Editorial

જી-૭નો પીજીઆઇઆઇ પ્રોજેક્ટ ચીનના બીઆરઆઇની બરાબરી કરી શકશે?

હાલ થોડા સમય પહેલા જર્મનીના મ્યુનિકમાં જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. આ સમિટમાં એક રાબેતા મુજબની ચર્ચાઓ ઉપરાંત એક મહત્વની વાત એ બની કે જી-૭ના સભ્ય દેશોએ પીજીઆઇઆઇ નામનો એક નવો પ્રોજેક્ટ  રજૂ કર્યો, જેમાં વિશ્વના વિકાસશીલ દેશોને વિવિધ ક્ષેત્રોમાં મદદ માટે અબજો ડોલરની સહાય વિશ્વના આ સાત ધનવાન દેશો કરવાના છે. ખરેખર તો આ પ્રોજેક્ટ ચીનના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા  માટે તૈયાર કરવામાં આવ્યો છે.

ચીનના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે જી-૭ દેશોએ ૬૦૦ અબજ ડોલરનો જે નવો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ રજૂ કર્યો છે જેને પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રકચર  એન્ડ ઇન્વેસ્ટમેન્ટ(પીજીઆઇઆઇ) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ તેઓ વિશ્વના વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ચેન્જની સ્થિતિનો સામનો કરવા માટે, તેમના દેશમાં આરોગ્યની સ્થિતિની સુધારણા કરવા માટે વગેરે માટે  સહાય કરશે. જો કે વિશ્વના કયા દેશોને તેઓ આમાં સાંકળવા માગે છે તેની સ્પષ્ટતા તરત મળી શકી ન હતી પરંતુ જે દેશો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ) પ્રોજેક્ટમાં જોડાયા નથી તેમને આમાં શામેલ કરવામાં  આવશે એમ જણાય છે.

જી-૭ દેશોનો આ નવો પ્રોજેકટ ૬૦૦ ડોલર એટલે કે ૪૮૮ પાઉન્ડ જેટલી રકમનો થાય છે જેમાંથી અમેરિકા ૧૬૦ અબજ પાઉન્ડ આપશે, જ્યારે અન્ય ૨૫૦ અબજ પાઉન્ડ જેટલી રકમ ઇયુના અન્ય દેશોમાંથી આવશે. બૈજિંગના બેલ્ટ  એન્ડ રોડ ઇનિશિયેટિવ(બીઆરઆઇ) હેઠળ એકસોથી વધુ જેટલા દેશોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ચીની ઇજનેરો અનેક દેશોમાં રસ્તાઓ, પુલો, એરપોર્ટો વગેરે બાંધી રહ્યા છે. ચીન આને એશિયા અને યુરોપ વચ્ચે નવો સિલ્ક  રૂટ ચાલુ કરવાના પ્રયાસ તરીકે વર્ણવે છે જે સિલ્ક રૂટ પ્રાચીન સમયમાં અસ્તિત્વ ધરાવતો હતો. જો કે જી-૭ દેશો આક્ષેપ કરે છે કે આ પ્રોજેકટ હેઠળ ચીન ગરીબ દેશો પર પ્રભાવ જમાવી રહ્યું છે અને તેમને દેવામાં ધકેલી રહ્યું છે.

હવે  આ જી-૭ દેશોએ આ નવો પીજીઆઇઆઇ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકતા અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે આ કોઇ દાન કે સહાય નથી. તે રોકાણ છે અને તે દરેકને વળતર  આપશે. આ યોજના હેઠળ વિકાસશીલ દેશોને હવામાન પરિવર્તનના મુકાબલા, આરોગ્ય સુધારણા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે માટે ટેકો આપવામાં આવશે. ચીનના બીઆરઆઇ પ્રોજેકટ્માં જે દેશોને સાંકળવામાં આવ્યા છે તેમાં એશિયા,  યુરોપ અને આફ્રિકા ખંડના અનેક દેશોનો સમાવેશ થાય છે તથા અનેક દેશોએ બીઆરઆઇના વિવિધ પેટા પ્રોજેક્ટોમાં ચીન સાથે ભાગીદારી કરી છે.

હવે જી-૭ દ્વારા જે નવો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ચીનના બીઆરઆઇ પ્રોજેકટમાં જે અલ્પવિકસીત કે વિકાસશીલ દેશો જોડાયા છે તેમાંના કેટલાકને પણ આ નવા પ્રોજેકટમાં શામેલ કરવાનો પ્રયાસ જી-૭ દેશો તરફથી થાય  એવું પણ બને. હાલ જી-૭ના પીજીઆઇઆઇની રૂપરેખા પુરી સ્પષ્ટ થઇ નથી. આ પ્રોજેકટના જે હેતુઓ દર્શાવાયા છે તેમાંના ઘણા પણ બીઆરઆઇ પ્રોજેકટના હેતુઓ કરતા કંઇક જુદા પડે છે. ચીન દ્વારા શરૂ કરવામાં આવેલો  બીઆરઆઇ પ્રોજેક્ટ મોટે ભાગે માળખાગત વિકાસલક્ષી છે. એક નિષ્ણાતે જણાવ્યું છે કે બીઆરઆઇ પ્રોજેક્ટ સાથે જી-૭નો પીજીઆઇઆઇ પ્રોજેકટ બરોબરી કરી શકશે કે કેમ?

તે બાબતે કંઇ કહેવું હાલ વહેલું ગણાશે. ચીનના  બીઆરઆઇ પ્રોજેકટમાં પર્યાવરણને નુકસાન બાબતે કેટલાક સ્થળે આંખ આડા કાન કરવામાં આવ્યા છે જ્યારે પીજીઆઇઆઇ પ્રોજેકટમાં પર્યાવરણની ચિંતા કરવામાં આવી છે તે એક નોંધપાત્ર બાબત હોવાનું એક નિષ્ણાત અભિપ્રાય  પરથી જણાય છે. જો કે ચીન દ્વારા બીઆરઆઇ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી તેને દસ વર્ષ જેટલો સમય થઇ ગયો છે તથા વિશ્વના સો કરતા વધુ દેશો તેની સાથે જોડાયા છે જ્યારે પીજીઆઇઆઇની તેની સાથે સરખામણી હાલ  કરી શકાય તેમ નથી. સમય જતા જ સમજાશે કે પીજીઆઇઆઇ એ બીઆરઆઇની બરાબરી કરી શકશે કે કેમ?

Most Popular

To Top