Gujarat

પહેલાં રાઉન્ડમાં જ મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, જુનાગઢમાં 10.5 ઈંચ વરસાદ, અનેક ડેમ છલકાયા

અમદાવાદ: ચોમાસાના પહેલાં રાઉન્ડમાં જ મેઘરાજાએ આખાય રાજ્યમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં છેલ્લાં બે-ત્રણ દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે રાજ્યના અનેક ડેમ છલકાઈ ગયા છે. જૂનાગઢ અને સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો સાથે મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પહેલા જ વરસાદમાં સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું છે. જાણકારી મુજબ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 22.90 ટકા વરસાદ થયો છે. ચાર દિવસ ભારે વરસાદની આગાહી પછી 3 જુલાઈથી વરસાદનુ જોર ઘટવાની શક્યતા છે. 

જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં 5 ગામનો સંપર્ક તૂટ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 2 ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં સવારે 6થી 10 સુધીમાં 168 મીમી વરસાદ નોઁધાયો છે.

પહેલા વરસાદમાં જ આ ડેમો છલકાયા
આ સાથે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ડેમોમાં પણ નવા નીર આવ્યા હતા. જો કે પ્રથમ વરસાદમાં જ રાજકોટ જિલ્લાનો ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ ઓવરફલો થઈ રહ્યો છે. સુરવો ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ જતાં 355 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે. રાજકોટનો વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 80% ભરાઈ ગયો છે. જ્યારે મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સમાં સીડીનો ભાગ ધરાશાયી થયો
અમદાવાદમાં આજે શુક્રવારે ગોમતીપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સમાં સીડીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી તેમજ ફાયરબ્રિગેડની ટીમે ફુલ 26 જેટલા લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.

સિંહોએ પણ વરસાદની મજા લેવા લટાર મારી
અમરેલી જિલ્લામાં મેધપધરામણીથી ગરમીથી રાહત મળી હતી. આવા ખુશનુમા માહોલમાં રાત્રિના સમયે સિંહ પરિવારે રાજુલાના કોવાયા ગામમાં મજા માણી હતી. 5 જેટલા સિંહો ખુલ્લામાં લટાર મારવા નીકળ્યા હતા.

Most Popular

To Top