Gujarat

રાજ્યમાં શિયાળાનું આગમન: વલસાડમાં સૌથી ઓછું આટલા ડિગ્રી તાપમાન નોંધાયું

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય તરફ છે ત્યારે દશેરાની રાત્રિથી જ ગુજરાતમાં શિયાળાનું (Winter) આગમન થઈ ચૂકયું છે. ઉત્તર તરફથી આવતા પવનના કારણે રાજયમાં અચાનક વાાતવરણમાં પલ્ટો આવી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે તથા વહેલી સવારે ઠંડીનો (Cold) અનુભવ થઈ રહ્યો છે. આ સાથે રાજયમાં તાપમાનના પ્રમાણમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં ભૂજમાં ગરમીનો પારો 37 ડિ.સે., રાજકોટ અને ડીસામાં 37 ડિ.સે નોંધાયો હતો. જો કે, બીજી તરફ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. એકલા ગાંધીનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જયારે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 23 ડિ.સે., નલીયામાં 19 ડિ.સે.,ભાવનગરમાં 21 ડિ.સે., રાજકોટમાં 23 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 22 ડિ.સે., અમદાવાદ અને ડીસામાં 19 ડિ.સે., વડોદરામાં 20 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે. અને વલસાડમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

સુરત શહેરમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ આજે રાતનું તાપમાન 3 ડિગ્રી ગગડયું હતું. જોકે આગામી બે દિવસ તાપમાન ફરી આછા વાદળછાયું થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર અને ઉત્તરપૂર્વ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. જેને કારણે હવે વાતાવરણમાં સંપૂર્ણ બદલાવ જોવા મળશે. બે દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. આજે લઘુત્તમ તાપમાન વધુ ત્રણ ડિગ્રી ગગડીને 21.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાનમાં થયેલો આ ઘટાડો આજે વહેલી સવારે શહેરીજનોએ ખૂબ અનુવ્યો હતો. સવારમાં આજે આંશિક ઠંડીનો અનુભવ થયો હતો. આ સાથે મહત્તમ તાપમાન પણ અડધો ડિગ્રી ઘટીને 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડશે અને રાત્રે ઠંડી અનુભવાશે. શરદપૂર્ણિમા સુધીમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી ડિસેમ્બર સુધીમાં શહેરમાં કાતિલ ઠંડી પડી શકે છે. તેમજ તહેવારોના દિવસોમાં પણ લોકોએ સ્વેટર પહેવું પડે તેવી સ્થિતિ બની શકે છે. ઠંડીના આગમન વચ્ચે આગામી બે દિવસ ફરી શહેરમાં આછા વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં બનેલી લોપ્રેસર સિસ્ટમ આંધ્ર પ્રદેશથી મુવ થઈને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જશે. જેના લીધે આંશિક અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેશે.

Most Popular

To Top