Business

ઉનાળાની અભૂતપૂર્વ ગરમી માટે તૈયાર રહેજો

ગયા ઓગસ્ટ મહિનામાં પૃથ્વીના વાતાવરણમાં, જાણીતા ઇતિહાસમાં સૌથી વધુ જળબાષ્પનું વિક્રમસર્જક પ્રમાણ નોંધાયું હતું. હવામાં ભેજ અને જળબાષ્પ વચ્ચે સંબંધ છે, પણ બંને એક નથી. ભેજ હવામાં રહેલા પાણીના વરાળરૂપ પ્રમાણ સાથે સંકળાયેલો છે, જે નરી આંખે જોઈ શકાતો નથી. જ્યારે જળબાષ્પ પણ વાયુરૂપમાં હોય છે, વાતાવરણમાં જળબાષ્પનું પ્રમાણ વધવાની સાથે ગરમી અતિશય વધે છે અને દુનિયામાં કેટલાંક સ્થળોએ અતિવૃષ્ટિનું જોખમ વધી જાય છે.

યુરોપની કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ (સીથ્રીએસ) નામની સંસ્થાએ તાજા આંકડા પ્રગટ કર્યા છે. ગયા ઓગસ્ટમાં હવામાં પાણીની વરાળનું પ્રમાણ પ્રત્યેક ચોરસ મીટર દીઠ ૨૭ કિલોગ્રામ ૩૫૦ ગ્રામ નોંધાયું હતું. આ અગાઉનો વિક્રમ ૨૦૨૪માં નોંધાયો હતો. તેની સરખામણીમાં આ વર્ષે જળબાષ્પનું પ્રમાણ ૪૦ ગ્રામ વધુ નોંધાયું છે. વર્ષના અન્ય મહિનાઓની સરખામણીમાં ઓગસ્ટમાં જળબાષ્પનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

વિજ્ઞાનીઓ કહે છે કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તેની સાથે જ તેમાં વધુ જળબાષ્પ સમાઈ શકે છે. પૅસિફિક મહાસાગરમાં અલ નિનોની ઐતિહાસિક સ્થિતિએ પણ જળબાષ્પનું સ્તર વધાર્યું છે. પૃથ્વીની સપાટી પરથી અને તેની ઉપરના વાતાવરણમાં રહેલા જળબાષ્પનું પ્રમાણ માપવામાં આવે છે. પ્રત્યેક ચોરસ મીટર દીઠ જળબાષ્પના પ્રમાણમાં ૪૦ ગ્રામનો વધારો થયો હોય તો તેનો કુલ સરવાળો કરવામાં આવે ત્યારે હવામાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ ૨૦ ટ્રિલિયન (વીસ હજાર અબજ) લિટરનો વધારો થાય છે.

સીથ્રીઇઆરફાઇવ સંજ્ઞાથી ઓળખાતા ડેટાસેટના આધારે પાણીની વરાળનું પ્રમાણ માપવામાં આવે છે. સીથ્રીફાઇવના પીઢ વિજ્ઞાની ડૉ. જુલિયન નિકોલસ કહે છે કે ઉપગ્રહો, હવામાન માપતાં બલૂનો, અન્ય સ્રોતોમાંથી મળતા આંકડા અને વેધર મૉડેલ્સને સાંકળીને જળબાષ્પનું પ્રમાણ જાણવામાં આવે છે. આ ડેટાસેટમાં ૧૯૪૦ પછીના વર્ષોને આધાર તરીકે લેવામાં આવ્યાં છે. તે મુજબ ૧૯૪૦ પછીનો ગયા ઓગસ્ટ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા ૧૮૫૦થી એકત્ર કરાયેલા આંકડા મુજબ પણ ઓગસ્ટ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો.

