Columns

ગુરુજીની સોનેરી સલાહ

એક દિવસ ગુરુજી પાસે બધા શિષ્યો આવ્યા અને વિનંતી કરી કે, ‘ગુરુજી, અમારો અભ્યાસ હવે પૂરો થશે અને અમે આશ્રમ છોડીને થોડા વખતમાં જઈશું. શું અમારે હજી કંઈ શીખવાનું બાકી છે.અમે જીવનમાં સદા સફળ થઈએ તે માટે અમને છેલ્લી સોનેરી સલાહ આપો.’  પોતાના બધા શિષ્યોની જિજ્ઞાસા જાણી ગુરુજીએ કહ્યું, ‘પહેલાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે અહીં શિક્ષણ પૂરું કરીને તમે જશો પછી જીવનમાં સફળતા મેળવવા શું કરશો.’ એક પછી એક ઉત્સાહી શિષ્યો જવાબ આપવા લાગ્યા.અમે મહેનત કરીશું.અમે પરિવાર વસાવશું.

અમે સારો કામધંધો શરૂ કરીશું.અમે સમાજ ઉપયોગી કાર્ય કરીશું.અમે બધાને સાથે લઈને ચાલીશું. ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ સારા છે, પણ આ જે જવાબ આપ્યા છે ત્યાં સુધી પહોંચવા શું કરવું પડશે તે અત્યારે જાણી લો અને ગાંઠ બાંધી લો.’ બધા શિષ્યો ગુરુજીને ધ્યાનથી સાંભળવા લાગ્યા.ગુરુજી બોલ્યા, ‘જુઓ અહીં તમારો અભ્યાસ પૂરો થશે એટલે તમે આશ્રમ છોડી જશો અને તમારો જીવનસંઘર્ષ શરૂ કરશો.સૌથી પહેલાં યાદ રાખજો, અહીં અભ્યાસ પૂરો થયો છે પણ જીવનમાં શીખવાનું અટક્યું નથી.

સતત તમારે નવું નવું જ્ઞાન મેળવતાં રહેવું પડશે.શીખતાં રહેવું પડશે.ભૂલ થશે.નુકસાન થશે, તેમાંથી પણ શીખીને આગળ વધતાં રહેવું પડશે.બીજું, જીવનમાં આગળ વધવું હશે તો સતત થાક્યા વિના મહેનત કરવી પડશે અને બીજા બધાથી આગળ ટોચ પર પહોંચવું હશે તો …માત્ર ટોચનાં સપનાંઓ જોવાથી નહિ ચાલે. ઊંઘને છોડીને સપનાંને સાચાં કરવા કામ કરતાં રહેવું પડશે.’ આગળ ગુરુજી બોલ્યા, ‘શું તમને ખબર છે તમને આગળ વધતાં કોણ અટકાવી શકે છે?’ શિષ્યો બોલ્યા ..

અમારા દુશ્મનો ..અમારા હિતશત્રુઓ  ગુરુજી બોલ્યા, ‘ના ,એ બધા સામે તો લડી લેવાશે, પણ તમને આગળ વધતાં અટકાવી શકે છે …તમારી આળસ …તમારું અજ્ઞાન …તમારો સ્વભાવ …માટે આળસથી હંમેશા દૂર રહીને મહેનત કરજો …અજ્ઞાનને દૂર કરવા સતત નવું શીખતાં રહેજો અને તમારો સ્વભાવ હંમેશા શાંત ..સરળ અને સમજદારીવાળો રાખજો અને સમજીને ક્રોધ ..લોભ..લાલચ અને અભિમાનથી દૂર રહેજો તો જીવનમાં તમને આગળ વધતાં કોઈ નહિ અટકાવી શકે.’ ગુરુજીએ જીવનના દરેક ડગલે અને પગલે કોઈ પણ સમયે કામ લાગે તેવી સોનેરી સલાહ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top