Gujarat

નડ્ડા સહિત ભાજપના ચારેય ઉમેદવારોએ ગાંધીનગરમાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી કરી

ગાંધીનગર: (Gandhinagar) આજે બપોરે વિજય મુહુર્તમાં ભાજપના (BJP) ચારેય રાજયસભાના ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે ગુજરાત વિધાનસભા પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મહેસાણાના મયંક નાયક તથા ગોધરાના ડૉ જશવંતસિંહ પરમારે પણ ઉમેદવારી કરી હતી તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આવતીકાલે ફોર્મની ચકાસણી થશે, તે પછી 20મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, જેના પગલે ભાજપના ચારેય ઉમેજવારો બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરાશે.

રાજયસભાની મતોની પેટર્ન જોઈએ તો 4 બેઠક જીતવા માટે ભાજપને 144 ધારાસભ્યની જરૂર પડે તેમ છે. તેની સામે ભાજપ પાસે 156 બેઠક છે. રાજ્યસભાની યોજાનારી ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 178 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠક અને કોંગ્રેસ પાસે 15 બેઠક છે. વિધાનસભામાં આપના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે. આ રીતે રાજકીય સમીકરણો જોતા ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ ચૂંટાયેલા જાહેર થાય તેમ નિશ્વિત મનાય છે. અગાઉ ગુજરાતમાંથી વિદેશ મંત્રી એસ. જયશંકર તથા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ બન્યા હતા.

હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ બનશે, જેના પગલે ગુજરાતનું પ્રભુત્વ વધવાનું છે. મૂળ હિમાચાલ પ્રદેશના વતની એવા જે.પી. નડ્ડા 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તે અગાઉ નડ્ડા 2012માં રાજયસભાના સાંસદ બન્યા હતા એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી તરીકે રહ્યાં હતા. પ્રદેશની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને રાજયસભામાં સ્થાન મળ્યું કહેવાય, જયારે જ્ઞાતિના સમીકરણો જોઈએ તો બ્રાહ્મણ, ઓબીસી અને એક પાટીદાર ઉમેદવારને પાર્ટીએ તક આપી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ ટિકીટોની વહેંચણી કરાઈ હોવાનું પાર્ટી નેતાગીરીનું માનવુ છે.

ગુજરાતમાં 26માંથી 26 બેઠકની હેટ્રિક કરીશું : નડ્ડા
આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા કેબિનેટ મંત્રીઓ, પ્રદેશ ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ પર યોજાયેલી સભક્ષામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાતમાંથી ઉમેદવારી કરવી તે મારા માટે ગર્વની બાબત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં એનડીએ 400 પ્લસ બેઠક જીતશે, જયારે ગુજરાત ફરી 26માંથી 26 બેઠક જીતી હેટ્રિક કરશે.

જ્ઞાતિના સમીકરણો
મહેસાણાના વતની મયંક નાયક ભાજપના પ્રદેશના ઓબીસી મોરચાના અધ્યક્ષ છે. જયારે ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પ્રભારી પણ છે. વ્યવસાયે તબીબ એવા ડૉક્ટર જશવંતસિંહ પરમાર ગોધરા ઉપરાંત પંચમહાલ જિલ્લામાં સારુ વર્ચસ્વ ધરાવે છે. તેમનો પરિવાર વર્ષોથી ભાજપ અને સંઘ સાથે સંકળાયેલો છે. તેઓ જશવંતસિંહ પરમાર પંચમહાલના ભાજપના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના વતની એવા પાટીદાર અગ્રણી ગોવિંદ ધોળકિયા સુરતના ડાયમંડ કિંગ છે. તેમણે તાજેતરમાં રામ મંદિર માટે 11 કરોડનું દાન પણ આપ્યુ હતું.

નો રિપીટ થીયરીમાં રૂપાલા – માંડવિયા કપાયા
ભાજપ હાઈકમાન્ડે નો રિપીટ થીયરીના પગલે પરષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયાને પુન:ટિકીટ આપી નથી. એક સંભાવના એવી છે કે ભાજપની નેતાગીરી સૌરાષ્ટ્રના આ બંને નેતાઓને લોકસભાની ટિકીટ આપીને ચૂંટણી લડાવે તેવી સંભાવના છે. જો કો ભાજપ હાઈકમાન્ડે પોતાની નો રીપીટ થિયરી અપનાવતા ચારેય નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Most Popular

To Top