Columns

ગુરુજીએ માંગી ગુરુદક્ષિણા

એક દિવસ આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘આજે તમારામાંથી જે શિષ્યો છેલ્લા વર્ષમાં છે અને અભ્યાસ પૂરો કરીને બે દિવસ પછી આશ્રમ છોડીને જતા રહેશે તેમણે મને ગુરુદક્ષિણા આપવાની રહેશે.હું આજે તમને જણાવીશ કે ગુરુદક્ષિણામાં મને શું જોઈએ છે??’બધા શિષ્યો ગુરુજી શું માંગશે તે જાણવા આતુર બન્યા.ઘણાના મનમાં ચિંતા થી કે ગુરુજી માંગશે તે આપણે આપી શકીશું કે નહિ ..તો કોઈ વિચારવા લાગ્યા ગુરુજી જે માંગશે તેના કરતા બમણું તેમને આપશું… ગુરુજી બોલ્યા, ‘આજે હું મારા છેલ્લા વર્ષના શિષ્યો પાસે ગુરુદક્ષિણા માંગું છું અને ધ્યાનથી સાંભળજો કે મને ગુરુદક્ષિણામાં શું શું જોઈએ છે.અને બધું જ તમારે આપવું પડશે.’એક ઉત્સાહી શિષ્ય બોલ્યો, ‘હા હા ગુરુજી તમે માંગો અમે બધું જ હાજર કરી દેશું.’

ગુરુજીએ ગુરુદક્ષિણા માંગવાની શરૂઆત કરતા કહ્યું, ‘મને ગુરુદક્ષિણમાં જોઈએ છે તમારા બધાના મુખ પર એક સ્મિત ….અને એવો સંકલ્પ કે તમે રોજ વધુ નહિ પણ કોઈ એકના આંસુ લુછીને તેના મુખ પર સ્મિત લાવશો.’આ સાંભળી બધા શિષ્યોના મુખ પર સ્મિત આવ્યું અને બધાએ મનોમન નિશ્ચય કર્યો સ્મિત ફેલાવવાનો. ગુરુજીએ આગળ માંગ્યું, ‘મને તમેં આપી દો તમારા મનની નફરત …તમારા દિલમાં છુપાયેલો દ્વેષ અને મગજમાં રાખેલા પૂર્વગ્રહો….આ ત્રણ વસ્તુઓ મને હમણાં જ આપી દો.’બધા શિષ્યો ગુરુજીણી માંગણી સાંભળીને અવાચક થઈ ગયા.

એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આ શું આ તો તમે અમારી નકારાત્મકતા માંગી રહ્યા છો …જેનાથી અમારું કલ્યાણ છે પણ તમારા માટે શું લાવીએ??’ગુરુજી બોલ્યા, ‘જો તમારે મને ખુશ કરવો હોય તો મને મીઠાઈ ન આપતા મનમાં મીઠાસ ભરો ..વાણીમાં મીઠાસ ભરો …વર્તનમાં નમ્રતા રાખો અને મનમાં જો કોઈના પ્રતિ કડવાહટ હોય તો તે કડવાહટ મને ગુરુદક્ષિણામાં આપી દો.તમારા મનમાં તમારી આવડત અને જ્ઞાન પર જરા સરખું પણ અભિમાન હોય તો એ ન ભૂલતા કે આ બધું જ મેં તમને આપ્યું છે એટલે અભિમાન પર હક્ક મારો છે મનમાં ઉગતા અભિમાનને તમારે મને આપી દેવું પડશે.તમે મને ફૂલ આપવા માંગો છો…

તો મને આ છોડ પર ઝુલતા ફૂલો છોડ પર જ ગમે છે એટલે તેને તોડીને લાવતા નહિ …મને ભેટમાં આપો તમારા સેવાકાર્યના ફૂલો ..તન-મન-ધનથી કોઈની સેવા કરો અને તે સેવા કાર્યનું ફૂલ મને આપજો.આ બધું જ તમારે મને ગુરુદક્ષિણામાં આપવું જ પડશે.’ગુરુજીએ માંગેલી ગુરુદક્ષિણા સાંભળી બધા શિષ્યોની આંખોમાં આંસુ આવી ગયા.ગુરુજીએ સામેથી તેમના બધા અવગુણ ગુરુદક્ષિણામાં માંગી લીધા અને કલ્યાણના આશિષ આપ્યા.બધા શિષ્યોએ ગુરુજીને ગુરુદક્ષિણા આપવાનું વચન આપ્યું અને પોતાના આંસુઓથી તેમના ચરણ ધોયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top