Columns

મહારાષ્ટ્રના મહાબખડજંતર પરથી ગુજરાત માટે કેવા પાઠ ભણવા જેવા છે?

પડોશી મહારાષ્ટ્રની ઘટનાઓમાં જે ઓચિંતા ચડાવ – ઉતાર અને વળાંકો આવ્યા તે જોતા ગુજરાત માટે ભાજપ અને તેના કાર્યકર્તાઓ – નેતાઓએ કેવા કેવા બોધ લેવા જેવા છે એ વિષે વિચારવું પડે એમ છે. એમાં પણ કી – મેન ગણાતા દેવેન્દ્ર ફડનવીસને જે રીતે કદ પ્રમાણે વેતરી નંખાયા એવું ગુજરાતમાં ગમે તેને માટે ગમે ત્યારે થઇ શકે છે એવું ખાસ સ્વીકારી લેવાની જરૂર છે. એ રીતે જોઇએ તો લાગે છે કે મહારાષ્ટ્રના મહાબખડજંતર પરથી ગુજરાતે ભાજપની નેતાગીરીના વલણના સંદર્ભે ઘણા પાઠ ભણવા જેવા છે. ભાજપે એ પણ દેખાડી દીધું છે કે હરીફોને કઇ રીતે પછાડી શકાય છે. પોતાની સાથે ને સંગાથે જે હોય તેઓ ભવિષ્યમાં આડા – અવળા ન થઇ શકે તે માટે તેમને હોદ્દા બક્ષીને પણ કદ પ્રમાણે વેતરી રાખવા. (દાખલા તરીકે એકનાથ શિંદે) આમ જોઇએ તો ગુજરાત અને મહારાષ્ટ્રના રાજકીય સિનારિયા સાવ જુદા છે, પરંતુ ભાજપી નેતાગીરીના વલણના સંદર્ભે મહારાષ્ટ્રના ઓપરેશનના અવલોકન કરવા જેવા છે.

 મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો ટૂંકા ગાળામાં એટલો લાંબો પહોળો વિકાસ થઇ ગયો કે સત્તાધારી શિવસેનાના બે ફાડિયા થઇ ગયા. ઉદ્ધવ ઠાકરે સરકારમાંથી ગયા પણ શિવસેનાની સરકાર રહી. NCP અને કોંગ્રેસ સાથેની શિવસેનાની સંયુક્ત સરકારને બદલે ભાજપની સાથેની શિવસેનાની સરકાર બની ગઇ. રાતોરાત એવું તે ચક્કર ચાલ્યું કે થોડા કલાકો પહેલા મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે હરખભેર મીઠાઇ ખાનારા દેવેન્દ્ર ફડનવીસે સામે ચાલીને જાહેરાત કરી (કે કરવી પડી) કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદે હું (તો) નહીં, એકનાથ શિંદે હશે.

કોને ખબર હતી કે કાલે સવારે શું થવાનું છે? શિવસેનાને એક સમયે કોંગ્રેસ NCP અને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. આજે ભાજપ એની સાથે છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે મુખ્યમંત્રી છે અને મહારાષ્ટ્રમાં આખુંયે બખડજંતર ઊભું કરનારા દેવેન્દ્ર ફડનવીસ શરૂઆતમાં તો સરકારમાં નહીં જોડાવાની વાત કરતા હતા ને નવી દિલ્હીથી વડાપ્રધાન મોદીએ સીધી વાત કરી. ભાજપપ્રમુખ જગતપ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સીધા આદેશ આપ્યા.

પછી ફડનવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાવા આગળ આવ્યા. એ જોતાં લાગે છે કે ગુજરાતમાં પાર્ટી પોતાની ચોક્કસ લાઇન સાથે આગળ વધશે. એમાં જે મિસમેચ થશે કે આડાઅવળા થવાની કોશિશ કરશે તેને સીધા આદેશો અપાશે. આ બાબતની શરૂઆત રાજ્યની 182 બેઠકોની ટિકિટની વહેંચણી એટલે કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાથી થશે. ફડનવીસ જેવાને જો નેતાગીરી આ રીતે કન્ટ્રોલ કરતી હોય તો ગુજરાતના કોઇ નેતાની મગદુર છે કે આડાઅવળા થાય!

 આમ જોઇએ તો સત્તાની ખેંચાખેંચીમાં ઉદ્ધવને હરાવીને પણ ફડનવીસ તો હારી ગયા હોવાનું લાગે છે. તેઓ મુખ્યમંત્રી ન બની શક્યા. ભાજપી નેતાગીરીએ અણીના સમયે જુદો જ નિર્ણય મોવડીમંડળે લીધો. ભાજપી નેતાગીરીએ ઘણી ઊંડી અને લાંબા ગાળાની ગણતરીએ ફડનવીસને બદલે શિંદેને મુખ્યમંત્રી બનાવી દીધા. ભાજપી નેતાગીરી આજકાલનું નહીં, વર્ષો પછીની સ્થિતિનું વિચારે છે.

