Comments

કોરોનામાં ગુજરાતનો આર્થિક વિકાસ ‘વેન્ટિલેટર’ પર છે?

કોરોના મહામારીએ એના અજગર ભરડામાં એક બે દેશ નહિ આખા વિશ્વને લીધું છે. કોરોનામાં માત્ર વ્યક્તિ શારીરિક નહિ પણ માનસિક,આર્થિક રીતે પણ હવે ભાંગી રહ્યો છે.સરકાર કોરોનામાંથી લોકોને બેઠા કરવાની, અર્થતંત્રને બેઠા કરવાની અનેક દવાઓ આપી હોવાનો દાવો કરે છે. આર્થિક પેકેજના ઓક્સિજન આપે છે ત્યારે પ્રશ્ન એટલો છે કે જો હવે ત્રીજી લહેર આવી તો શું ગુજરાતનું વિકાસ મોડેલ ટકી શકશે ખરું? શું ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાતની આર્થિક સ્થિતિ તૈયાર છે ખરી?આજે ગુજરાતની આર્થિક સ્થિતિ એટલે પણ મહત્ત્વની બની જાય છે કેમકે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે અને કોરોનાની બે લહેરનો સામનો કર્યા પછી રાજ્યના ઉદ્યોગો અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના મહત્ત્વના ગણાય તેવા ટેક્ષ્ટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, સિરામિક અને બાંધકામ જેવા ઉદ્યોગને કોરોનાએ વિપરીત અસર કરી છે.

ગુજરાત ભારતનું કોટન ટેક્ષ્ટાઇલ હબ છે. અમદાવાદ અને સુરત સમગ્ર દેશમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગળ પડતું છે પરંતુ કોરોના મહામારીના કારણે આ ઉદ્યોગ ગંભીર સંકટમાં છે. અમદાવાદ સમગ્ર દેશનું સૌથી મોટું ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ હબ છે અને શહેરમાં નાના-મોટા લગભગ 800 થી વધારે પ્રોસેસ હાઉસ છે, જે દૈનિક લગભગ 2 કરોડ મીટર કાપડને પ્રોસેસ કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. ટેક્ષ્ટાઇલ સેક્ટર મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે અને રોજગારી આપવાના મામલે રાજ્યમાં કૃષિ અને બાંધકામ ક્ષેત્ર બાદ ત્રીજો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેટિંગ યુનિટો તથા હોલસેલ બજાર એમ ટેક્ષ્ટાઇલની સંપૂર્ણ વેલ્યૂચેઇન છે અને કોરોનાના કારણે આ તમામ સેગમેન્ટને વ્યાપક અસર થઇ છે.

કોરોના વાયરસની બીજી લહેરથી ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થતાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને અસર થઈ છે. ઓછી માંગ અને યાર્નના ઊંચા ભાવના કારણે ગુજરાતમાં લગભગ 50 ટકા પાવરલૂમ બંધ થઈ જતાં 10,000 થી વધુ કામદારોની રોજગારી પર સંકટ ઊભું થયું હોવાનું અનુમાન છે. રાજ્યમાં કેમિકલ્સ ઉદ્યોગ પર કોરોના મહામારીએ વ્યાપક અસર કરી છે. રાજ્યમાં લગભગ 1500 થી વધારે ડાઇઝ, ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ યુનિટો છે અને આ યુનિટો લગભગ 2 લાખ જેટલાં લોકોને સીધી રોજગારી આપે છે. પ્રથમ લહેર વખતે લોકડાઉનના પગલે મોટા ભાગના પરપ્રાંતીય કામદારો વતન પરત ફરી ગયા હતા પરંતુ બીજી લહેર વખતે મોટા ભાગના કામદારો હાજર હતા, પણ વૈશ્વિક માંગ અને સપ્લાય ઓછો હોવાને કારણે પૂરતું કામ તેમને મળ્યું નથી એવામાં જો ત્રીજી લહેર આવી તો ધંધો એકદમ બેસી જશે.

કોરોના મહામારીની સૌથી ગંભીર અસર સોના ચાંદીના વેપારને થઇ. ગુજરાત સોના અને ચાંદીના દાગીના મામલે દેશનું અગ્રણી રાજ્ય છે જ્યારે હીરાના કટિંગ-પોલિશિંગ માટે સુરત સમગ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. કોરોના મહામારીના કારણે પ્રથમ તબક્કામાં જ સોની બજાર માટે માઠા દિવસો શરૂ થઇ ગયા હતા. રાજ્યમાં સોના-ચાંદીનાં ઘરેણાં બનાવતા લગભગ દોઢથી બે લાખ કારીગરો હતા પરંતુ પ્રથમ વેવ બાદ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને બીજી તરફ, લોકોની આવક ઘટી હતી તેથી દાગીનાની માંગ તળિયે પહોંચી હતી.પ્રથમ લહેરમાં અમદાવાદમાં અંદાજે 25,000 કારીગરો બેકાર બન્યાં હતાં. બીજી લહેરમાં પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન થયું છે. લગ્નો સાદાઇથી યોજાઇ રહ્યાં છે ત્યારે મોટા ઘરેણાંનું વેચાણ નહિવત્ છે.

