Columns

મિસિંગ ગર્લ નં. 166 : આખરે 9 વર્ષ અને 7 મહિના બાદ કેસ ઉકેલાયો

આ મહિનાની શરૂઆતમાં મુંબઈના દાદાભાઈ નવરોજી નગર પોલીસ સ્ટેશનમાં આવેલી એક ખુશખબર પૂરા મુંબઈમાં પ્રસરી અને તે પછી દેશના કેટલાંક અખબારોએ પણ તેની નોંધ લીધી. ન્યૂઝ હતા એક બાળકીના, જે છેલ્લાં 9 વર્ષ અને 7 મહિનાથી ગુમશુદા હતી, જે હવે તેના પરિવારને મળી ચૂકી છે. બાળકીનું નામ છે પૂજા ગૌડ અને અત્યારે તેની ઉંમર છે 16 વર્ષ. પૂજા ગૌડ ગુમ થઈ અને મળી તેમાં એક નામ વારેવારે સામે આવ્યું તે મુંબઈના રિટાયર્ડ પોલીસ ઓફિસર રાજેન્દ્ર ધોન્ડુ ભોસલેનું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા શાળા જતા સમયે ગૂમ થઈ અને તે પછી સતત તેની શોધખોળ થતી રહી પણ તેનો કોઈ પત્તો ન લાગ્યો. પૂજાએ તે દિવસે બ્લૂ કલરનું ફ્રોક પહેર્યું હતું. દાદાભાઈ નવરોજીનગર પોલીસ સ્ટેશનની હદમાંથી 2008થી 2015 વચ્ચે 166 બાળકીઓ ગુમ થઈ હતી. તેમાંથી 165 બાળકીઓને રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે શોધી કાઢી પરંતુ પૂજાની કશી જ માહિતી તેઓ મેળવી શક્યા નહીં.

પૂજા નહીં મળવાનો અફસોસ રાજેન્દ્ર ભોસલેને હરપળ સતાવતો હતો અને તેથી તેઓ ઓનડ્યૂટી હોય કે ઓફડ્યૂટી તેનો ફોટો સાથે રાખતા. નિવૃત્તિ પછી પણ રાજેન્દ્રે પૂજાને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા. રાજેન્દ્ર ભોસલેના આ પ્રયાસને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે 2015માં વિગતે કવર કર્યો છે અને તેમાં પૂર્વ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પૂજા વિશે કહે છે કે, “હું બાળકીની આંખોને બરાબર ઓળખું છું. તે મારી સામે આવે તો તુરંત ઓળખી લઉં. મારા મગજમાં તેના ચહેરાની છબિ જડાઈ ગઈ છે.”

2011માં રાજેન્દ્ર ભોસલેને તેમના પોલીસ સ્ટેશનમાં મિસિંગ બ્યૂરોની જવાબદારી સોંપવામાં આવી. અહીંયા ગુમ થનારાંઓમાં પુરુષ-મહિલા હતાં પણ રાજેન્દ્ર અને તેમની ટીમ માટે વધુ અગત્યના મિસિંગ બાળકો હતા. સામાન્ય રીતે મુંબઈના માર્કેટ સ્થળેથી, ચાલી છાપરાંઓમાંથી બાળકો શાળાએ જતાં કે ઘરની બહાર રમતાં ગુમ થાય છે. ભોસલે અને તેમની ટીમના હાથમાં જ્યારે આ જવાબદારી આવી ત્યારે તેમણે નિર્ધાર કર્યો કે ગુમ થયેલો દરેક બાળક પોતાના ઘરે પાછો ફરવો જોઈએ. રાજેન્દ્ર પર જાણે બાળકોને શોધવાનું ઝનૂન સવાર રહેતું, તેઓ હંમેશાં બાળકોની તપાસમાં ઝીણામાં ઝીણી માહિતી નોંધી રાખતા.

પહેલાં તો તેમના સહઅધિકારીઓને લાગ્યું કે રાજેન્દ્રને બાળકોને શોધી લાવવાનું ઉપરથી દબાણ છે પરંતુ પછી ખ્યાલ આવ્યો કે તે બાળકોના કેસિસ સાથે ઇમોશનલી જોડાયેલા છે. પૂજાનો મિસિંગ નંબર 166 પડ્યો હતો. પછી તેમના માટે આ મિસિંગ ગર્લ નંબર નહોતો બલકે તેઓ કહેતાં કે હું મારી દીકરીને શોધી રહ્યો છું.  પૂજા જે રીતે ગુમ થઈ તેની સ્ટોરી તેમણે તપાસ દરમિયાન અનેક વાર સાંભળી અને જ્યાંથી તે ગુમ થઈ ત્યાં સ્પોટ પર કલાકો સુધી બેસતા. તેઓને મનોમન થતું કે પૂજા એક દિવસ જરૂર મળશે. પૂજા જે દિવસે ગુમ થઈ તે દિવસે સવારે પોતાના ભાઈ રોહિત સાથે શાળાએ જવા નીકળી હતી.

