Gujarat

કોંગ્રેસ માત્ર ભાઇ-બહેનની પાર્ટી રહી ગઇ છે : જે. પી. નડ્ડા

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા હવે ભાજપની (BJP) નેતાગીરીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બહુચરાજી તથા સૌરાષ્ટ્રમાં દ્વારકાથી ભાજપની ગૌરવ યાત્રાને લીલી ઝંડી દર્શાવી તેને પ્રસ્થાન કરાવ્યુ હતું. બીજી તરફ આવતીકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા થી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. તેવી જ શાહ આવતીકાલે નવસારી આવી રહ્યાં છે. અહીથી બપોરે 1 વાગ્યે ઉનાઈથી ફાગવેલ ( તા.13થી 20 ઓકટો) અને બપોરે 4 વાગ્યે ઉનાઈથી અંબાજી સુધીની યાત્રા ( તા.13થી 21 ઓકટો.) ને લીલી ઝંડી દર્શાવીને તેને પ્રસ્થાન કરાવશે.

બહુચરાજી તથા દ્વારકા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા પેહલા સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાતની ખમીરવંતી પ્રજા તેમનું જીવન દેશ ભક્તિ સાથે ઓત પ્રોત થઇ જીવે છે. ગુજરાતની જનતાએ અંગ્રેજો સાથે લડાઇ કરી અને લડાઇ લડતા લડતા તેમણે અંગ્રેજોને કહ્યું કે અમારો એક જ રાજા છે …રાજા રણછોડ..દ્વારકાઘીશ… આવા ગુજરાતની પ્રજાને આજે હું વંદન કરુ છું. આ પવિત્ર ઘરતીથી ગૌરવયાત્રાનો પ્રારંભ કરીએ છીએ. આ ગૌરવ યાત્રા જે દ્વારકાધિશની નગરીથી શરૂ થઇ રહી છે આવી બીજી પાંચ યાત્રા ગુજરાતમાં શરૂ થઇ રહી છે. આ ગૌરવ યાત્રા માત્ર દ્વારાકાધિશની નથી. આ ગૌરવ યાત્રા ન માત્ર ગુજરાતની પરંતુ દેશની ગૌરવ યાત્રા છે. આ દેશની ગૌરવ યાત્રા એટલે છે કારણ કે જે ગૌરવ દુનિયામાં સ્થાપીત કરવા દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કામ કર્યુ છે. તેની ગંગોત્રી પણ ગુજરાતની ધરતી છે. ગુજરાત સંતો,ભકતો,સમાજ સેવકો,સમાજ સુઘારક,રાજનેતા,દેશભકતોની ભૂમિ છે.

નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ દેશની રાજનીતીની સંસ્કૃતિ બદલી છે. પહેલા રાજકારણનો અર્થ કમિશન, ભ્રષ્ટાચારનો થતો પરંતુ વડાપ્રઘાન મોદીએ આ રાજનિતીનો અર્થ વિકાસ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. કોંગ્રેસને હવે ખ્યાલ નથી આવતો કે રાજનીતીમાં હવે શું કરવું. કોંગ્રેસ મેવા ખાવા, પરિવારની સેવા કરવા આવી હતી. ભાજપે વંશવાદ અને પરિવાર વાદને જાકારો આપ્યો છે. ભાજપ રાષ્ટ્રીય પાર્ટી, વૈચારીક પાર્ટી, દુનિયાની મોટી રાજકીય પાર્ટી છે. ભાજપ સિવાય કોઇ રાષ્ટ્રીય પાર્ટી રહી નથી. કોંગ્રેસ ન તો રાષ્ટ્રીય પાર્ટી રહી, ન તો ભારતીય રહી, આ તો માત્ર ભાઇ-બહેનની પાર્ટી રહી ગઇ છે. ભારત કોરોનાની મહામારીને હરાવી અને આર્થિક રીતે આગળ વઘી રહ્યુ છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. લોકો ને “મોદી હૈ તો મુમકીન હૈ” સૂત્ર પર ભરોસો છે. ભાજપ સરકારમાં છેવાડાના માનવીને પણ વિવિધ યોજનાઓના લાભ મળે છે.

Most Popular

To Top