Gujarat

ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ, 1200 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) 560 માછીમારો અત્યારે પાકિસ્તાનની (Pakistan) જેલોમાં બંધ છે અને ૧૨૦૦ જેટલી માચ્છીમાર બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. તેમજ પાકિસ્તાન મરીન દ્વારા છાસવારે ગુજરાતના માછીમારો અને બોટોનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે વિધાનસભામાં માછીમારોની સુરક્ષા, પાકિસ્તાની જેલમાં રહેલા માછીમારોને મુક્ત કરાવા અને બોટ અપહરણ કેસમાં માછીમારોને નવી બોટ બાંધવા સહાય સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા.

બીજી તરફ રાજ્યના મત્સઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં કહ્યું હતુ કે છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના 274 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ છે, જેની સામે 55 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જે બાદ અત્યારે ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના જે માછીમારો પાકિસ્તાની જેલમાં છે તેની કેન્દ્ર સરકાર દ્વારા ઓળખવિધિ કરવામાં આવતી ન હોવાથી તેમને વર્ષો સુધી જેલમાં રહેવુ પડે છે. જો કેન્દ્ર સરકાર સમયસર તેમની ઓળખવિધી કરી તેમને છોડાવવા પ્રયત્ન કરે તો માછીમારોને ઝડપથી મુક્ત કરાવી શકાય તેમ છે.

મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે વર્તમાનમાં ડીઝલના ભાવમાં જંગી વધારો અને બજારમાં માછલીના પોષણક્ષમ ભાવ ન મળવાથી 50 ટકા જેટલી બોટ બંધ હાલતમાં છે. આવી વિકટ સ્થિતીમાં પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર માછીમારો અને તેમની બોટોનું અપહરણ થતા પડ્યા ઉપર પાટુ મારવા જેવી સ્થિતી સર્જાઈ રહી છે. અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ માછીમારોના પરિવારજનો અને બોટ માલીકો માટે એક ખાસ આર્થિક પેકેજની આપેલ હતું. આ પેકેજમાં બોટ ગુમાવનાર માલીકો માટે નવી બોટ બાંધવા રૂ. 20 લાખના પેકેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનની કેદમાં રહેલા માછીમારોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને પાકીસ્તાનની કેદમાં રહે ત્યાં સુધી દૈનિક ભથ્થું મંજુર કરાયું હતું. પરંતુ કમનસીબે કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ માછીમાર પરિવારો અને બોટ માલિકો માટેના આ રાહત પેકેજને બંધ કરી દેવામાં આવ્યુ છે.

Most Popular

To Top