Entertainment

‘ગુડ સે મીઠા ઇશ્ક’ની આમ્રપાલી હવે જીવનશૈલીમાં બદલાવ ઇચ્છે છે

હિન્દી ફિલ્મના ગીતોની પંકિત પરથી એટલી બધી T.V. સિરીયલોમાં શીર્ષક પડયા છે તેની યાદી બનાવો તો થશે કે સિરીયલ બનાવનારાઓને ગીતો સિવાય શીર્ષક જ સુઝતા નથી. હમણાં ‘ઇશ્ક બીના કયા જીના યારો’ ગીતમાં આવતી પંકિત ‘ગુડ સે મીઠા ઇશ્ક’ શીર્ષક બની છે અને તેમાં છબી તરીકે આમ્રપાલી ગુપ્તા કામ કરી રહી છે. જો કે યશ સિંહા સાથે લગ્ન પછી તે આમ્રપાલી યશ સિંહા તરીકે પોતાને ઓળખાવે છે. જો કે તેને ટી.વી. સિરીયલોમાં જોનાર તો ‘કૂબૂલ હે’ની તનવીર દાનિશ ખાન તરીકે યા ‘બહુબેગમ’ની સુરૈયા અસગર મિર્ઝા તરીકે વધુ ઓળખશે.

પણ તેની કારકિર્દી હવે 20 વર્ષની થઇ છે એટલે કોઇને તે ‘ખુશીયાં’ની ખુશી કે ‘વો રહેનેવાલી મહેલોં કી’ની તાન્યા થાપર કે ‘તીન બહુરાનીયા’ની બિંદીયા રોહિત ઘીવાલા તરીકે પણ કોઇ યાદ આવી શકે. આમ્રપાલી ગુપ્તા T.V. સિરીયલોને સમર્પિત છે. એટલે તેની સંખ્યા પણ ઘણી છે. એટલે ‘ઇશ્કબાજ’ની કામિની ખુરાના તરીકે પણ લોકોના મનમાં છે. T.V.ને તે એટલી સમર્પિત છે કે પતિ શોધ્યો તે પણ ‘તીન બહુરાનીયા’ના સેટ પર જેને મળેલી તે યશ સિંહાને. જો કે લગ્ન પછી પણ તેની કારકિર્દી અટકી નથી. એટલે ‘ગુડ સે મીઠા ઇશ્ક’માં સત્યકામની પત્ની અને ભૂમિની મા તરીકે અત્યારે કામ કરી રહી છે. તે ‘નાગીન’માં પણ રાનીસાહેબા ત્રિલોક સુંદરી તરીકે દેખાયેલી.

લખનૌથી આવેલી આમ્રપાલીએ ‘ખુશીયાં’થી કારકિર્દીનો આરંભ કરેલો. એમાં તેણે કોમેડી કરી હતી. પછી તો તે રિયાલિટી શોનો પણ ભાગ બની. ‘નચ બલિયે’ની છઠ્ઠી સિઝનમાં તેણે પતિ યશ સાથે જ ભાગ લીધેલો. જો કે બે દાયકા સુધી સતત વ્યસ્ત રહ્યા પછી તે કહે છે કે હવે મારે લાઇફ સ્ટાઇલમાં પરિવર્તનની જરૂર છે. સિરીયલોમાં કામ કરો તો ફૂરસદ જ નથી મળતી અને હવે તેવું કરવું ગમતું નથી. થોડો આરામ પણ મળવો જોઇએ અને તો જ કામ પર પણ વધુ ધ્યાન આપી શકાય. તે કહે છે કે હવે મારો દીકરો કબીર પણ મોટો થઇ રહ્યો છે. મારા પ્રેક્ષક મને પસંદ કરે છે તે સારી વાત છે અને મારા છેલ્લા શ્વાસ સુધી તેમને ખુશ રાખવા માંગું છું. હવે મારે ફિલ્મો અને OTT માટે પણ કામ કરવું છે.

‘ગુડ સે મીઠા ઇશ્ક’માં તે નેગેટીવ રોલ કરી રહી છે. એમાં તે એવી મા છે જે કલાસિકલ ડાન્સર છે. એમાં તે યુવાન તરીકે પણ દેખાય છે અને એક સાથે બે ઉંમર ભજવવામાં તેને મઝા પડે છે. પોતે પ્રશિક્ષીત ડાન્સર છે એટલે પણ આ પાત્ર ભજવવું ગમે છે. બાકી પતિ-પત્ની બંને ટી.વી. સિરીયલોમાં કામ કરતા હોય ત્યારે ઘરનો મોરચો મેનેજ કરવો મુશ્કેલ પડે અને બાળક જન્મે પછી એ મુશ્કેલી ઓર વધી જાય. હવે આમ્રપાલીને નવી T.V. સિરીયલમાં કામ મળે તો તે યશને પૂછે છે કે લઉં યા ન લઉં? કારણ કે યશ પણ સિરીયલમાં બિઝી હોય તો ઘર કોણ મેનેજ કરે? આમ્રપાલી કહે છે કે 2008ના વર્ષોમાં અમે ડેટિંગ કરતા હતા ત્યારે સાથે ખૂબ સમય પસાર કરતા હતા અને ગમે ત્યારે લોનાવલા પણ ફરવા નીકળી જતા. હવે એવો સમય જ નથી મળતો. અલબત્ત, અમારા સંબંધ સાચવવાનું અમે જાણીએ છીએ એટલે વાંધો નથી આવતો. પણ હવે જીવનશૈલી બદલવાની મોટી જરૂરિયાત તો છે જ!

Most Popular

To Top