Gujarat Main

ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય બહાર જશ્નનો માહોલ, જાણો ગુજરાતના નવા CM વિશે

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી (CM)પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે પ્રથમ વાર સંબોધન કર્યું હતું. તેમણે ખૂબજ ટૂંકા સંબોધનમાં જણાવ્યું કે, PM મોદી, અમિત શાહ, સી.આર પાટીલ સહિતનાં તમામ શિર્ષસ્થ નેતાઓનો હું ખુબ ખુબ આભારી છું. અહીં બેઠેલા તમામ વડીલોનો આભારી છું. મારા પર જે કાર્યભાર મુક્યો છે તે સૌને સાથે રાખીને નિભાવું તેવો મારો પ્રયાસ રહેશે. સૌ વડીલો અને સામે બેઠેલા મારા મિત્રો પણ આ કામગીરી નિભાવવામાં મારો સાથ આપશો તેવી આશા રાખુ છું. જણાવી દઈએ કે માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે.

ભુપેન્દ્ર પટેલના સંબોધન પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલ ખુબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે. ધારાસભ્ય તરીકે પણ તેઓ યશસ્વી કારકિર્દી કરી ચુક્યા છે. વારસામાં તેઓને ઘાટલોડિયા સીટ મળી હતી. 182 બેઠકો પૈકી તેઓએ સૌથી મોટી લીડથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ખુબ જ શાંત અને સૌમ્ય સ્વભાવના નેતા ગણાય છે. 

2017માં સૌ પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 1,17,750 મતોની જંગી લીડ સાથે જીત મેળવી હતી. જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટું માર્જીન છે. ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી હતી.

ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

જણાવી દઈએ કે મુખ્યમંત્રી બન્યા બાદ સાંજે 6 વાગે તેઓ રાજ્યપાલને મળવા જશે અને સરકાર રચવાનો દાવો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયા બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. ઘાટલોડિયા સહિત અમદાવાદમાં ખુશીનો માહોલ છે. પટેલના નજીકના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ઠેરઠેર ઉજવણી કરાઈ રહી છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યલય બાહર ફટાકડા ફોડાયા હતાં. નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યલયે કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top