Gujarat

મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : કોગ્રેસ

અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટનામાં ૨૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી (CM) રાજીનામું આપવું જોઈએ, તેવું અમદાવાદના (Ahmedabad) પ્રદેશ કોંગ્રેસ (Congress) ભવન ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા પબ્લિસિટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું. પવન ખેરાએ વધુમાં કહ્યું હતું કે ઝુલતા પુલનું આશરે ૧૨૫ વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેના વાર્ષિક મેઈન્ટેનન્સની સાર-સંભાળ એક એવી ખાનગી કંપનીને આપવામાં આવે છે, જેને આ કાર્યપદ્ધતીની કોઈપણ જાણ નથી તેમજ મેઈન્ટેનન્સનો કોઈપણ અનુભવ નથી. ઓરેવા કંપની કે જે એલ.ઈ.ડી. બલ્બ, કેલક્યુંલેટર, મચ્છર મારવાના રેકેટ અને ઘડિયાળ એક ખાનગી બનાવતી કંપની છે. આ ખાનગી કંપનીને કોના આદેશથી, નગરપાલિકાના કયા વિભાગથી અને કોની ભલામણથી આ ઝુલતા પુલની સાર-સંભાળની કામગીરી આપવામાં આવી?

બીજી મહત્વની વાત કે આ દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની કોના વિરુદ્ધમાં એફ.આઈ.આર. કરવામાં આવી છે? કઈ વ્યક્તિઓ આ ઘટનાના દોષિતો છે? વગર ફિટનેસ સર્ટિફિકેટ અને લોડ બેરિંગ કેપેસિટીના ધારા ધોરણ મુજબના સર્ટિફિકેટ કયા વિભાગથી આપવામાં આવ્યા છે? ચૂંટણી ટાણે તાયફાઓ આયોજિત કરવામાં અને ગુજરાતના રહીશોના જીવના જોખમે, કોઈપણ પ્રકારની આ ઝુલતા પુલની સલામતીની માહિતી લીધા વગર, શા માટે ઝુલતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? સબસલામત, ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત અને ખુશ-ખુશાલ જનજીવનની વાત કરનાર આ ભાજપા સરકાર લગભગ ૨૦૦ વ્યક્તિની લાશો પર બેસીને, વાહ-વાહની રાજનીતિ કરવાની પ્રથા ક્યારે બંધ કરશે? આ ઘટનાનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે ખરો?

અમદાવાદમાં નવનિર્મિત “અટલ બ્રીજ” નું ફિટનેસ સર્ટિફિકેટ અને લોડ બેરિંગ કેપેસિટીનું સર્ટિફિકેટ ગુજરાતની જાહેર જનતાને જાણવાનો અધિકર છે, તે સર્ટીફિકેટની કોપી જાહેરમાં, પ્રચાર-પ્રસારના માધ્યમથી સાર્વજનિક કરી શકે છે કે નહિ? તેની વિગત ક્યારે આપવામાં આવશે? એકતરફી મનની વાત કરનાર નરેન્દ્ર મોદી, ગુજરાતની ૬.૫૦ કરોડની જનતાની મનની વાત ક્યારેય સંભાળશે ખરા? ભાજપા ગુજરાતની ધરોહરનું ફિટનેસ સર્ટિફિકેટ અને તેનું ઓડીટ જો નથી કરાવી શકતી તો આ વખતે ગુજરાતની જનતા, તેમના વિરુદ્ધમાં વોટ કરીને, તેમની તાનાશાહી વર્તનનું ઓડીટ આ ચૂંટણીમાં કરી બતાવશે.

Most Popular

To Top