Gujarat

ગુજરાતમાં હજુ તાપમાન વધુ ગરમ હોવાથી ખેડૂતોને વિશેષ કાળજી લેવા સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સ્પે. એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

  • અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી સાવચેતી જરૂરી
  • ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને સાવચેતી રાખવા કૃષિ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી

દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.

રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે.

Most Popular

To Top