Comments

ગુજરાત માનવ અધિકાર સંમેલન

આર્થિક પ્રગતિએ માનવ જાત માટે જેટલા લાભ ઊભા કર્યા છે એટલું નુકસાન પણ કર્યું છે. અર્થશાસ્ત્રનો પાયો જ એ સિધ્ધાંત પર છે કે કદી તૃપ્ત ન થતી માનવ જરૂરિયાતોને સંતોષવા માટે સંસાધનો મર્યાદિત હોવાના કારણે કોઈ એક માંગ સંતોષવા માટે તેનો ઉપયોગ થાય તો તે બીજાના ભોગે થાય છે. માણસ મૂળભૂત રીતે સ્વાર્થી જીવ છે. પોતાના અંગત સ્વાર્થ માટે તે બાકીના માણસની તેમજ અન્ય જીવની પરવાહ કરતો નથી. યુનાઈટેડ નેશન્સે એટલે જ 1945માં માનવ અધિકાર ચાર્ટરની ઘોષણા કરી જેના અમલ માટેની પ્રતિબધ્ધતા સભ્ય દેશો પાસે અપેક્ષિત છે. જોકે, સૌ કોઈ જાણે છે કે તેમ તાકાતવાર અને વંચિત વર્ગ વચ્ચેના સંઘર્ષમાં તાકાતવાર વર્ગનો હાથ ઉપર રહે છે અને સામાન્ય માણસ અસ્તિત્વ ટકાવી રાખવા રોજેરોજ સંઘર્ષ કરતો રહે છે. ગુજરાતના વિકાસનું મોડેલ પણ આમાં અપવાદ નથી.

આથી, ‘લોકોની, લોકો માટેની અને લોકો વડે ચાલતી’લોકશાહીમાં લોકોના અધિકારોને વાચા આપવા 75માં ગણતંત્ર દિવસથી શરૂ કરી અમદાવાદમાં 3 દિવસ માટે ગુજરાત માનવ અધિકાર સંમેલન યોજાયું, જ્યાં રાજયભરમાંથી અલગ અલગ સમુદાયોમાથી લોકો ભેગા થયા અને રાજ્યમાં માનવ અધિકારોની સ્થિતિ અંગે નિસ્બત સભર ચર્ચા કરી. આવી ચર્ચા થવી અને એ પ્રત્યે લોકોનું અને શાસકોનું ધ્યાન દોરવું જરૂરી છે કારણકે, કેટલાંક પ્રશ્નો એવા છે જે આઝાદીથી શરૂ કરી આજ સુધી ચર્ચાતા રહ્યાં છે, એ અંગે કાયદા બન્યા પણ છે છતાં પ્રશાસનના ઉદાસીન અભિગમને કારણે અને પેચીદી સામાજિક વ્યવસ્થાને કારણે યોગ્ય અમલ થતો નથી અને હજુ પણ એક મોટા વર્ગના નાગરિકોના માનવ અધિકારોનું હનન થતું રહે છે. દા.ત. આજે પણ દલિત બંધુઓ રોજિંદા જીવનમાં 68થી પણ વધુ પ્રકારે ભેદભાવનો અનુભવ કરે છે. આદિવાસી સમુદાયોએ જંગલની જમીન ખેડવા મળે એ માટે છતે કાયદે સંઘર્ષ કરવો પડે છે.

વર્ષોના સંઘર્ષની ફળશ્રુતિ સમાન લઘુત્તમ વેતન તેમજ સમાજિક સુરક્ષાના કાયદા આવ્યા, છતાં શેરડીના ખેતરમાં કામ કરતાં કે ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂરો માટે સિફતતાથી આ કાયદાનું ઉલ્લંઘન ચાલુ જ છે. બાંધકામના સ્થળે થતાં અકસ્માતનું પ્રમાણ ઊંચું હતું અને રહ્યું છે. અકસ્માતમાં ઇજા પામનાર કે મૃત્યુ પામનારની સમાજિક સુરક્ષાના અમલમાં પ્રશ્નો છે. મજદૂર કાયદા સંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓને રક્ષણ આપે છે પણ પાછલા 3 દાયકાથી સંગઠિત ક્ષેત્રમાં ઊભી થતી રોજગારીનું પ્રમાણ ઘટીને 5%થી પણ નીચે ગયું છે. બાકીના 95% શ્રમિકો તો કાયદાના દાયરાની જ બહાર છે. સ્ત્રીઓ અને બાળકો સામેની હિંસા પણ નવા નથી પણ બદલાતા આર્થિક- સામાજિક માળખામાં તેનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.

