Business

યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે ગાંધીનગરમાં સેમિનાર

ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનાર યોજાયો હતો. જેમાં વેટલેન્ડ નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારોને લગતા વિવિધ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તા.૩ થી ૬ જાન્યુઆરી દરમિયાન નળ સરોવર- રામસર સાઈટ ખાતે મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળા પણ યોજાશે.

વડોદરા પાસે વઢવાણા તળાવ , થોળ પક્ષી અભ્યારણ્ય, ખીડડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી તથા નળ સરોવર પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરાઈ છે. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના કુલ જલપ્લાવિત વિસ્તારના ૨૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતની ચાર સાઈટને રામસર-વેટલેન્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લાખો દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે ગુજરાતના મહેમાન બને છે તે આપણી આગવી ઓળખ છે, આ યાયાવર પક્ષીઓનું જતન સંરક્ષણ કરવાની આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.

વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વેટલેન્ડ સંરક્ષણ અને જતન માટેનું અભિયાન ગુજરાતમાં તેજ ગતિએ શરૂ થયું હતું. કુદરતી અને માનવ સર્જિત વેટલેન્ડની જાળવણી અને તેનો વિકાસ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાતમાં આ માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રીન્સીપલ ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ એસ.કે.ચતુર્વેદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કુદરતી વેટલેન્ડની મુલાકાતે આવનાર યાયાવર-સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ ન પહોંચે તેના માટે આપણે સૌએ સંયુક્ત રીતે વધુ પ્રયાસો કરવા પડશે. પોતાના વિસ્તારમાં આવતા કુદરતી વેટલેન્ડની સુરક્ષા તેના પ્રશ્નોનો વહીવટીતંત્ર- સ્થાનિકોની મદદથી ઉકેલવા તેમજ વેટલેન્ડ મિત્ર બનાવવા પણ તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top