Gujarat

ગાંધીજીનું જીવનદર્શન ભણીએ, જીવનમાં ઉતારીએ અને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ – આચાર્ય દેવવ્રત

અમદાવાદ: ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે ગુજરાત વિદ્યાપીઠથી (Gujarat Vidhyapith) કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ (Student) અને અધ્યાપકગણ જોડાયા હતા. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કોચરબ આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સામૂહિક રેંટિયો કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના યોજીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 75 મા નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતએ સૌની સાથે બેસીને રેંટિયો કાંત્યો હતો.

આ શ્રદ્ધાંજલિ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ સાઉથ આફ્રિકાથી ભારત આવીને તેમના વિચારોને જનમાનસ સુધી લઈ જવા માટે એક કેન્દ્ર સ્થાપવાના ભાગરૂપે સત્યાગ્રહ આશ્રમ, કોચરબ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીજી ભારતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતે ગયા હતા. આવી જ એક શૈક્ષણિક સંસ્થા હરિદ્વારમાં આવેલું સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા સ્થાપિત ગુરુકુળ, કાંગળી હતું. અહીંના વિદ્યાર્થીઓ દિવસે મજૂરી કરીને રાત્રે અભ્યાસ કરતા હતા. દિવસે મજૂરી કર્યા બાદનું મહેનતાણું તેઓ ગાંધીજીના આફ્રિકામાં ચાલતા સત્યાગ્રહમાં મદદ માટે મોકલતા હતા. ગુરુકુળ, કાંગળીના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ મૂલ્યો અને સંસ્કારોથી પ્રભાવિત થઈને ગાંધીજીને દેશભરમાં આવાસીય વિદ્યાલયો અને ગુરુકુળ પરંપરા અને છાત્રાવાસ પરંપરા આધારિત આશ્રમ વિદ્યાલયો સ્થાપવાની પ્રેરણા મળી હતી. યુવા મસ્તિષ્ક વિશેષ સંસ્કારોના વાતાવરણમાં રહે તો તેમની માનસિકતા સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી બનાવી શકાય એમ પૂજ્ય બાપુનું માનવું હતું.

ગાંધીજીના જીવનમૂલ્યો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બાપુનું જીવન ભારતીય મૂલ્યથી પરિપૂર્ણ હતું. મહર્ષિ પતંજલિના યોગશાસ્ત્રના મૂળ આધાર એવા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ગાંધીજીએ અપનાવ્યા હતા. ઉચ્ચ વિચાર મૂલ્યોને વ્યવહારિક રૂપ આપવા માટે જ તેમણે આશ્રમ બનાવ્યા હતા. ‘મેરા જીવન હી મેરા સંદેશ હે’ – એ પૂજ્ય બાપુનું સૂત્ર હતું. બાપુનું જીવન ખરેખર એક સંદેશ સમાન જ હતું.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક ડો. ભરત જોશીએ જણાવ્યું હતું કે, સત્યાગ્રહ આશ્રમ, કોચરબ એ એક ઐતિહાસિક વિરાસત છે. અહીં બાપુના અસ્તિત્વનો અહેસાસ થાય છે અને બાપુના જીવનમૂલ્યોની પ્રેરણા મળે છે . ઈ. સ. ૧૯૧૫ માં અહીંયાથી જ પૂજ્ય બાપુએ નઈ તાલીમની શરુઆત કરાવી હતી, જે બાદમાં આગળ જતાં ગુજરાત વિદ્યાપીઠ બની હતી.

Most Popular

To Top