એટલી કોઈનામાં નથી. કૃષ્ણનું બાળપણ શ્રેષ્ઠ બાળપણનો બેજોડ નમૂનો છે. કૃષ્ણની કિશોરાવસ્થા કદંબની ડાળી પર ઝૂલા ખાવા જેવી આનંદમય છે, એમની યુવાની રોમાન્સનું રજવાડું અને પ્રેમની શાશ્વતતાનો સમન્વય છે.

કૃષ્ણ મૈત્રીની સુંગંધ છે. તેઓ સંસારમાં ઊતરે ત્યારે કર્મ અને ધર્મના મેનેજમેન્ટ નિષ્ણાત બની જાય છે અને  રણમેદાનમાં ઊતરે ત્યારે ‘યુધ્ધત્વ’ સાથે ‘બુધ્ધત્વ’નો પણ પરિચય કરાવે છે. જીવનની એક એક ક્ષણે આદર્શ ઉદાહરણ પૂરું પાડતા ભગવાન શ્રીકૃષ્ણે ઘણાના જીવનમાં ફિલોસોફર અને ગુરુનું સ્થાન લઈ લીધું છે. તેમની ગીતાના ગુણ લોકોએ પણ તેમના જીવનમાં ઉતાર્યા છે.  તો આજના આ અંકમાં જાણીએ કે સુરતીઓએ ‘મેનેજમેન્ટ ગુરુ’, ‘લવ ગુરુ’, ‘ફેમિલી ફિલોસોફર’, ‘વર્ક આઈડોલ’ અને ‘બિઝનેસ બાદશાહ’ એવા શ્રીકૃષ્ણના કયા ગુણોને પોતાના પથદર્શક બનાવ્યા છે?

કૃષ્ણ એક સાચા  પથદર્શક છે – નરહરિ

17 વર્ષીય નરહરી હાલ ધો. 12માં અભ્યાસ કરે છે. ભગવાન કૃષ્ણની નીતિ અને ધર્મને હું ફોલો કરું છું. અસત્ય સામે લડવું અને સત્યને ઉજાગર કરવું તે મારું એક માત્ર કર્તવ્ય છે. કોઈ પણ પરિસ્થિતિમાં મનને શાંત રાખવું તે હું કૃષ્ણ પાસેથી શીખ્યો છું. કૃષ્ણ હંમેશાં મારા પથદર્શક રહ્યા છે. મુશ્કેલીના સમયમાં તેમણે હંમેશાં મારી આંગળી પકડી છે અને મને સાચો રાહ બતાવ્યો છે.  મને તેણે જે નથી આપ્યું તેના વિશે મેં તેમને ક્યારેય ફરિયાદ નથી કરી કારણ કે તેમણે મને એવું ઘણું આપી દીધું છે કે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

પ્રેમ કઈ કીતે કરવો તે કૃષ્ણ શિખવે છે – રીટા ત્રિવેદી

63 વર્ષીય રીટા ત્રિવેદી એમટીબી આર્ટ કોલેજેમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. તેમણે કૃષ્ણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કૃષ્ણ લાઈફમેનેજમેન્ટના વાહક હતા. જિંદગીના કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રશ્ન હોય કૃષ્ણે ખૂબ જ સહજતાથી તેનું નિરાકરણ આપ્યું છે. જો તમારે જીતવું હોય તો કૃષ્ણ પાસેથી શિખવું પડે. તમારો ચહેરો હંમેશાં હસતો રાખવો પડે. ભારતીયો ખૂબ ખુશનસીબ છે કે તેમની પાસે કૃષ્ણ છે. હું કૃષ્ણ પાસેથી પ્રેમ કરતા શીખી છું. તમામ માનવમાત્રને પ્રેમ. કૃષ્ણના પ્રેમમાં ક્યારેય વાસના નહોતી. ઘણા લોકો કૃષ્ણને ભોગી કહે છે પણ તેમનો પ્રેમ પવિત્ર હતો. જો તમે કૃષ્ણ સાથે પ્રેમમાં હશો તો તમારી આસપાસ પ્રેમની વાંસળી વાગ્યા જ કરશે.