આ સિવાય વિકાસની જે તરાહ ઊભી થઈ છે તેણે નવા પ્રશ્નો ઉમેર્યા છે. ઔદ્યોગિક વિકાસને અનુકૂળ બનવા જે કાયદાઓ, અધિનિયમો કે નિયમો આવ્યા એનાથી ઉદ્યોગોને તો ફાયદો થયો પણ પર્યાવરણના ભોગે. આબોહવામાં આવેલું પરિવર્તન જે ખોફ ફેલાવે છે એનો થોડાં વર્ષોથી આપણે અનુભવ કરી જ રહ્યા છીએ. પ્રકૃતિ આધારિત આજીવિકાના સાધનો પર આની ખૂબ ઊંડી અને દૂરોગામી અસર પડી છે. જે લોકોના ગરિમા પૂર્ણ આજીવિકા મેળવાના અધિકાર પર તરાપ મારે છે અને વંચિતતાની નવી સાયકલ ઊભી કરે છે. સરકાર તરફ્થી મળતા નાના -મોટા વળતરથી જેને સુધારી શકાય એમ નથી. આજની આર્થિક વ્યવસ્થા અસમાનતાના પાયા પર જ ઊભેલી છે. દિન પ્રતિદિન આવક અને સંસાધનોની વહેંચણીમાં અસમાનતા વધતી જાય છે ત્યારે પ્રકૃતિનું વધુને વધુ શોષણ કરી આર્થિક વિકાસને વધારતી નીતિઓ અમલમાં આવતી જ જાય છે.

આર્થિક કાર્યક્ષમતાની એક સંકુચિત સમજ તેનો પાયો છે જેમાં માત્ર ઉત્પાદનના વધારાને ગણતરીમાં લેવામાં આવે છે પણ સામે જળ, જંગલ અને જમીનને થઈ રહેલા નુકસાન અને એની પર નભતા અર્થતંત્રની મરણ પથારીને ગણતરીમાં લેવાનું ચુકાઈ જાય છે. માણસે સદીઓના અનુભવે કેળવેલી પ્રકૃતિ અંગેની સમજણ પ્રસ્તુતતા જ નથી બચી ત્યારે એવો પ્રશ્ન થાય કે શું વિશ્વભરના તાકાતવાર લોકો માટે સામાન્ય માણસનું અસ્તિત્વ જ અપ્રસ્તુત નથી બની રહ્યુ ને? રાજકીય ફલક ઉપર લઘુમતી સમુદાયો પર થતી પ્રતાડના વધતા જતાં કિસ્સા તેમજ માનવ અધિકારને વાચા આપનાર નાગરિકોની કરવામાં આવતી હેરાનગતિ પણ લોકશાહી દેશમાં નાગરિક સમાજ માટે ચિંતાનો વિષય છે.

સમ્મેલનમાં મુખ્ય વક્તા તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ કોલીન ગોન્સાલ્વિસ, પ્રશાંત ભુષણ, મુંબઈ હાઈકોર્ટના વકીલ મિહિર દેસાઇ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવ, નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર તેમજ દેશના જાણીતા પર્યાવરણવિદ -કર્મશીલ વંદના શિવાએ પોતાના વક્તવ્ય આપ્યા. ગુજરાતમાં કામ કરતાં શિક્ષણ વિદો, વકીલો તેમજ ધરાતળે કામ કરતાં કર્મશીલોએ પોતાના કામ, અનુભવો અને વ્યથા રજૂ કરી. આજે જ્યારે રાજ્ય, દેશ અને દુનિયામાં સવાલ પૂછવાના, વિરોધ નોંધાવાના અને પોતાનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા જેવા મૂળભૂત નાગરિકી અધિકારો પર અનેક રીતે પ્રહારો થઈ રહ્યાં છે ત્યારે આ પ્રશ્નોને વાચા આપવા માટે આ સમ્મેલન અગત્યનું મંચ બની રહ્યું.
નેહા શાહ            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top