અંધેરીના કામા રોડ મ્યુનિસિપલ શાળાએ આ બંને ભાઈ-બહેનો ચાલતાં જતા. શાળાએ જતી વેળાએ દાદા 10 રૂપિયા આપે જેને બંને બાળકો સરખે હિસ્સે વહેંચતાં. જે દિવસે તે ગુમ થઈ તે દિવસે ભાઈએ પૂજાને હિસ્સો આપ્યો નહોતો. રોહિતે કહ્યું પણ ખરું કે તને હું રિસેસમાં 5 રૂપિયા આપીશ પણ પૂજા ન માની અને તે શાળા નજીક આવેલી એક જગ્યાએ બેસી રહી. શાળાએ જવામાં પહેલેથી બંનેને મોડું થઈ ચૂક્યું હતું એટલે રોહિત શાળાના ગેટમાં પ્રવેશી ગયો પણ પૂજા બહાર રહી અને પછી તે ક્યાં ગઈ તે કોઈ જાણતું નહોતું.

પૂજા ગુમ થઈ તે પછીના બે વર્ષ દરમિયાન રાજેન્દ્ર ભોસલે અવારનવાર પૂજા જ્યાંથી ગુમ થઈ હતી તે સ્પોટ પર જતા. પૂજા છેલ્લે જ્યાં બેઠી હતી ત્યાં જ બેસીને તેના સ્તરે ત્યાંથી પૂરી દુનિયાને નિહાળતા. બાળકોની જેમ વિચારી પણ જોયું કે કોઈ પૈસા ન આપે તો બાળક શું કરે? પરંતુ આ કેસ કોઈ રીતે ઉકેલાતો નહોતો. સ્પોટ પર જઈને માત્ર રાજેન્દ્રને સંતોષ નહોતો, બલકે તેની ઝીણી ઝીણી વિગત નોંધીને રાખવાનો પણ તે નિયમ પાળતા. આ માટે તેમણે એક ડાયરી રાખી હતી. આ ડાયરીને ‘મિસિંગ ડિટેક્શન ગ્રંથ’ એવું નામ સહકર્મચારીઓએ આપ્યું હતું.

તેમાં બ્લૂ અને કાળી પેનથી મિસિંગ બાળકોની બધી વિગત ટપકાયેલી મળતી. કયા કેસમાં શું અપટેડ છે અથવા તો કોઈ માહિતી મળી હોય તો અચૂક તેમાં લખેલી હોય અને જે બાળકો મળી જતાં તેની નોંધ તેમાં લાલ પેનથી કરતા. આજના ટેકનોલોજીના યુગમાંય રાજેન્દ્ર ભોસલેએ ફિલ્ડમાં જઈને કેસ તપાસવાની પ્રાથમિકતા રાખી હતી. 2008માં જ્યારે તેમના પોલીસ સ્ટેશનની હદમાં 47 નાનાં બાળકો, 25 બાળકીઓ અને 45 મહિલાઓ મિસિંગ હતી ત્યારે તેમણે ચાલતાં ચાલતાં જ બધી તપાસ કરવાનો આગ્રહ રાખ્યો.

સીધા લોકો પાસે જવાનું અને તેમની સાથે વાતચીત કરવાની. દુકાનદારો, ગૃહિણીઓ, પાનના દુકાનવાળા, સમાજસેવકો, મોબાઈલ દુકાનદારો અને બેકરીવાળા પાસેથી તેમને હંમેશાં અગત્યની માહિતી મળી છે. રાજેન્દ્રને આ બધામાં બેકરીવાળા પાસેથી સૌથી વધુ માહિતી મળી કારણ કે મુંબઈમાં સૌને પાંઉનું વળગણ રહ્યું છે અને દરેક ધર્મ, દરેક વર્ગનો વ્યક્તિ બેકરીમાં અવારનવાર આવે છે. આ ઉપરાંત, મોચી પણ રાજેન્દ્રના બેસ્ટ ઇન્ફોર્મર રહ્યા છે. એક કિસ્સામાં જ્યારે રાજેન્દ્ર ભોસલે સલૂનવાળા પાસે મિસિંગ છોકરાનો ફોટો લઈ ગયા ત્યારે તેણે તુરંત કહ્યું કે, “અપની આઇટમ કે ઘર પે હોગા, ફોન મેં ઉસકા ફોટુ થા.” તપાસ કરતાં તે બાળક સલૂનવાળાએ કહ્યું હતું એ જ જગ્યાએ મળ્યો.

