Gujarat

ગુજરાત સાયન્સ સિટી ખાતે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો આરંભ

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો (Global Fisheries Conference India 2023) આરંભ કરાવ્યો હતો.

  • ઈસરો નિર્મિત ટ્રાન્સ્પોન્ડર્સની મદદથી માછીમારો વધુ માછલી ધરાવતા વિસ્તારોને શોધી શકશે
  • રૂપાલા અને દાદાએ ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો આરંભ કરાવ્યો

ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ – વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ, પોલિસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે તેમજ મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.

આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે ‘વે ફોરવર્ડ’ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું. પાછલાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. માછીમારોને બોટ માટે પેટ્રોલ-ડીઝલ સબસીડી સહિત ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત ટ્રાન્સપોન્ડર્સ વગેરે પૂરા પાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસરત છે.

ઈસરો દ્વારા નિર્મિત ટ્રાન્સપોન્ડર્સ, સાગરખેડુઓને સમુદ્રમાં મત્સ્યનું લોકેશન શોધવામાં તથા ફિશકેચ એરિયાઓને (વધુ માછલી ધરાવતા વિસ્તારો) ઓળખવામાં મહત્વના સાબિત થશે, જે તેમનો મહત્વપૂર્ણ સમય બચાવશે. આ ઉપરાંત, તેઓ આ ટ્રાન્સપોન્ડર્સની મદદથી પોતાના પરિવારજનો, કોસ્ટ ગાર્ડ અને વિવિધ ઓથોરિટીઝના પણ સંપર્કમાં રહી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top