Columns

ફૂટબોલ મોમેન્ટ

આજે ફરી વાત કરીએ હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ ‘ફીફા’ માંથી શીખવા મળતી નાની નાની વાતોની. ફૂટબોલ મેચમાં ૯૦ મિનીટમાં બંને ટીમ વચ્ચે રસાકસી થાય છે.બંને દેશોના ખેલાડીઓ ગોલ કરવા માટે જાન લગાડી દે છે.ફૂટબોલ મેચની હાર જીત સાથે ખેલાડીઓ અને લાખો ચાહકોની લાગણીઓ જોડાયેલી હોય છે.એક એક ગોલ થતાં અનેક ચાહકો રડી પડે છે…ઉત્સાહથી નાચવા લાગે છે.ફૂટબોલ ઉમંગો અને લાગણીઓથી છલકતી ગેમ છે.જે જીતે છે તે જીતની ખુશીમાં નાચી ઊઠે છે અને જે હારે છે તે દુઃખમાં રડી પડે છે. એક નોક આઉટ મેચ બ્રાઝીલ અને ક્રોએશિયા વચ્ચે રસાકસીભરી રહી.મેચના સમય દરમ્યાન બંને ટીમે એક એક ગોલ કર્યો હતો એટલે હવે જીત નક્કી કરવા માટે પેનલ્ટી શૂટ આઉટ શરૂ થયા અને બ્રાઝીલના બે ગોલ થયા અને ક્રોએશિયાના ચાર અને ક્રોએશિયા જીતી ગયું.

ક્રોએશિયાની આખી ટીમ તેના કોચ અને ચાહકો ઉમંગમાં નાચી ઊઠયા….તેમની ખુશીની કોઈ સીમા ન હતી. અને બ્રાઝીલનાં ચાહકો દુઃખી થઈ ગયા અને ખેલાડીઓ રડવા લાગ્યા…રમતમાં તો હારજીત થાય જ અને જીતનાર નાચે અને હારનાર રડે એ તો સામાન્ય છે એટલે હવે જે વાત આવે છે તે મહત્ત્વની છે. બ્રાઝીલનો પ્રખ્યાત ખેલાડી નેમાર પોતાના આંસુ રોકી ન શક્યો અને ગ્રાઉન્ડ પર જ રડી પડ્યો…તેની પાસે ક્રોએશિયાની ઓળખ સમ રેડ એન્ડ વ્હાઈટ ટીશર્ટ પહેરેલો એક નાનો છોકરો દોડી ગયો અને નેમારને જઈને ભેટી પડ્યો…. તેને સાંત્વના આપવા લાગ્યો.

આ છોકરો ક્રોએશિયાની ટીમના ખેલાડી ઇવાન પેરીસિકનો દીકરો હતો તેના પપ્પા …તેના દેશની ટીમ જીતી હતી પણ આ નાનો છોકરો હારનાર ટીમના ખેલાડી પાસે જઈને તેમને ભેટ્યો…તેને જીતની ખુશી વચ્ચે પણ ખ્યાલ હતો કે હારનાર ટીમને કેટલું દુઃખ થયું હશે…નાના છોકરાનું આ નાનકડું પગલું એક સુંદર મોમેન્ટ સર્જી ગયું અને એક લાગણીભર્યો સંદેશ આપી ગયું કે જીતની ખુશી મનાવો પણ હારનારના દુઃખને પણ ઓળખો.આ ઘડીએ ફૂટબોલની રમતને વધુ સુંદર બનાવી દીધી.રમતમાં તો એક હારે અને બીજો જીતે અને બે ટીમના મુકાબલામાં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું …સામેવાળી ટીમ માત્ર એક પ્રતિસ્પર્ધી ટીમ છે કોઈ દુશ્મન નથી.તેમની લાગણીઓની પણ કદર થવી જોઈએ. જીવનમાં પણ જયારે જયારે જીતનો આનંદ મનાવીએ ત્યારે ધ્યાન રાખવું કે હારનારની લાગણીઓને ઠેસ ન પહોંચે.આપણો આનંદ ઉજવીએ પણ બીજાના દુઃખને ઓછું કરવાનો પ્રયત્ન પણ કરીએ.

Most Popular

To Top