પૂજાને શોધવાના તેમના પ્રયાસ એ હદ સુધીના હતા કે તેઓ પૂજાના પરિવાર સાથે ઘરોબો કેળવી ચૂક્યા હતા. ઘણી વાર તો પૂજાના કેસમાં તેમને નિરાશા આવે તો પૂજાના પિતા સંતોષને મળવા જતા, જે સિનેમા હોલની બહાર સિંગ વેચતા હતા. સંતોષ ગૌડની દિવસની કમાણી માત્ર 300 રૂપિયાની હતી, તેઓ પોલીસને કશું આપી શકે એમ નહોતા તેમ છતાં રાજેન્દ્ર તેમના માટે દિવસરાત એક કરી રહ્યા હતા. એક સમયે તો રાજેન્દ્ર ભોસલે અને પૂજાના પિતાએ મુંબઈ શહેરમાં જ્ગ્યા જગ્યાએ  પૂજાના પોસ્ટર્સ લગાવ્યા હતાં. જો કે પૂજાના ગુમ થયા બાદ વર્ષો સુધી આ કવાયત કર્યા છતાં તેની માહિતી રાજેન્દ્ર ભોસલે પાસે ન આવી અને પૂજાના પિતાનું પણ આ દરમિયાન અવસાન થયું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા જ્યારે ઘરેથી તેના ભાઈ સાથે શાળાએ જવા નીકળી ત્યારે હેરી જોસેફ ડિસોઝા નામના વ્યક્તિએ તેને જોઈ. હેરી અને તેની પત્ની સોનીને ઘણા વખતથી કોઈ બાળક થતું નહોતું ત્યારે તેણે પૂજાને જોઈને વિચાર્યું કે આ અમારી દીકરી બની શકે! અને ત્યાંથી તેનું અપહરણ કર્યું. અત્યારે હેરીએ તપાસમાં આ સ્ટોરી મુંબઈ પોલીસને જણાવી છે. તે વખતે પૂજાની ખૂબ શોઘખોળ થઈ, પોલીસ એક્ટિવ થઈ અને મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ એટલે હેરી ડિસોઝાએ પૂજાને તેના કર્ણાટકના મૂળ ગામ રાઈચૂરની એક હોસ્ટેલમાં મૂકી દીધી. 3 વર્ષ પછી આ દંપતીને એક બાળક થયું અને પૂજાને પણ પોતાની પાસે મુંબઈ લઈ આવ્યા. જો કે પૂજાનો અને પોતાના બાળકનો ખર્ચ આ દંપતીને પોસાતો ન હોવાથી પૂજાને તેમણે એક બેબીસિટરને ત્યાં જોબ પર રાખી. સાથે તેઓ અંધેરીના એ જ વિસ્તારમાં રહેવા આવ્યાં જ્યાં પૂજાનો પરિવાર રહેતો હતો. પૂજા એ વિસ્તારમાં જ હરતી-ફરતી પણ તેને કોઈ ઓળખી શક્યું નહીં કારણ કે આ દરમિયાન તે મોટી થઈ હતી.

પૂજા જ્યાં બેબીસિટર તરીકે જતી ત્યાં તેનો સંવાદ 1-2 વ્યક્તિ સાથે થયો અને ઘરમાં તેની સાથે થતાં વ્યવહારની વાત તેણે તેમને જણાવી. પૂજાને એમેય લાગ્યું કે તે દંપતીની દીકરી નથી કારણ કે એક વખતે હેરી ડિસોઝાએ નશામાં પૂજાને એમ કહ્યું હતું કે તેને 2013માં ક્યાંકથી લઈ આવ્યો છે. બેબીસિટરમાં પૂજાની સાથે કામ કરતી એક મહિલાએ ગૂગલમાં પૂજાનું નામ અને વર્ષ 2013 એમ નાંખ્યું અને તુરંત જ ગૂગલમાં પૂજાના પોસ્ટરના રિઝલ્ટ મળ્યા, જે પોસ્ટર્સ તેના પિતા અને ASI રાજેન્દ્ર ભોસલેએ શહેરભરમાં લગાવ્યા હતા.

પોસ્ટર જોતાં પૂજાને બધું યાદ આવી ગયું અને તેમાં આપેલા 5 નંબર પર એક પછી એક ફોન કોલ લગાવ્યો. છેલ્લે તેમાંથી એક નંબર લાગ્યો તે પૂજાના પાડોશી રફીકનો હતો. રફીક પર અગાઉ પણ આવા અનેક કોલ આવી ચૂક્યા હતા તેથી રફીકે પહેલાં ફોટોગ્રાફ્સ મંગાવ્યા તે પછી વીડિયો કોલ પર વાત કરી. રફીકને લાગ્યું કે આ પૂજા જ છે. રફીકે તેના કાકા, માતા અને પરિવારને તેનો ફોટો બતાવ્યો અને સૌ ચોંધાર આંસુએ રડી પડ્યા. પૂજાને તેમણે ઓળખી. પોલીસે ડિસોઝા દંપતીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. આ ખબર રાજેન્દ્ર ભોસલે પાસે પણ પહોંચી ત્યારે તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે, “મેરી પૂજા મિલ ગઈ.” ગૌડ પરિવારમાં પૂજાના મળવાથી ઉજવણીનો માહોલ છે અને રાજેન્દ્ર ભોસલેના ઘરે પણ પૂજાના મળવાથી એક ક્રમ બદલાયો છે. રોજ તેમના ઘરે જમતી વેળાએ અને રાત્રે સૂતી વખતે પૂજા મળી જાય તેવી ઈશ્વર પ્રાર્થના થતી, હવે તેઓની પ્રાર્થના આભાર વ્યક્ત કરતી હશે.

Most Popular

To Top