Gujarat

ગુજરાતનાં અનોખા મતદાન મથકો: ક્યાંક છે ચારેબાજુ પાણી, તો ક્યાંક છે ગાઢ જંગલ

સુરત: ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચૂંટણી(Election)ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે તો બીજી તરફ ચૂંટણી પંચ(Election Commission) પણ દરેક સ્તરે લોકોને સુવિધા આપવા માટે કામ કરી રહ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ ત્રણ મતદાન મથકોને લઈને ભારે ચર્ચા જાગી છે. જેમાં ગીરના જંગલ( forest of Gir)માં એક મતદાન મથક બનાવવામાં આવશે, જ્યાં એક જ મતદાર હશે. તેમજ સમયે, શિયાળબેટ(ShialBet) ટાપુ પર પાણીની વચ્ચે બીજું મતદાન મથક બનાવવામાં આવશે. એ જ રીતે શિપ કન્ટેનરમાં એક મતદાન મથક બનાવવામાં આવશે, જ્યાં 200 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ કેવી રીતે થશે? પાણી વચ્ચે કેવી રીતે થશે મતદાનની પ્રક્રિયા? ચૂંટણી પંચના અધિકારીઓ ટાપુ પર કેવી રીતે પહોંચશે? ગીરના જંગલમાં કયા મતદાર માટે મતદાન મથક બનાવાશે? આવો જાણીએ….

ગીરના જંગલમાં માત્ર એક જ મતદાતા
દર વખતની જેમ આ વખતે પણ ગીરના જંગલમાં માત્ર એક જ મતદાર માટે મતદાન મથક બનાવાશે. આ મતદાન મથક જૂનાગઢ સ્થિત ગીરના જંગલના બનેજ નામના સ્થળે હશે. અહીં એક મંદિર છે. જેના પુજારીઓ જંગલમાં રહે છે. મતદાન મથક પણ આ જ પૂજારી માટે બનાવાયું છે. અહીં મતદાન માટે 15 અધિકારીઓની ટીમ મોકલવામાં આવશે. આ ટીમ સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બૂથ પર રહેશે. દેશનું આ એકમાત્ર મતદાન મથક છે જ્યાં માત્ર એક જ મતદાર પોતાનો મત આપે છે. 2002 થી અત્યાર સુધી, અહીંના પૂજારી ભરતદાસ દર્શનદાસ માટે આ મતદાન મથક બનાવતા હતા, પરંતુ 2019 માં તેમનું અવસાન થયું. હવે તેમનું સ્થાન મહંત હરિદાસે લીધું છે. આથી હવે આ મતદાન મથક મહંત હરિદાસ માટે ખાસ બનાવાશે. અહીં પ્રથમ તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

શિયાળબેટ ટાપુમાં કેવી રીતે થશે મતદાન?
ગુજરાતના અમરેલી જિલ્લામાં એક ટાપુ આવેલો છે. તેનું નામ શિયાળબેટ છે. અહીં કુલ 4,757 મત છે. આ ટાપુની ચારે બાજુ પાણી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચની ટીમને અહીં સુધી પહોંચવા માટે બોટનો સહારો લેવો પડશે. 2016માં જ આ ટાપુ પર પ્રથમ વખત વીજળી પૂરી પાડવામાં આવી હતી.

200 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં સેન્ટર બનાવવામાં આવશે
ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 200 થી વધુ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથકો બનાવવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવશે જેથી મતદાનના દિવસે તેમને લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. આ શિપિંગ કન્ટેનર એક હંગામી મતદાન મથક હશે જે ભરૂચ જિલ્લાના આલિયાબેટ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. આ વિસ્તાર જિલ્લાથી સાવ દૂર છે. આવી સ્થિતિમાં અહીંથી લોકોને શહેર તરફ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર વખતે અહીંના મતદારોએ મતદાન કરવા માટે 82 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું.

મતદારોની સુવિધા માટે શું શું?
મતદારોની સુવિધા માટે તમામ મતદાન સ્થળો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. મતદાન સ્થળે શૌચાલય, પીવાનું પાણી, યોગ્ય લાઇટિંગ, સાઈનેજ, રેમ્પ, વ્હીલ ચેર જેવી સુવિધાઓ હશે. મતદારોને મદદ કરવા માટે હેલ્પ ડેસ્ક, મતદાર સુવિધા કેન્દ્ર અને મતદાન સ્વયંસેવકો પણ મતદાન સ્થળે હાજર રહેશે. 33 મતદાન મથકો યુવા મતદાન કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ ચૂંટણીઓ માટે કુલ 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. તેમાંથી 17,506 શહેરી અને 34,276 ગ્રામીણ વિસ્તારોમાં હશે. દરેક મતદાન મથક પર સરેરાશ 948 લોકો મતદાન કરશે. લગભગ 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ચૂંટણી પંચ કુલ 51,782 મતદાન મથકોમાંથી 25,891 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરશે.

Most Popular

To Top