Sports

વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયા માટે નબળી બોલિંગ ચિંતાનો વિષય

ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપ પહેલાં જ્યારે એશિયા કપ રમાવાનો હતો ત્યારે સૌના મુખે એક જ સવાલ હતો કે શું વિરાટ કોહલી ફોર્મમાં આવશે? એશિયા કપ પૂરો થયો તે પછી હવે જ્યારે વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય ટીમ માટે અને ક્રિકેટ ચાહકો માટે સવાલ બદલાઇ ગયો છે. હવે લોકોને એક જ સવાલ સતાવે છે કે શું ભારતીય ટીમ આ બોલીંગ આક્રમણ સાથે વર્લ્ડકપ જીતવા જવાની છે? જ્યારે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ T- 20 ટીમના સૂત્રો પોતાના હાથમાં લીધા  ત્યારે ભારતીય ટીમનો મુખ્ય મુદ્દો તેમની બીબાંઢાળ બેટિંગ હતી. ભારતીય બેટ્સમેનોને પણ આ ક્ષેત્રમાં સુધારો કરવામાં થોડો સમય લાગ્યો પરંતુ તેઓ ટીમની માગ પ્રમાણે પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. જો ભારતની છેલ્લી કેટલીક મેચોમાંથી સકારાત્મકતા જોવામાં આવે તો બેટિંગ તેમની સૌથી મજબૂત બાજુ  જણાઇ આવશે.

જો કે, એક સમસ્યામાંથી બહાર આવ્યા બાદ ભારતીય ટીમ હવે બીજા ક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. T-20ની છેલ્લી 3 હારમાં ભારતીય ટીમ ટાર્ગેટનો બચાવ કરતી વખતે હારી છે. આ ત્રણેય મેચમાં ભારતે છેલ્લી 4 ઓવરમાં 54, 42 અને 41 રનનો બચાવ કરવાનો હતો અને ત્રણેય મેચ તેમના હાથમાંથી સરકી ગઇ હતી. આ ત્રણેય મેચમાં ભારતીય ટીમે સારી બેટિંગ કરી હતી પરંતુ બોલિંગ સતત સમસ્યા બની રહી છે. આ 3 મેચોમાં એક વાત સામાન્ય એ હતી કે જસપ્રીત બુમરાહ પ્લેઇંગ 11માં હાજર ન હતો અને ભુવનેશ્વર કુમારે દરેક મેચની 19મી ઓવરમાં અનુક્રમે 16, 14 અને 19 રન આપી દીધા હતા. એવું નથી કે ભુવનેશ્વરને 19મી ઓવર આપીને ભારત કોઈ વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યું હતું કારણ કે બુમરાહની ગેરહાજરીમાં ભુવનેશ્વર ડેથ ઓવરોનો શ્રેષ્ઠ બોલર છે.

2020ની શરૂઆતથી આ મહિનાની શરૂઆત સુધી, ભુવનેશ્વર T-20 ક્રિકેટમાં ત્રીજો સર્વશ્રેષ્ઠ ભારતીય ડેથ બોલર રહ્યો છે. 3માંથી બીજા 2 શ્રેષ્ઠ બોલર અર્શદીપ સિંહ અને બુમરાહ છે. ભુવનેશ્વર છેલ્લી ઓવરોમાં સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે પણ છેલ્લી 3 મેચમાં તે જાણે કે પોતાની એ બોલીંગ ભૂલી ગયો હોય તેવું લાગે છે. સ્વાભાવિક રીતે, તેની પાસે ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે પૂરતી ગુણવત્તા નથી. તેની પાસે હાઇ સ્પીડ નથી.  તેની એક સ્વચ્છ બોલીંગ એક્શન  છે. તે ભાગ્યે જ 140  Km. પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આયોજન અને અમલીકરણમાં તેની ચોકસાઈએ જ તેને રમતમાં જાળવી રાખ્યો છે.

ભુવનેશ્વર કદાચ એ ખુલ્લા દિલે  કબૂલ કરશે કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T-20 દરમિયાન મોહાલીમાં તેની યોજના મુજબ બોલિંગ કરી શક્યો ન હતો. ફિલ્ડરના માથા પરથી ફટકો મારવો એ એક બાબત છે પરંતુ જ્યાં કોઈ ફિલ્ડર ન હોય તે જ દિશામાં મેથ્યુ વેડ દ્વારા વારંવાર ફટકો મારવામાં આવ્યો એ બીજી બાબત છે અને તે બાબત ચોક્કસપણે ભુવનેશ્વરને પીડા આપનારી રહી હશે. ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાં એવું પહેલી વાર બન્યું હતું કે  જ્યારે ભુવનેશ્વરે પોતાની 4 ઓવરમાં 50થી વધુ રન આપ્યા હતા. ભારતીય ટીમ હવે એવી  આશા રાખી રહી હશે કે ભુવનેશ્વર જેમ બને તેમ ઝડપથી પોતાની બોલિંગમાં સુધારો કરશે. ઈજામાંથી પરત ફરેલા હર્ષલ પટેલે પોતાની 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. આટલું જ નહીં તેણે 18મી ઓવરમાં 22 રન આપ્યા હતા.

મોહાલીની પીચ મોટાભાગે ઓસ્ટ્રેલિયાની પીચો જેવી હતી. પિચ પર સારો ઉછાળો હતો અને બોલ ક્યારેય અટકી રહ્યો ન હતો. આવી પીચો પર ધીમી બોલિંગની અસરકારકતા હંમેશાં શંકાસ્પદ છે. જો ટી T-20 વર્લ્ડ કપ દરમિયાન પણ આ જ સ્થિતિ રહી તો હર્ષલ પાસે અન્ય કયા વિકલ્પો હશે તે વિચારવાનો વિષય છે. રોહિતે મેચ બાદ એવું કબૂલી લીધું હતું કે મને નથી લાગતું કે અમે સારી બોલિંગ કરી. 200થી વધુનો સ્કોર ચોક્કસપણે સારો છે અને અમે મેદાનમાં પણ ઘણી તક ગુમાવી. અમારા બેટ્સમેનોએ સારો પ્રયાસ કર્યો પરંતુ બોલિંગ એટલી સારી રહી નહોતી. રોહિતે મેચ પછી કહ્યું, તમે દરરોજ 200 રન બનાવી શકતા નથી. હાર્દિક પંડ્યાએ અમને તે સ્કોર સુધી પહોંચાડવા માટે ખરેખર સારી બેટિંગ કરી હતી. અમારે હવે  અમારી બોલિંગ વિશે ઘણું વિચારવાની જરૂર છે.

T-20માં તમારે ફિલોસોફિકલ બનવું પડશે. આ ટૂંકા ફોર્મેટની રમતમાં નસીબ અને ટોસ મોટો ભાગ ભજવે છે. તમે હંમેશાં પરિણામોના આધારે તમારી જાતને નક્કી કરી શકતા નથી. એક શોટ જીત અને હાર તરફ દોરી શકે છે. જો કે ભારતીય ટીમને પ્રથમ મેચમાં મળેલી હાર, તે તમને દાર્શનિક વિચારસરણીની દિશામાં આગળ વધવા માટે મજબૂર કરી શકે નહીં. ઓસ્ટ્રેલિયાએ જે સરળતાથી 24 બોલમાં 55 રનનો પીછો કર્યો તે એક પાઠ સમાન હતું કે બેટિંગ પિચો પર બોલરો પાસે વધુ સારું પ્રદર્શન કરવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ભારતીય ટીમે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ શોધી લેવું પડશે.

Most Popular

To Top