Gujarat

ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ, ભારે પવન સાથે માવઠાની આગાહી, અહીં થશે ભારે વરસાદ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં હવામાનમાં જોરદાર પલ્ટો આવશે, એટલું જ નહીં આગામી તા. 25થી 27મી નવે. દરમ્યાન માવઠાની વકી રહેલી છે. ગુજરાત સહિત દેશભરમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત પણ થઈ ચુકી છે. એવામાં પાછું વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • આવતીકાલથી ત્રણ દિવસ ગાજવીજ, ભારે પવન સાથે માવઠાની આગાહી
  • હિમાલય ક્ષેત્રમાં સર્જાયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પશ્ચિમ ભારતના વાતાવરણમાં પલટો આવશે
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ પાણી ખાબકવાની વકી

હવામાન વિભાગ અનુસાર, 23 નવેમ્બરના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરી શકે છે. હાલમાં ખૂબ જ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. આવી સ્થિતિમાં, 24થી 27મી નવેમ્બરની આસપાસ પશ્ચિમ ભારતના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર સાથે માવઠાની વકી રહેલી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શુક્રવારથી માવઠાનું અનુમાન છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે શુક્રવારથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 24મીએ વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 25 થી 27 નવેમ્બર દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેંદ્રનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતવરણ તેમજ હળવા વરસાદની આગાહી છે.

Most Popular

To Top