Gujarat Election - 2022

1લી ડિસે.ના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન માટેની આખરી તૈયારીઓ પૂરજોશમાં

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં તા.1લી ડિસે.ના રોજ મતદાન થવાનું છે, ત્યાં તમામ શાંતિપૂર્વક મતદાન યોજાય તે માટે પૂરજોશમાં તૌયૈરી ચાલી રહી છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.

પી. ભારતીએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કામાં 2,51,58,730 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદાર છે. 1,22,31,335 મહિલા મતદારો અને 894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ઈવીએમ વ્યવસ્થાપન:
પ્રથમ તબક્કામાં તમામ 19 જિલ્લાઓમાં હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કમિશનિંગની કામગીરી ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં આ કામગીરી પણ પૂર્ણ થઈ જશે. બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં પણ ઈવીએમ અને વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

જ્યારે બીજા તબક્કામાં પાટણ જિલ્લાના પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 16 હરીફ ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ, જ્યારે અમદાવાદ જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તાર નરોડામાં 17 ઉમેદવારો હોવાથી, બાપુનગરમાં 29 ઉમેદવારો હોવાથી અને અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ વપરાશે.

ઉમેદવારી પત્રો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉપરાંત, 69 રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

મતદાર ફોટો ઓળખકાર્ડ
મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં. મતદાર ફોટો ઓળખપત્ર(એપીક કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. અંતર્ગત આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલીટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.

વોટર ઈન્ફોર્મેશન સ્લીપ
પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે, તે 19 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,79,51,053 વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ થઈ ગયું છે. બાકીનું કામ આજે પૂર્ણ થઈ જશે. જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં આજથી વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ શરૂ થઈ જશે. તા.29 નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે.
બ્રેઇલ વોટર ગાઇડ અને બ્રેઇલ મતદાર કાપલી દિવ્યાંગજનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદાનના દિવસે 82,431 પ્રજ્ઞાચક્ષુ મતદારોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડી શકાય તે હેતુથી બ્રેઇલ લિપીમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.282.08 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે. જેમાં રૂ.26.37 કરોડની રોકડ રકમ, 3.47 લાખ લિટર જેટલો રૂ.12.45 કરોડની કિંમતનો દારૂ, 938.81 કિલો જેટલું રૂ.61.63 કરોડનું ડ્રગ્સ અને રૂ.14.56 કરોડની કિંમતના 179.76 કિલો સોનુ-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.167.07 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આચારસંહિતાનો અમલ
રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે. આચારસંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશન
સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મતદાનના દિવસે જાહેર રજા
પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં અને બીજા તબક્કાના 14 જિલ્લાઓમાં મતદાનના દિવસે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વટાઉખત અધિનિયમ હેઠળ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, બન્ને તબક્કામાં મતદાનના દિવસે મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કે જે કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને રોજમદારો (કેઝ્યુઅલ કામદારો) ને મતદાનના દિવસે સવેતન રજા આપવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિવ-દમણ અને દાદરા નગરહવેલી જેવા ગુજરાતની સરહદને સાંકળતા જિલ્લાઓમાં ગુજરાતના જે મતદારો રહેતા હોય તેમના માટે પણ પેઈડ હૉલીડે જાહેર કરવામાં આવ્યો છે.

પોલિંગ સ્ટાફને ચૂંટણી સંચાલનની તાલીમ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સરળ અને સુચારૂ સંચાલન માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને નિયત કાર્યક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ તમામ 19 જિલ્લાઓમાં પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાના 14 જિલ્લાઓના પોલીંગ સ્ટાફની બીજી તાલીમનો આજથી આરંભ કરાયો છે અને આગામી તા.28 નવેમ્બર સુધીમાં આ તાલીમ પૂર્ણ કરાશે. જિલ્લા કક્ષાએ આપવાની થતી વિવિધ તાલીમો જેવી કે, મામલતદાર(ચૂંટણી), નાયબ મામલતદાર(ચૂંટણી), સેક્ટર ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, બૂથ લેવલ ઓફિસર્સ(BLOs), MCC ટીમ, EEM ટીમ, MCMC ટીમ વગેરેની ટ્રેનીંગ પણ આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવી છે.

Most Popular

To Top