ગુજરાતના ટુર્સ ઓપરેટરોને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભલે ઓછું થયું પરંતુ કોરોના અને લૉકડાઉનના કારણે અનેક ધંધા-રોજગારની કમર તોડી નાખી છે. અમદાવાદની 1200 બસોમાંથી 1 હજારથી વધુ બસો હજુ પણ બંધ સ્થિતિમાં છે. અમદાવાદમાં 1 હજારથી વધુ બસ ધૂળ ખાઈ રહી છે. લોકડાઉનના કારણે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીજી બાજુ ડીઝલના ભાવ પણ 94 ની આસપાસ પહોંચ્યા છે ત્યારે ડીઝલના ભાવ વધતા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વાઈરસના કારણે ગુજરાતના ટુરીઝમ ઉદ્યોગને કરોડનો ફટકો પડ્યો છે.આગામી સમયમાં હજુ પણ ગુજરાતના ટુર-ટ્રાવેલ્સ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને હજુ પણ વધુ નુકસાન થવાની દહેશત છે.

કોરોનાની પ્રથમ લહેર વખતે જ ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં મોટું નુકસાન થયું હતું. લોકડાઉનના કારણે વર્ષ 2020 ના સમર વેકેશનની સમગ્ર સિઝન નિષ્ફળ ગઇ હતી અને ત્યાર બાદ પણ લોકોમાં ગભરાટ હતો તેથી ટુરિઝમ સેક્ટરમાં મંદીનો માહોલ હતો. ગયા નાણાંકીય વર્ષમાં બિઝનેસમાં લગભગ 95 ટકા નુકસાન હતું. જો કે, ડિસેમ્બર બાદ ટ્રાવેલ માટે ઇન્ક્વાયરી વધી હતી અને બુકિંગ પણ શરૂ થયા હતા પરંતુ એપ્રિલ મહિનામાં બીજી લહેરના કારણે બુકિંગ કેન્સલ થયાં હતાં. રાજ્યમાં 50,000 જેટલાં લોકો ટિકિટ એજન્ટ તરીકે જ સક્રિય હતા તે તમામ લગભગ બેકાર બન્યા છે કારણ કે લોકો હજુ પણ લાંબા અંતરના પ્રવાસ ટાળી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટ્સે પણ અનેક લોકોની છટણી કરી છે.

કોરોના મહામારીએ રાજ્યમાં ફુડ ઇન્ડસ્ટ્રીને સૌથી ગંભીર ફટકો માર્યો છે. રાજ્યમાં લગભગ 30-40 ટકા જેટલી રેસ્ટોરન્ટ્સ બંધ થઇ ગઇ છે અને તેના કારણે પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2.40 લાખ લોકો બેરોજગાર બન્યાં છે. કોરોનાના પ્રથમ વેવ કરતાં બીજી લહેર વધારે ગંભીર સાબિત થઇ છે અને તેના કારણે રેસ્ટોરન્ટ્સના રિવાઇવલ માટે પણ વધારે પડકારો છે ત્યારે આ સેક્ટર સરકાર દ્વારા મજબૂત સહકારની અપેક્ષા રાખે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ 30,000 જેટલાં રેસ્ટોરન્ટ્સ છે તેમાંથી 12,000 જેટલાં બંધ થઇ ગયાં છે અને તેના કારણે તેમાં કામ કરતાં લગભગ 2.40 લાખ લોકો બેકાર બન્યાં છે. રાજ્યમાં બીજી 6,000 જેટલી રેસ્ટોરન્ટ્સ એવી છે જેના માલિકોએ હજુ રેસ્ટોરન્ટ્સ ફરી ચાલુ કરી નથી અને સરકારની સ્પષ્ટ નીતિની રાહમાં છે.

કૃષિ,બાંધકામ,જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેટિંગ, સોના ચાંદી, કેમિકલ,ટુર ઓપરેટિંગ અને એવા અનેક વ્યવસાયો છે જેમાં ગુજરાત માત્ર ભારતને જ નહિ, આખા વિશ્વના લોકોને રોજગારી પૂરું પાડતું હતું,કોરોનાની બે લહેરે આ બધા જ ઉદ્યોગોને વેન્ટિલેટર પર મૂકી દીધા છે.આવા સમયે જો સરકાર યોગ્ય આર્થિક પગલાં નહિ ભરે અને ત્રીજી લહેર આવી ગઈ તો ગુજરાતનું આર્થિક મોડેલ ભગવાન ભરોસે થઇ જશે!           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top