SURAT

એક જ વ્યક્તિમાં હૃદય અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની ગુજરાતની પહેલા ઘટના અમદાવાદમાં બની

સુરત: ડોનેટ લાઈફ (DonateLife) સંસ્થા દ્વારા સુરતથી એક જ દિવસે વધુ બે અંગદાન (OrganDonation) INS હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યા છે. બ્રેઈનડેડ પંકજ કુમાર ગોયલના પરિવારે પંકજ કુમારના હૃદય, ફેફસા, લિવર અને કિડની તેમજ બ્રેઈનડેડ ઉત્તમ દિનદયાળ ગુપ્તાના પરિવારે ઉત્તમના લિવર અને ચક્ષુંઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. આ સાથે જ ગુજરાતમાં હૃદય અને ફેફસાં એક જ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની સૌ પ્રથમ ઘટના હોવાનું નિલેશ માંડલેવાલાએ જણાવ્યું છે.

  • ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમબાઈન ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું

ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમબાઈન ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1050થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ કલકત્તાના રહેવાસી અને હાલમાં ફ્લેટ નં સી – 802, સ્તુતિ આઈકોન, સ્તુતિ હાઈલેન્ડની પાસે, પાલનપોર ગામ રોડ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. પંકજ કુમાર એસ્સાર ગ્રુપના ભાટપોરમાં આવેલા સીરોસ એનર્જી કંપનીમા CFO તરીકે ફરજ બજાવતા હતા.

તા. 5 જુલાઈ ના રોજ માથામાં દુ:ખાવો થતા અને શરીરમાં નબળાઈ લાગતા પરિવારજનો એ BAPS પ્રમુખસ્વામી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. CT સ્કેન અને MRI કરાવતા બ્રેઈનસ્ટ્રોક હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન પાસે લઈ ગયા હતા.

પંકજ કુમારની પત્ની શ્રૂતકિર્તીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો રાખ જ થઇ જશે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરવું એ મારા માટે પુણ્ય નું કામ છે.

પંકજ કુમાર (ઉં.વ. 46) ના પરિવારમાં તેમના પિતા હરીક્રિષ્ણ (ઉં.વ. 74) માતા પુષ્પાદેવી (ઉં.વ. 69) પત્ની શ્રૂતકિર્તી (ઉં.વ. 45) પુત્રી અદિત્રી (ઉં.વ. 13) છે. પુત્રી અદિત્રી હજીરામાં આવેલ એએમએનએસ(AMNS) ઈન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે

બીજા કિસ્સામાં રાજસ્થાનના રહેવાસી અને હાલમાં A-702, રામબાગ પેલેસ, પર્વત પાટિયા, ડુંભાલ, સુરત મુકામે રહેતા ઉત્તમ દીનદયાલ ગુપ્તા ઉ.વ. 31 કાપડ ટ્રેડીંગનો વ્યવસાય કરતા હતા. તા. 9 જુલાઈના રોજ સાંજે 6 કલાકે પોતાના ઘરની અગાસીમાંથી અકસ્માતે નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા.

પરિવારજનોએ તાત્કાલિક 108 મારફતે ઉતમભાઈને કિરણ હોસ્પિટલમા લઈ ગયા હતા. જ્યાં ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરાયા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં મલ્ટીપલ ફેકચર તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તા.12 જુલાઈના રોજ ડોક્ટરોની ટીમે ઉત્તમને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.

ઉત્તમના પિતા દીનદયાલે જણાવ્યું કે મારો પુત્ર બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે મારા પુત્રના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીને નવજીવન આપવા માટે આપ પણ આગળ વધો તેવી આશા રાખીએ છીએ. ઉત્તમના પરિવારમાં પિતા દીનદયાલ ઉ.વ. 61 જેઓ કાપડ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે અને અગ્રવાલ સમાજ પર્વત પાટિયાના ટ્રસ્ટી છે, માતા સંતોષ 60 વર્ષના છે.

બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય અને ફેફસા અમદાવાદની K.D હોસ્પિટલને, બે લિવર માંથી એક લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજુ લિવર સુરતની કિરણ હોસ્પિટલને અને બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલને ફાળવવામાં આવી હતી.

હૃદય અને ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડૉ. મહેશ, ડૉ. પ્રદિપ ડાભી, ડૉ. રીતેશ પટેલ, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ. અંકુર વાગડિયા ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોષી, રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. બીજા લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. પ્રશાંથ રાવ, ડૉ. મિતુલ શાહ, ડૉ. રુચિ ઝવેરીએ સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું હતું.

સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 286 કિલો મીટરનું અંતર 110 મીનીટમાં હવાઈ માર્ગે કાપીને ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમબાઈન ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી, ઉ.વ. 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલા બે લિવર માંથી એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઉ.વ 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉ.વ. 57 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કિરણ હોસ્પીટલમાં કરવામાં આવશે.

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ અડતાળીસમી અને ફેફસાના દાન કરાવવાની ઓગણીસમી ઘટના છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. પંકજ કુમાર ગોયલ ઉ.વ. 36 અને સ્વ. ઉત્તમ દીનદયાલ ગુપ્તા ઉ.વ. 31 ની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1150 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 474 કિડની, 205 લિવર, 48 હૃદય, 38 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 372 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1055 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Most Popular

To Top