uncategorized

ગાઝા-ઇઝરાયલ સંઘર્ષ : સામ્રાજ્યવાદના ઈરાદાનો ધાર્મિક સંઘર્ષને નામે ઢાંકપિછોડો

એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વના ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યાં. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે આવેલી ગાઝા સ્ટ્રીપના મુખ્ય શહેર ગાઝાના વિસ્તારો પર એર સ્ટ્રાઇક કરી. ઇઝરાયલ સત્તાધીશોનો દાવો છે કે જે ઇમારતો પર હુમલો કરાયો ત્યાં આતંકીઓ રહે છે, એ હમાસ આતંકીઓ જેમની સાથે મળીને બીજા સશસ્ત્ર જૂથોએ ઇઝરાયલ પર રોકેટ્સ દ્વારા હુમલો કર્યો.

ઇઝરાયલ અને પેલેસ્ટિન વચ્ચેનો આ સંઘર્ષ નવો નથી, દાયકાઓથી આમ જ ચાલતું આવ્યું છે. જો કે તાજેતરમાં જે હિંસક ઘર્ષણ થયું તેના કારણે તાણની તીવ્રતા વધી ગઇ છે. રમાદાનના પવિત્ર મહિનામાં ગાઝામાં ૨૮ જણ મોતને ભેટ્યા. આ તરફ જેરુસલેમમાં ઇઝરાયલી પોલીસે સ્ટન ગ્રેનેડ્ઝ, ટીયર ગેસ અને રબર બૂલેટ્સથી પવિત્ર મુસ્લિમ સ્થળ પર હુમલો કર્યો જેમાં ૩૦૦ પેલેસ્ટિનિયન્સને ઇજા થઇ. આ તાણ ઓછી હતી ત્યાં તો ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેત્યાનયાહુએ એવો હુંકાર કર્યો કે આવા હુમલાની તીવ્રતા વધારાશે. ઇઝરાયલીઓ અને હમાસ વચ્ચે સમયાંતરે ત્રણ યુદ્ધો થયાં છે અને લડાઇ તો થતી આવી છે.

અહીં મુદ્દો જમીનનો છે કે ધર્મનો કે પછી કંઇ બીજું? આ લખાઇ રહ્યું છે ત્યારે પણ ઇઝરાયલ ગાઝાનો સંઘર્ષ ચાલુ છે. રાજકીય શતરંજ પેચીદી અને સ્વાર્થી હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ અઢી દાયકાથી ચાલી રહેલી ખેંચતાણ છે. સત્તાની સાઠમારીમાં સામાન્ય માણસના જીવ જાય છે. અહીં ન તો જમીનની માલિકીનો મુદ્દો છે, ન ધર્મનો. પેલેસ્ટિનિયન ક્રિશ્ચિયન્સ છે તો પેલેસ્ટિનિયન યહૂદીઓ પણ છે અને બન્નેનું દમન ઇઝરાયલ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં ઇઝરાયલી સામ્રાજ્યવાદ, આતંકીઓ, રંગભેદ જેવા લેયર્સ છે. ઇઝરાયલ એક સ્થાપિત કોલોની છે જેનું કામ છે સામ્રાજ્યવાદના રૂપમાં સ્થાનિક વસ્તીઓને દૂર કરી સેટલર્સ – સ્થાપિત લોકોનો સમાજ ખડો કરવો. તેઓ પેલેસ્ટાઇન સાથે જે કરે છે તેમાં યુએસએ, ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવાં સ્થાપિત સામ્રાજ્યોનો તેમને ટેકો છે તો જે પહેલાં કોલોનાઇઝેશન – સામ્રાજ્યવાદી સત્તા હતા તેવા યુકે, ફ્રાંસ, બેલ્જિયમ જેવાં રાષ્ટ્રો પણ તેમની પડખે છે. જો તેઓ ઇઝરાયલને પેલેસ્ટાઇન પર દમન કરતાં રોકે તો તેમણે ઇતિહાસમાં જે કર્યું છે તેના જવાબ આપવા પડે. ધાર્મિક સંઘર્ષનું નામ આપી ભૂતકાળમાં પેલેસ્ટાઇન પર થયેલા આતંકનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તો સાથે પેલેસ્ટિનિયન્સની સ્વતંત્રતા તથા તેમને મળવા જોઇતા ન્યાય પર પણ છીબું મૂકી દેવાની દાનત પણ તેમાં રહેલી છે.