ફડનવીસનું રાજકીય વજન વધુ પડતું ન વધી જાય એની પાકી તકેદારી પણ નેતાગીરી રાખતી હોય છે. ગુજરાત ભાજપના સૌ નેતાઓએ અને એમાં પણ મોટી મોટી મહત્વાકાંક્ષાઓ રાખીને બેઠેલા નેતાઓએ તો આ બાબતની શીખ લેવા જેવી છે. મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનામાં બળવો કરાવીને શિવસેનાના અસ્તિત્વ પર કારમો ઘા કર્યો છે. જેની કળ વળતાં શિવસેનાને ઘણો સમય લાગશે. મુંબઇમાં મંત્રાલયનો રસ્તો વરલીથી પસાર થાય છે એવી ઉઘાડી ધમકીઓ શિવસેના દ્વારા અપાતી હતી, પરંતુ ચોક્કસ સમયે ચોક્કસ ચાલ ચાલવામાં માહેર ભાજપી નેતાગીરીએ સેનાના બધા કીમિયાની હવા કાઢી નાખી.

જે ભાજપ અઢી વર્ષ પહેલા શિવસેનાના ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર ન હતુ, તે આજે શિવસેનાના બાગી ઉમેદવારને મુખ્યમંત્રી બનવા સપોર્ટ કરે છે. સમયની તો બલિહારી છે જ પણ સાથે ગણતરીની પણ કમાલ છે. ભાજપ લાંબા ગાળાનું (જ) હંમેશા વિચારે છે. ફડનવીસનો કિસ્સો એક રીતે જોઇએ તો યુનિક એટલા માટે છે કે ભાજપી નેતાગારી ધારે એ કરીને જ રહે છે. ગુજરાતમાં પણ વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભે પાર્ટી આવી જીદવાળી સ્ટાઇલથી વર્તી શકે છે. માંધાતાઓને પણ ગાંઠવા માગતી નથી.

જેને છેક લગી આગળ કરાતા હોય એમની વિકેટ ફટ દઇને છેલ્લી ઘડીએ ડુલ કરી દઇ શકે છે. જેમને માટે મુખ્યમંત્રી બનવાની ઘડીઓ ગણાતી હતી તે ફડણવીસને ડિગ્રેડ કરી દઇને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. ગુજરાત ભાજપે મહારાષ્ટ્રની ઘટનાઓ પરથી એટલું સમજવા જેવું છે કે ખાસ કરીને અંદરના હરીફો પર ધ્યાન રાખીને એમને કાબૂમાં રાખવાનો ભાજપ વ્યુહ અપનાવશે. શિવસેનાએ કરેલી ભૂલ ગુજરાતમાં ભાજપે કરવા જેવી નથી. એટલે કે પોતાની વિચારધારામાં ફેરબદલ કરવો ન જોઇએ. કોંગ્રેસ અને NCPના રવાડે જે રીતે શિવસેના ચડી અને બાળાસાહેબ ઠાકરે દ્વારા પ્રસ્થાપિત વિચારધારાને બદલે સગવડિયો ધર્મ અપનાવ્યો.

પરિણામે અંદરથી બળવો થયો. બળવા પછી જે રીતે સત્તાની વહેંચણીમાં શિવસેનાના બળવાખોરો રખે ને લાગણીમાં તણાઇને ભાજપ સાથેનો છેડો ફાડીને ઉદ્ધવ ઠાકરેની તરફે પાછા જતા ન રહે એટલે શિંદે આણિમંડળી પર ભરોસો મૂકવાને ભાજપે ફડનવીસને એમની ભેગા બેસાડ્યા. હવે સરકારના મહત્વના ખાતાં પર પણ ભાજપ પોતાનો હોલ્ડ રાખશે. આ રીતે ગુજરાતમાં ભાજપ પોતાના હરીફ માટે કોઇ કસર કે ચુક છોડશે નહીં. કોંગ્રેસના આઠેક ધારાસભ્યો ભાજપનો ભગવો ઓઢવાની ફિરાકમાં છે.

ગુજરાતમાં કોંગ્રેસની ભાજપની સામે હાલ ઝાઝી ઉપજ નથી, પરંતુ આમઆદમી પાર્ટી જે રીતે ગ્રાસરૂટ લેવલ સુધી નેટવર્ક બિછાવી રહી છે, તે જોતાં એના વધતા પ્રસારને અવગણી શકાય એમ નથી. એટલે જ તાજેતરમાં પાર્ટીની બેઠકમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે આડકતરો નિર્દેશ આપ્યો હતો કે ભાજપના કાર્યકરોએ ગાફેલ રહેવું પોસાશે નહીં. એવું પણ એક અનુમાન થઇ રહ્યું છે કે જેમ આમઆદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો સળવળાટ વધારતી જશે, તેમ તેમ ભાજપ હિન્દુત્વને વધુ ચકચકાટ કરતી રહેશે.  મહારાષ્ટ્રના આખાયે ઓપરેશન દરમિયાન હિન્દુત્વના મુદ્દાને ભાજપે પરોક્ષ રીતે આગળ કર્યો. ગુજરાતની ચૂંટણીમાં અને ભાજપની હવે પછીની કાર્યરીતિમાં હિન્દુત્વનો મુદ્દો અગ્રેસર રહેવાનો છે. તેમાંય ઉદયપુરની ઘટના પછી તો એમાં વિશેષ સક્રિયતા આવેલી જણાય છે.

       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top