કૃષ્ણ મારા લાઈફ મેનેજમેન્ટ કોચ છે – નરેશ શુક્લા

49 વર્ષીય નરેશ શુક્લ ગુજરાતી વિષયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે કૃષ્ણે આપણને પ્રેમ કરતા શીખવ્યું પછી ભલે તે માને હોય, બાળકને હોય, પ્રેયસીને હોય કે વડીલોને. જેણે જેણે તેને પ્રેમ કર્યો તેને તેને તેણે ગળે લગાડ્યા, જેણે ન કર્યો તેને તેમ કરવા મજબૂર કર્યા. મિત્રભાવે કે શત્રુભાવે કૃષ્ણથી દૂર ન રહી શકાય. તેણે મિત્ર માટે બધું દાવ પર લગાડી દેવાનું શીખવ્યું. તેણે જીવન જીવવાની ગોપિત હતી તેવી ચાવીઓ ચીંધી ફિલોસોફી આપી. રાજકીય આટાપાટાથી માંડી જીવનના તડકાછાંયડા સમજીને તટસ્થ કેમ રહેવું તે શીખવ્યું. સ્ત્રીસન્માન, વડીલનો આદર અને જરૂર પડ્યે ઊથલાવી નાખવાનો માર્ગ પણ ચિંધ્યો. તેના જીવનમાં શું નથી? કૃષ્ણે બાળપણથી શરૂ કરી અંતની ક્ષણ સુધી જીવનને રચનાત્મક માર્ગે વાળી એક સામાન્ય ગોપ તરીકે શરૂ કરેલું જીવન માત્ર ભારત જ નહીં મહાભારતના સંચાલક તરીકે હયાતીમાં જ સર્જી બતાવ્યું. તે પછી પણ પાંચ હજાર વર્ષથી દેશના એક એક માનવને કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ ચીંધે એટલે કૃષ્ણ. કૃષ્ણ પાસેથી હું મારા વ્યક્તિગત જીવન અને સામાન્ય જીવનને બેલેન્સ કરતા શીખ્યો છું. મારા લાઈફ મેનેજમેન્ટના ગુરુ કહી શકાય તો તે કૃષ્ણ છે.

દરેક પરિસ્થિતોનો સ્વીકાર કરતા હું કૃષ્ણ પાસેથી શીખી છું – ડો. કીર્તિ માટલીવાળા

42 વર્ષીય ડો. કીર્તિ માટલીવાળા કાઉન્સેલર છે. તેમણે કૃષ્ણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારી દષ્ટિએ કૃષ્ણ એ પ્રેમ છે, ચેતના છે, જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલ છે. તેની હાજરી આંખ બંધ કરીને અને ખુલ્લી આંખે પણ અનુભવી શકાય છે. કૃષ્ણ આપણી એટલો નજીક છે જેટલો આપણે તેને આવકારીયેએ છીએ. જો તેને મંદિર સુધી રાખીશું તો તે ત્યાં છે અને જો હૃદયમાં રાખશું તો તે શ્વાસોચ્છવાસમાં છે. કૃષ્ણ પાસેથી હું જીવન જીવતા શીખી છું. દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગળ વધતા શીખી છું. બદલાતી દરેક પરિસ્થિતિ સાથે સુમેળ સાધતા શીખી છું.