કોઇ પણ ભડકા પાછળ જેમ તણખો હોય તેમ આ ઘટના પાછળનું તાત્કાલિક કારણ હતું કે ઇઝરાયલી સત્તાધીશોએ રમાદાનની રાતની બંદગી માટે દમાસ્કસ ગેટ પાસે પેલેસ્ટિયન્સને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો. ઇઝરાયલીઓનો ઇરાદો હતો કે પૂર્વ જેરુસલેમમાં વસેલા પેલેસ્ટિયન્સનાં ઘરો ખાલી કરાવવા અને એ જગ્યા યહૂદીઓને આપવી. ઇઝરાયલી કાયદા અનુસાર જો કોઇ યહૂદી પોતાનું ટાઇટલ ૧૯૪૮ના યુદ્ધ પહેલાંથી હતું તે સાબિત કરે તો તે શહેરમાં પોતાની મિલકત પર પાછો દાવો કરી શકે. હવે જે પેલેસ્ટિયન્સે ઘર ગુમાવ્યાં છે તેમને માટે આવો કોઇ કાયદો નથી. યુનાઇટેડ નેશન્સમાં નાગરિક અધિકારના જાળવણી કરનારાઓને મતે બળજબરીથી ઘરો કે આખે આખી વસ્તીઓ ખાલી કરાવવાની દાનત – પહેલના પગલાની સરખામણી વૉર ક્રાઇમ સાથે થાય. આ બધી હિંસાની સમાંતર રાજકીય કટોકટીના સંજોગો તો ચાલુ જ છે. નેતનયાહુ પોતાનું ઇન્દ્રાસન સાચવવામાં વ્યસ્ત છે જેમાં તેમના શત્રુઓ સાથે ગઠબંધનની વાત ચાલે છે તો ભ્રષ્ટાચારના આરોપાની ટ્રાયલ પણ થઇ રહી છે. આ તરફ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહંમદ અબ્બાસે ચૂંટણીઓ અનિશ્ચિત મુદત માટે પાછી ઠેલી દીધી છે.

ઇઝરાયલીઓ આખા જેરૂસલેમને પોતાની રાજધાની માને છે, આ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ માનતું નથી. પેલેસ્ટિનિયન્સને પૂર્વ જેરૂસલેમ ભાવિ રાજ્યની રાજધાની તરીકે જોઇએ છે જેને ૧૯૬૭માં ઇઝરાયલે કબ્જે કર્યું હતું. ૨૫ વર્ષથી શાંતિ માટેની વાટાઘાટો તો ચાલતી આવી છે પણ આ સંઘર્ષનો કોઇ છેડો હજી કોઇને ય જોવા નથી મળ્યો. પેલેસ્ટિનિયન રેફ્યુજીઝનું શું કરવું અને વેસ્ટ બેંકમાં ગોઠવાઇ ગયેલા યહૂદીઓને ત્યાં રહેવા દેવા કે ખસેડવા, આ બન્ને મોટા પડકાર છે. વળી જેરૂસલેમ બન્નેએ વહેંચી લેવું કે પછી જે બળૂકું હોય તે પોતાના તાબામાં રાખશેનો પ્રશ્ન પણ છે. જે ઇઝરાયલ અમેરિકાના દોરીસંચાર પર કામ કરનાર રાષ્ટ્ર છે તેની સમાંતર પેલેસ્ટિનિયન રાષ્ટ્ર ખડું થાય તો પણ કોકડું ગુંચવાય. ગાઝાનાં લોકો જાતભાતના પ્રતિબંધોની વચ્ચે હાલાકીભર્યું જીવન જીવી રહ્યા છે. ગાઝા પટ્ટીની પીડા અને આ ભડકા નવા નથી. અહીંના રહેવાસીઓ પાસે ન તો રોજગાર છે, ન તો વીજળી છે કે ન પીવાનું ચોખ્ખું પાણી છે. અહીં માથે એવી સરકાર છે જેને બધું નિયંત્રિત રાખવું છે, બધું તાબામાં રાખવું છે પણ કોઇ પ્રકારની સુરક્ષા નથી પૂરી પાડવી. ઇઝરાયલી સરકાર હોય કે પેલેસ્ટાઇનના આતંકીઓ હોય અહીં અગત્યનું છે કે નાગરિકોની જિંદગીઓને કોઇ આધાર, કોઇ સલામતી તો મળે.
બાય ધ વેઃ

ગાઝામાં રહેતાં પેલેસ્ટિનિયન્સ કહે છે કે ઇઝરાયલીઓને કારણે પોતાને વેઠવું પડે છે તો ઇઝરાયલીઓ પોતે જે કરે છે તે પેલેસ્ટિનિયન્સની હિંસાના જવાબમાં કરે છે તેમ કહે છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ બેઠા હતા ત્યાં સુધી તેમણે નેતનયાહુને કંઇક ને કંઇક મૂર્ખામી આચરવા સળી કર્યા કરી. ઇઝરાયલનું અસ્તિત્વ જ એટલા માટે છે કે યુએસએ ચાહે ત્યારે આરબ દેશોમાં કાંકરીચાળો કરાવવા માગે તો ઇઝરાયલને ખો દઈ દે. વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં હવે એવી સરકાર છે જે ઇઝરાયલ – પેલેસ્ટાઇનના મુદ્દાઓ પર ગંભીરતાથી કંઇ પગલું ભરી શકે. આતંકી હુમલાઓની ટીકા કરવાનું તેમનું પગલું સાચું છે પણ ઇઝરાયલી સત્તાધીશોએ જે કર્યું તે માટે તેમના કાન આમળવામાં આવે તે પણ જરૂરી છે.

Most Popular

To Top