Gujarat

ચૂંટણી પહેલાં ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત

ગાંધીનગરઃ આ વર્ષે ભારે વરસાદને (Heavy Rain) કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.  રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. 

  • ર૦રર ની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની વેઠનારા ખેડૂતોની મદદ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
  • રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે
  • અંદાજે ૯.૧ર લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે
  • ૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી
  • ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે (Gujarat Government Announce Package For Farmers) જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.  તેમણે જણાવ્યું કે, આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ૩૩ ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ. ૩૦,૦૦૦ ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ.૧૩૫૦૦ પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટ માંથી વધારાની સહાય તરીકે રૂ.૧૬૫૦૦ પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો અનુસાર સહાયની ચુકવવાપાત્ર રકમ રૂ. ૪ હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ. ૪ હજારની સહાય ચુકવવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવેલો છે. આવા કિસ્સામાં SDRFમાંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચુકવવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચુકવવામાં આવશે. આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે. તેમ પણ રાઘવજી પટેલે ઉમેર્યું હતું. 

આ રીતે ખેડૂતો મેળવી શકશે સહાય
પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો  “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં તે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ કૃષિ મંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું. 

Most Popular

To Top