uncategorized

હેશટેગ જનરેશન: આ સમગ્ર જગત સંબંધો પર નિર્ભર છે, જેમ ઘરમાં સમજણ એજ સંબંધોની પરિભાષા છે

આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક સંબંધો છે. બીજા સંબંધો છે જે ગુરૂ-શિષ્ય, ભગવાન-ભકત આ સંબંધો અલૌકિક સંબંધો છે. ઘણી વખત આપણને એમ થાય છે કે આ સંબંધોથી જ દુનિયા ચાલે છે. તો હા, માનવ સામાજિક પ્રાણી છે. માણસ સમાજ વગર જીવી શકતો નથી. સંબંધોથી માણસની જીવવા માટેની કડીઓ મજબુત બને છે. દરેક માનવ મહત્વાકાંક્ષી હોય જ છે. તેની મહત્વાકાંક્ષાઓને બળ આ બધા સંબંધોથી મળે છે. માણસની પ્રગતિ થાય છે. માનસિક અને આર્થિક બન્ને તાકાત તેના પરિવારમાંથી મળે છે.

આજના સમયની વાત કરીએ એ તો કુટુંબો બહુ જ નાના બનતા જાય છે. કારણ કે નોકરી ધંધા અર્થે મોટા કુટુંબો વિભાજીત થતા જાય છે, ત્યારે મુખ્યત્વ મા-બાપ અને બાળકોના સંબંધો, પતિ – પત્નિના સંબંધો, ભાઇબેનના સંબંધો, સાસુ-વહુના સંબંધો પુરતું મુખ્યત્વે સિમિત થઇ ગયું છે. વિશાળ સંબંધોની માળા તૂટી ગઇ છે. વળી બીજું કે આજના સમયમાં માણસની આર્થિક દોટ એટલી વધી ગઇ છે કે દૂરના સંબંધો સાચવવા સમય જ નથી એવું નથી કે આજના જનરેશનને સંબંધો રાખવા નથી ગમતા! ગમે છે પણ તો જુની પ્રણાલીથી સાચવવા નથી ગમતા. તેને ભારરૂપ સંબંધો નથી ગમતા. વળી આપણે પણ તેના વિચારોને કંઇક ઇગ્નોર કરતા હોઇએ છીએ. આજનું જનરેશન મતલબી છે? હા, જરૂર. પણ એનો અર્થ એ નથી કે તેઓ લાગણીહીન છે. એ ખૂબ જ લાગણીશીલ છે. પણ એ એવું જરૂર ઇચ્છે છે કે ટાઇમપાસ સંબંધો જો ખોટા લાગણીવેડા બતાવવા માટે જ નિર્ભર રાખવાના હોય તો તે નહીં ચલાવે. કારણકે એક સાઇડની લાગણી, પ્રેમ, વિચારો કે વાતનું કોઇ તથ્ય નથી હોતું. તેઓ આપણા કરતાં વધુ હોંશિયાર અને સમજદાર છે. આપણે એને આપણી નજરથી નહીં, તેઓની નજરથી સમજવાની જરૂર છે.

બીજી વાત કરું તો બાળકો ઉપર સૌથી વધુ સંબંધોની અસર ઘર પરિવારમાંથી થાય છે ખાસ કરીને મા-બાપના સંબંધોની અસર બાળકોના જીવનમાં સૌથી વધુ પડે છે. પતિ-પત્નિના જીવનની અસરો ખાસ કરીને બાળકો પર પડે છે, એટલે જ પતિએ પત્નીને અને પત્નીએ પતિને ખુબ પ્રેમ આપવો જોઇએ. સમજદારીથી જીવવું જોઇએ. બાળકોની સામે બન્નેએ એકબીજાનું લેવલ ઉપર નીચે ના ગણવું જોઇએ. જેટલું પતિ-પત્ની એકબીજાનું એકબીજા સામે માન – સન્માન જાળવશે એ સંતાનો જોશે અને શિખશે. પતિ-પત્ની પોતાના મા-બાપની સંભાળ લેશે. જેવું બાળકો ઓબ્ઝર્વેશન કરશે એવું વર્તન કરશે.

પારિવારિક સંબંધોમાં એકબીજાનું માન જાળવવું મુખ્ય મુદ્દો છે. નાનાં બાળકોનું પણ માન જાળવવું પડે એ પણ બધું જુએ છે. સમજે છે. એના નાના દિમાગમાં બહુ બધી ગડમથલો ચાલે છે. આપણા વાણી-વર્તન થકી, યુવાન બાળકોને સ્નેહની ભરપુર જરૂર છે. કારણકે એની અમુક અણ-આવડતની જીમ્મેદારી મા-બાપની કે પરિવારના વડીલોની છે. એક સારો સમાજનો સભ્ય – એક સારા નાગરિક બતાવવાની જવાબદારી પ્રત્યેક મા-બાપની છે. એને પગભર કરવાથી માંડી એના જીવનના સુખદુ:ખ આપણે કહી શકે. બીજું મા-બાપનું ઘડપણ સાચવવું સંતાનોની ફરજ છે. એટલે જ જેવું સિંચન કરીએ એવું જ વૃક્ષ પાંગરે છે. આપણાં પરિવારનું સિંચન આપણે કેવું કરવું આપણા પર નિર્ભર છે. કોઇ અંશે વિચારોનું સાતત્ય નથી જળવાતું ત્યારે ધારણા કરતાં અલગ બનતું હોય છે.

પરિવારના વડિલોની સમજણ જ પરિવારનો આધારસ્તંભ છે. પરિવાર એક નાનકડું વિશ્વ છે. વિચાર સામ્યતા, સમજણ અને યોગ્ય નિર્ણય શકિત આ નાના વિશ્વનું સુંદર નિર્માણ કરી શકે છે અને એ જ પરિવારો એક બીજા સાથે સુમેળ સાધી શકે છે, માટે પરિવારમાં નાના – મોટા કોઇને નહીં ગણીને દરેકનું એક જ સરખું માન-સન્માન જળવાઇ રહે છે એ રીતે વિચારસરણી અને સમજણ રાખીએ. દરેક પરિવાર ખુશ રહીએ.

‘જેમ ઘરમાં સમજણ એજ સંબંધોની પરિભાષા છે.’
‘સમગ્ર વિશ્વરૂપી પરિવાર માટે કલ્યાણની ભાવના સંબંધની પરિભાષા છે.’
-મનસા

Most Popular

To Top