National

દેશમાં પ્રથમવાર જેમ એન્ડ જ્વેલરી ક્લસ્ટર મેપિંગ સરવે કરાશે, ઈન્ડસ્ટ્રીને થશે આ ફાયદો

સુરત : (Surat) કોરોનાકાળ પછી જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં (Gem And Jewelry) ગ્રોથ જોવા મળતા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC) દેશભરમાં હીરા-ઝવેરાત મેન્યુફેક્ચરિંગમાં (Manufacturing) કેટલા યુનિટો છે અને કેટલા કારીગરો કામ કરી રહ્યા છે તેનો ડેટા (Data) મેળવવા માટે પ્રથમવાર જેમ એન્ડ જ્વેલરી ક્લસ્ટર મેપિંગ સરવે (Cluster mapping survey) કરાવવાનો નિર્ણય લીધો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER)ને આ સરવેની જવાબદારી સોંપવામાં આવી છે. જે ભારતના 390 જિલ્લામાં જેમ એન્ડ જ્વેલરીના કેટલા યુનિટ છે અને કેટલા કારીગરો કામ કરે છે તેનો મેપિંગ સરવે કરી કાઉન્સિલને રિપોર્ટ કરશે.

  • હીરા-ઝવેરાત ઉદ્યોગના દેશભરમાં કેટલા યુનિટ છે અને કેટલા કારીગરો છે તેનો આંકડો મેળવાશે
  • 2019માં થયેલા સરવે પ્રમાણે હીરા-ઝવેરાત ઉદ્યોગના 9.89 લાખ એકમો સાથે 42.89 લાખ કારીગરો સંકળાયેલા હતા

કેન્દ્ર સરકાર પાસે 2019નો આંકડો છે એ પ્રમાણે દેશભરમાં 8.89 લાખ યુનિટમાં 42.89 લાખ કામદાર કામ કરે છે. આ સેક્ટરમાં રત્નકલાકારો અને સોની સુધીના કારીગરોને સ્કિલ વર્કરની અલગ ઓળખ આપવા માટે કાઉન્સિલ આ સરવે કરાવવા જઈ રહી છે. સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે એક હજાર હીરા-ઝવેરાત યુનિટને ક્લસ્ટર તરીકે તારવવામાં આવ્યા છે. જેમાં પ્રત્યેક યુનિટમાં ઓછામાં ઓછા 2000 કારીગર કામ કરી રહ્યા છે. સરકાર આ ડેટા મેળવી આ સેક્ટર માટે ભવિષ્યની યોજનાઓ તૈયાર કરશે.

કારીગરોના નિશ્ચિત આંકડાઓ મળ્યા પછી તેમને પ્રોત્સાહિત કરવા માટે યોજનાઓ લાવવામાં આવશે. જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતુ કે હીરા-ઝવેરાત ઉદ્યોગમાં વિશ્વભરનો વિશ્વાસ જીતી શકાય તે માટે કલસ્ટર ઓળખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વધુમાં વધુ રોજગારીનું સર્જન પણ આ ડેટાના આધારે આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે. NCAERએ વર્ક ફોર્સ મેપિંગનો એક દેશવ્યાપી નકશો બનાવશે. જેને આધારે કારીગરોને ભાવી યોજનાઓની સહાય આપવામાં મદદરૂપ થવાશે.

Most Popular

To Top