પૃથ્વી પરની ગરમી અને જળબાષ્પ વચ્ચેના સંબંધનું માપ કાઢવામાં આવ્યું છે. અત્યાર સુધી ગરમીમાં વધારા સાથે જળબાષ્પમાં જે વધારો થયો છે તેમાં સાતત્ય જોવા મળ્યું છે. દુનિયાનું તાપમાન એક ડિગ્રી વધે ત્યારે ગરમ હવામાં વધુ સાત ટકા જળબાષ્પ સમાઈ શકે છે. ડૉ. નિકોલસના કહેવા મુજબ, ઉષ્ણકટિબંધના સાગરો અને મહાસાગરો પરથી સૌથી વધુ જળબાષ્પ વાતાવરણમાં ભળે છે. આ પરથી સમજાય છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારતના લોકોને પ્રમાણમાં વધુ ગરમીનો અનુભવ શા માટે થઈ રહ્યો છે. અલ નિનોની હાજરી અને તેની તીવ્રતાને કારણે સમુદ્રના પાણીમાંથી જળબાષ્પ બનવાનું પ્રમાણ વધ્યું છે. વિજ્ઞાનીઓના કહેવા મુજબ, હવામાં જળબાષ્પનું પ્રમાણ જેમ વધે તેમ ઝંઝાવાત, ચક્રવાત, વરસાદી તોફાન અને અતિવૃષ્ટિ જેવાં અચાનક સર્જાતાં જોખમો વધે છે.

કારણ કે જળબાષ્પ ઠંડી પડીને પાણીનાં બિંદુઓમાં ફેરવાય છે ત્યારે તેમાંથી ગરમી મુક્ત થાય છે. પરિણામે ઝંઝાવાત, ચક્રવાત કે અતિવૃષ્ટિ વધુ શક્તિશાળી બની શકે છે. પૅસિફિક મહાસાગરમાં હાલમાં અલ નિનોની જે પેટર્ન જોવા મળે છે તેના આધારે કરવામાં આવેલી આગાહી મુજબ, ૨૦૨૭નો ઉનાળો ગરમીનો નવો વિક્રમ સ્થાપી શકે છે. શિયાળામાં જ ગરમીનો સામનો કરવા તૈયાર થઈ જવું પડશે. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાની ડૉ. એન્ડ્રુ ડ્રેસલર કહે છે કે ઓગસ્ટમાં હવામાં જેટલી જળબાષ્પ ભળી હતી, તેટલી અગાઉનાં હજારો કે લાખો વર્ષોમાં ભળી હશે કે કેમ તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

માત્ર જળબાષ્પનું પ્રમાણ જ વિક્રમસર્જક રહ્યું નથી. ગયા વર્ષે સૂકી બનેલી નદીઓનું પ્રમાણ પણ છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ રહ્યું હતું. વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ)ની આકારણી દર્શાવે છે કે ૨૦૨૫માં પૃથ્વી પરના જળસંગ્રહમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. દુનિયાભરમાં ભૂગર્ભમાં, નદીઓ, સરોવરો, તળાવો, બરફ, હિમનદીઓ, જમીન અને વૃક્ષોમાં સંઘરાયેલા પાણીના જથ્થામાં ગયા વર્ષે ૪૨ ટકાનો ચિંતાજનક ઘટાડો નોંધાયો હતો. વધી રહેલી ગરમીએ પાણીના ચક્રને અને પાણીની આવક-જાવકના પ્રમાણને અનિશ્ચિત અને અસ્થિર બનાવી દીધાં છે, જેના કારણે અગાઉથી તેની ગણતરી કરવી કે આગાહી કરવી મુશ્કેલ બની છે.

એક તરફ અચાનક પૂર આવી જાય છે, કારણ કે પર્વતો પરનાં હિમસરોવરો અને હિમનદીઓ વધુ પડતી ગરમીને કારણે પીગળી રહ્યાં છે. નદીઓમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યાં હોય તેવાં ધસમસતાં પૂર આવે છે અને થોડા સમય બાદ એ જ નદીઓ ઝડપથી સુકાઈ જાય છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વચ્ચે નદીઓનાં પાણીનું પ્રમાણ સતત બદલાતું રહે છે. ૧૯૯૧ પછી ભાગ્યે જ કોઈ નદીના પાણીનો પ્રવાહ અગાઉની જેમ એકસમાન રહ્યો છે. વિશ્વની નદીઓના ૩૫ ટકા જળપ્રવાહમાં પાણીનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઓછું રહ્યું હતું, જ્યારે ૨૧ ટકામાં સામાન્ય કરતાં ઘણું વધારે રહ્યું હતું. આ પેટર્ન દર્શાવે છે કે વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે અને ગરમી વધી રહી છે. પરંતુ પર્વતો પરનો બધો જ બરફ ઓગળી જશે ત્યારે ગરમીને કારણે આવતાં પૂર પણ અટકી જશે. ત્યારે, એટલે કે થોડાં વર્ષો બાદ, આપણે ક્યાં જઈશું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top