Dakshin Gujarat

ડાંગના ત્રિ-પાંખિયા જંગમાં કયો પક્ષ વિજય મુહૂર્ત કાઢશે તે અંગે લોકોમાં ઉત્સુકતા

સાપુતારા : 15મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી(Gujarat Assembly Elections) -2022નું પરિણામ તા. 8મી ડીસેમ્બરે આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે સવારે 8:00 વાગ્યાથી શરૂ થશે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રે (District Election System) મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણી અધિકારી-વ-પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહજી ચૌહાણના જણાવ્યા અનુસાર, ચૂંટણીની મત ગણતરી, આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે તા. 8મી ડીસેમ્બરે સવારે 8:00 વાગ્યાથી હાથ ધરાશે. આ માટે અંદાજીત ત્રણસો જેટલા ચૂનંદા કર્મચારી/અધિકારીઓની સેવા લેવામાં આવી રહી છે.

ડાંગ વિધાનસભાની મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ
વિજ્ઞાન કોલેજના મત ગણતરી હોલમાં પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ચોવીસ જેટલા રાઉન્ડની ગણતરી હાથ ધરવાની ચૂંટણી તંત્રે તૈયારીઓ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રશાસન, સંબંધિત અધિકારી/કર્મચારીને માર્ગદર્શિત કરી રહ્યું છે.ડાંગ વિધાનસભાની બેઠક પર પ્રથમ વખત ત્રિપાંખયો જંગ જામતા ડાંગી મતદાતાઓ પરીણામ સામે મીટ માંડી બેઠા છે. ડાંગ 173 વિધાનસભાની બેઠક પર અગાઉની ચૂંટણીઓમાં ભાજપા, કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી.

ભાજપ, કૉંગ્રેસ પક્ષની સાથે ત્રીજો પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં
પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ પક્ષની સાથે ત્રીજો પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતા અહી ચૂંટણીનો રંગ જામ્યો હતો. ડાંગ 173 વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ ચરણમાં એટલે કે તા. 1લી ડીસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 67.33 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. જેની સાથે આ બેઠક માટે છ જેટલા હરીફ ઉમેદવારોનું ભાવિ પણ E.V.Mમાં સીલ થવા પામ્યુ હતુ. જે આજે પરિણામો સાથે મતદારોની સામે આવશે. જેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે. 173-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગ માટે (1) મુકેશભાઈ ચંદરભાઈ પટેલ (INC) (2) વિજયભાઈ રમેશભાઈ પટેલ (BJP) (3) સંગીતાબેન મહેશભાઈ આહિરે (BSP) (4) સુનિલભાઈ ચંદુભાઈ ગામીત (AAP) (5) નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરે (BTP) અને (6) એસ્તરબેન કેસરભાઈ પવાર (અપક્ષ) એ ઉમેદવારી નોંધાવી હતી.આ ઉમેદવારો માટે જિલ્લાનાં કુલ 335 મતદાન મથકો ઉપર 64 હજાર 716 પુરુષ, 65 હજાર 448 સ્ત્રી મળી કુલ 1 લાખ 30 હજાર 164 મતદાતાએ મતદાન કરાતા 67.33 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

જે મતદાતાઓ આજે ડાંગ 173 વિધાનસભાની બેઠક પર નોંધાયેલા 6 જેટલા હરીફ ઉમેદવારોનું પરીણામ નક્કી કરશે. ડાંગ જિલ્લામાં ભાજપા, કૉંગ્રેસ અને આપનાં ત્રિ-પાંખિયા જંગમાં કયા પક્ષનાં ઉમેદવારનું વિજય મુહૂર્ત નીકળશે તે આજનાં પરીણામ જ બતાવશે.

Most Popular

To Top