મિત્રતાનો ગુણ હું કૃષ્ણ પાસેથી શીખી છું – કુસુમ મહેતા

35 વર્ષીય કુસુમ મહેતા બિઝનેસ વુમન છે. તેમણે જણાવ્યું હતું કે કૃષ્ણ ભગવાનનો નીલો રંગ સૌથી પહેલું આકર્ષણનું કેન્દ્ર છે. કૃષ્ણ ભગવાન એક ખૂબ સારા મિત્ર હતા. તેમની પાસેથી હું મિત્રતા કઈ રીતે નિભાવવી તે શીખી છું. ચાહે મિત્ર ગરીબ હોય કે ધનવાન, મિત્ર મિત્ર હોય છે. સ્વાર્થના ભાવ સાથે ક્યારેય મિત્રતા ન થઈ શકે. આજે ભારતીયો સાથે ફોરેનર્સ પણ કૃષ્ણની લીલામાં મગ્ન થઈ જાય છે. કૃષ્ણ એક શક્તિ છે જે હરહંમેશ તમારી સાથે અડીખમ રહે છે. તેમનો મિત્રતાનો ગુણ મેં મારા જીવનમાં ઉતાર્યો છે અને એક મિત્ર તરીકેના સંબંધમાં હું સફળ નિવડી છું.

કૃષ્ણ પાસેથી અધર્મ અને અસત્ય સામે લડવાની પ્રેરણા મળે છે – શરીફા વીજળીવાળા

60 વર્ષીય શરીફા વિજળીવાળા નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં હાલ હેડ તરીકે ફરજ બજાવે છે. તેઓ લેખિકા પણ છે. તેમણે જણાવ્યું હતું કે મને કૃષ્ણનો મૈત્રીભાવ અને હળવાશ ખૂબ ગમે છે. કિશોરલાલ મશરૂવાળા કહે છે કે કૃષ્ણના ખભે હાથ મૂકીને હૈયું હળવું કરી શકાય. મને કૃષ્ણ બાબતે સૌથી વધારે ગમતી વાત એ છે કે તેઓ અધર્મ અને અસત્ય સામે લડવાની પ્રેરણા આપે છે. આ બાબતે કૃષ્ણ નાનપણથી મારા આદર્શ છે. સમાધાન નહીં પણ લડીને ઉકેલ લાવવાની રીત મને ગમે છે. બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈ જતા ધર્મની કૃષ્ણ ક્યારેય તરફેણ ન કરે. એ તો કર્મ અને ધર્મમાં માનનારો. ફળની આશા રાખ્યા વગર ઉત્તમ રીતે પોતાનું કાર્ય કરવું તે કૃષ્ણ શીખવે છે. કૃષ્ણ મને વર્તમાનમાં જીવતા શીખવે છે.

આપણે જાણ્યું કે શ્રીકૃષ્ણ પાસેથી સંબંધ કેવી રીતે નિભાવવા જોઈએ તે શીખવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા બાળપણથી આપણને એટલા માટે ભણાવાય છે કે આપણે સંબંધની કદર કરીએ અને મિત્રો માટે કંઈ પણ કરવા તૈયાર રહીએ.  કૃષ્ણના ઘણા બધા પ્રશંસકો એને પ્રેમ કરનારા હતા પરંતુ વૃંદાવનમાં રાધા પ્રત્યે તેમનો પ્રેમ જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યયો. આજના પ્રેમીઓને શ્રીકૃષ્ણના પ્રેમ અને પ્રેમિકાઓ પ્રત્યે સન્માન આપવા બાબતે ઘણું બધું શીખવા મળે છે.  ભલે શ્રીકૃષ્ણ દેવકી તથા વાસુદેવના પુત્ર કહેવાતા હતા પરંતુ તેમનું પાલન-પોષણ યશોદા તથા નંદે કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણે દેવકી તથા યશોદા બંને માતાને પોતાના જીવનમાં બરાબરનું સ્થાન આપ્યું અને બંને પ્રત્યેના કર્તવ્યોને સારી રીતે નિભાવ્યા. આ રીતે કૃષ્ણે દુનિયાને શીખવાડ્યું કે આપણા જીવનમાં માતા-પિતાનો રોલ મહત્ત્વનો છે. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણે ગુરુ તરીકે પાંડવોને સાથ આપ્યો હતો. શ્રી કૃષ્મએ જે કંઈ પણ કર્યું તે સત્ય અને ન્યાયને ઉજાગર કરવા કર્યું છે. પાંડવોની જીતમાં શ્રીકૃષ્ણની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.આથી શ્રીકૃષ્ણને એક સારા ગુરુ કહેવા ખોટું નહીં હોય.

Most Popular

To Top